વર્તમાન સમયમાં રાજ્ય સરકાર અને રાષ્ટ્રમાં વિવિધ ક્ષેત્રે ઔદ્યોગિકરણનો વ્યાપ વધી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય કંપનીઓ પણ આપણા દેશમાં ઉદ્યોગો સ્થાપી રહી છે. અલગ અલગ તમામ ક્ષેત્રો રોજગારી ક્ષેત્રે ઉભરી રહ્યા છે. આવા સંજોગોમાં વ્યવસાયલક્ષી શિક્ષણ મેળવીને વ્યાવસાયિક કૌશલ્ય પ્રાપ્ત કરનાર ઉમેદવારો માટે રોજગારી અને સ્વરોજગારી મેળવવાની વધુ તકો ઉજ્જવળ થઈ રહી છે. રાજ્યમાં આઇ.ટી.આઈ. દ્વારા અપાતી તાલીમ દ્વારા કૌશલ્ય પ્રાપ્ત કરીને ઘણા બધા ઉમેદવારો દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ સારી રોજગારી મેળવી રહ્યા છે.
રાજયમાં પ્રથમ નંબરનું બિરૂદ મેળવનાર
મેન્યુફેકચરીંગ, ઓટોમોબાઈલ્સ, રેફ્રીજરેશન, પ્લમ્બિંગ, કાર્પેન્ટર, ઈલેકટ્રોનિક અને ઈલેકિટ્રશિયન ક્ષેત્ર બળ પૂરૂ પાડવા, આઈ.ટી.આઈ.નો મહત્વનો ફાળો
આથી સરળતાથી રોજગારી પ્રાપ્ત કરી આત્મનિર્ભર બનવા માટે વ્યવસાયલક્ષી શિક્ષણ અપાવવું જ એ શ્રેષ્ઠ વિકલ્પ છે. રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગના નેતૃત્વ હેઠળ રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળ ગુજરાતની નંબર વન આઇ.ટી.આઈનું બિરુદ મેળવનાર રાજકોટ આઇ.ટી.આઈમાં વ્યવસાયલક્ષી તાલીમ માટે વિસ્તૃત અને વ્યાપક તાલીમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી રહી છે.કારીગર તાલીમ યોજના હેઠળ નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ દ્વારા રાષ્ટ્રીય કક્ષાના અને ગુજરાત કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ દ્વારા રાજ્યકક્ષાના વ્યવસાયોનું સંચાલન આઇ.ટી.આઈ દ્વારા થાય છે.
રાજકોટ જીલ્લો ઈજનેરી ક્ષેત્ર માટે મહત્વનું કેન્દ્ર ગણાય છે. વધુમાં વધુ ક્ષેત્રે મેન્યુફેક્ચરિંગ, ઓટોમોબાઇલ્સ ઇન્ડસ્ટ્રીઝ, રેફ્રિજરેશન, પ્લમ્બિંગ, કાર્પેન્ટર, ઇલેક્ટ્રોનિક અને ઇલેક્ટ્રિશિયન સેક્ટરની ઈન્ડસ્ટ્રીઝમાં કુશળ માનવબળ પૂરું પાડવામાં આઈ.ટી.આઈ રાજકોટ મહત્વનો ભાગ ભજવે છે. જેના માટે વિવિધ ક્ષેત્રોના લાંબા અને ટૂંકા ગાળાના કોર્ષ ચલાવવામાં આવે છે. દરેક કોર્સ માટે અદ્યતન મશીનરી પર પ્રેકિટકલ તાલીમ આપવામાં આવે છે.આઈ.ટી.આઈ. રાજકોટમાં સોફટસ્કિલની તાલીમ પણ આપવામાં આવે છે. મહિલાઓ માટે મોટર ડ્રાઈવીંગ સ્કૂલ પણ ચાલુ કરવામાં આવી છે.
મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના અંતર્ગત તાલીમાર્થીને ઈન્ડસ્ટ્રીઝમાં ટ્રેનીંગ મળે છે. સાથોસાથ સ્ટાયફંડ પણ મળે છે. આ સ્કીમ અંતર્ગત તાલીમાર્થીને નામાંકિત કંપનીમાં ટ્રેનીંગની સાથે સાથે રોજગારીની ઉતમ તક પણઉપલબ્ધ કરાવવામાં આવે છે.