ચૂંટણી કાર્ડ, આધારકાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ, પેન્શન અને પાસપોર્ટ સહિતના ફોટા સાથેના અલગ અલગ બાર દસ્તાવેજો રજૂ કરવા પડશે
ફરજીયાત બાર દસ્તાવેજોનો નિયમ નાના અને મધ્યમ વર્ગીય દર્દીઓને રસી મેળવવા આડે મોટી બાધારૂપ બનશે
કોરોના વાયરસને ખત્મ કરી આ વૈશ્ર્વિક મહામારીમાંથી ઉગરવા દરેક દેશો અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. કોવિડ ૧૯ મહામારીને નાથવા તમામ દેશોની સરકારોએ વેકિસનેશન ઝુંબેશ શરૂ કરી છે. પરંતુ રસીની સચોટતા પર સો ટકા વિશ્ર્વાસનીયતાનો અભાવ, કિંમતો, ડિસ્ટ્રીબ્યુશન વગેરે જેવા પડકારોને લીધે રસીની ‘રસ્સાખેંચ’ જામી છે. લોકો સુધી રસી પહોચાડવાની ‘અસલ’ રસ્સા ખેંચ તો હવે જામશે જેમાં કોઈ નવાઈ નથી. અનેકો પડકાર વચ્ચે ભારત સરકારે પણ રસીકરણ ઝુંબેશ શરૂ કરી દીધી છે. જેને લઈ કેન્દ્ર સરકારે દિશા-નિર્દેશો જારી કર્યા છે. અને પ્રથમ તબકકામાં ૩૦ કરોડ લોકોને રસીના ડોઝ આપવા કવાયત હાથ ધરી છે. જો તમારે પણ રસી જોઈતી હોય, તો અલગ અલગ પ્રકારના કુલ બાર દસ્તાવેજો તૈયાર કરવા પડશે.
સરકારે જરૂરિયાતમંદ લોકો સુધી પ્રાથમિકતાના ધોરણે રસી આપવાની વાત તો છેડી છે પરંતુ નિયમ જડતા જ આ માટે મોટી બાધારૂપ બને તેમ લાગી રહ્યું છે. જેમાં બાર જાતના દસ્તાવેજો રજૂ કરવાનો સમાવેશ થાય છે. સામાન્યપણે મોટાભાગના નાગરિકો એવા હશે જ કે જેની પાસે બાર જાતના માન્ય દસ્તાવેજો ઉપલબ્ધ નહિ હોય તો આવા લોકોએ શું કરવાનું ?? રસીની જરૂરિયાત છે પણ તમામ દસ્તાવેજના અભાવે તેઓની વેકિસન જરૂરિયાત પુરી થઈ શકશે નહિ આ માટે સરકારે વૈકિલ્પક રસ્તો કાઢી લાવવો જ પડશે.
સરકારના દિશા-નિર્દેશો મુજબ, આ અલગ અલગ બાર જાતના દસ્તાવેજોમાં ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઈવીંગ લાઈસન્સ, પાસપોર્ટ અને પેન્શન દસ્તાવેજ સહિત ફોટા વાળા દસ્તાવેજો રજૂ કરવા જણાવાયું છે. જે નાના અને મધ્યમવર્ગીય લોકો માટે એકઠા કરવા અતિમુશ્કેલી સર્જનારૂ બનશે.
કોરોના રસીકરણ ઝુંબેશના મહત્વના મુદ્દાઓ
- પ્રથમ તબકકામાં ૩૦ કરોડ લોકોને રસી આપવાની યોજના
- હેલ્થ વર્કસને ૫૦ વર્ષથી વધુ આયુના લોકોને પ્રાથમિકતા
- રસીકરણના લિસ્ટ માટે મતદાર યાદીનો ઉપયોગ થશે
- પ્રતિદિન એક કેન્દ્ર પર ૧૦૦ થી ૨૦૦ દર્દીઓને રસી અપાશે
- રસી અપાયાબાદ દર્દીનું અડધો કલાક સુધી ખાસ ધ્યાન રખાશે
- દરેક કેન્દ્ર પર રસીકરણ માટેની ટીમમાં પાંચ સભ્યો હશે.
- કોવિડ વેકિસન ઈન્ટોલજન્સ નેટવર્ક (કોવિન) ડિજીટલ પ્લેટફોર્મ તૈયાર
- કોવિન પ્લેટફોર્મ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડશે.
- રજીસ્ટ્રેશન માટે બાર જાતના દસ્તાવેજો રજૂ કરવાના રહેશે.
- રસીકરણ માટેના કેન્દ્રો પર રસીના સંગ્રહ માટે ખાસ કોલ્ડ ચેઈનની વ્યવસ્થા ઉભી કરાઈ