મોરબી રોડ પર આવેલા ગણેશનગરમાં રિક્ષા ચાલક યુવાને તેની પત્નીના ચારિત્ર્ય અંગે શંકા કરી મારકૂટ કરતા ઉશ્કેરાયેલા સસરા, પત્ની અને સાળીએ છરીથી હુમલો કરી હત્યા કરવાના ગુનામાં ફરાર સસરાની ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ધરપકડ કરી છે.
આ અંગેની પોલીસસુત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગણેશનગરમાં રહેતા ફારૂક રહેમાન મુસાણી નામના 36 વર્ષના યુવાન પર તેના સસરા હારૂન જમાલ ભાડુકા, પત્ની ઇલ્ફીઝા અને સાળી મુમતાઝ ઉર્ફે મુસ્કાને છરીથી હુમલો કરી હત્યા કર્યાની બી ડિવિઝન પોલીસમાં રહેમાન મુસાણીએ ફરિયાદ નોંધાવતા પોલીસે મૃતક ફારૂકની પત્ની ઇલ્ફીઝા અને સાળી મુમતાઝની ધરપકડ કરી હારૂનની શોધખોળ હાથધરી હતી.
જમાઇની હત્યાના ગુનામાં સંડોવાયેલા હારૂન જમાલ ભાડુકા જામનગર રોડ પર ઘંટેશ્ર્વર પાસે આવ્યાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. વી.કે.ગઢવી, પી.એસ.આઇ. પી.એમ.ધાખડા, હેડ કોન્સ્ટેબલ મયુરભાઇ પટેલ, સિધ્ધરાજસિંહ જાડેજા, નગીનભાઇ ડાંગર અને અમિત અગ્રવત, વિરેન્દ્રસિંહ ઝાલા અને પ્રદિપસિંહ જાડેજા સહિતના સ્ટાફે ધરપકડ કરી પૂછપરછ કરતા તે આ પહેલાં પશુઘાતકીપણા અંગેના પાંચ ગુના અને એક જુગારના ગુનામાં ઝડપાયો હોવાની બહાર આવ્યું છે. ઇલ્ફીઝા મોબાઇલમાં વાત કરતી હોય ત્યારે તે કોની સાથે વાત કરે છે તેમ કહી ચારિત્ર્ય અંગે શંકા કરી મારકૂટ કરતો હોવાથી હત્યા કર્યાની કબુલાત આપી છે.