અમુલના આણંદ ખાતેના પ્લાન્ટમાં ૧૦૦૦ ટન ચોકલેટનું પણ ઉત્પાદન થશે

હેલ્ધી રહેવું છે ? હવે ઊંટડીનું દૂધ અને ચોકલેટ માટે તૈયાર રહો દિવાળી પહેલા અમુલ બ્રાન્ડ ઊંટડીના દૂધમાંથી બનેલી ચોકલેટ માર્કેટમાં મળતી થઈ જશે. અમુલના આણંદ ખાતેના પ્લાન્ટમાં ઊંટડીનું દૂધ ૧૦૦૦ ટન પ્રતિ માસ એકત્ર કરી તેમાંથી ચોકલેટ બનાવાશે. દેશમાં ૨ લાખ રીટેલ આઉટલેટો પર અમુલની ઊંટડીના દૂધમાંથી બનેલી ચોકલેટ વેચાશે.

અમુલના માર્કેટીંગ ડીપાર્ટમેન્ટના મેનેજીંગ ડાયરેકટર એમ.એસ.સોધીએ જણાવ્યું હતું કે, ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટીની મંજુરી લઈ લેવામાં આવી છે. ઊંટડીના દૂધમાંથી ઉત્પાદન બજારમાં લાવવાની યોજના છેલ્લા ઘણા સમયથી પ્રસ્તાપિત હતી. આમ છતા કોઈ અકળ કારણોસર બ્રાન્ડ બજારમાં આવતી ન હતી પરંતુ દેર સે આયે દૂરસ્ત આયેની હિંદી કહેવત મુજબ અંતે આગામી દિવાળીના તહેવારો પહેલા અમુલના ઊંટડીના દૂધમાંથી બનેલી ચોકલેટો તથા અન્ય સહયોગી ઉત્પાદનો બજારમાં મળતા થઈ જશે.

ઊંટડીના દૂધના ઘણા સ્વાસ્થ્યવર્ધક ફાયદા પણ છે. તેનાથી કહેવાય છે કે અલ્સરેટિવ કોલાઈટિસ એટલે કે આયુર્વેદીક ભાષામાં કહીએ તો સંગ્રહણીના પેટને લગતા દર્દમાં ઘણી જ રાહત થાય છે તે આંતરડામાં રહેલા ચાંદાને રુજાવાનું કામ કરે છે. પરંતુ અમુલ ઊંટડીના દૂધમાંથી ચોકલેટ બનાવીને તેને બજારમાં લાવી રહ્યું છે એટલે આમ કે આમ ઔર ગુટલીઓ કે દામ કહેવતની જેમ લોકોને સ્વાદની સાથોસાથ સ્વાસ્થ્ય પણ પ્રાપ્ત થશે. અમુલના રેગ્યુલર દુધમાંથી બનતી ઘણી ચોકલેટ તથા આઈસ્ક્રીમ તેમજ અન્ય ઉત્પાદનો બજારમાં મૌજુદ છે. હવે દીવાળી પહેલા હેલ્ધી રાખતા ઊંટડીનું દૂધ અને તેમાંથી બનતી ચોકલેટના અમુલના ઉત્પાદનોને આવકારવા તૈયાર થઈ જાવ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.