અબતક-મુંબઇ
ભારત અને કિવી વચ્ચે મુંબઇ વાનખેડે ક્રિકેટ સ્ટેડિયમમાં ચાલતી બીજી ટેસ્ટ મેચના બીજા દિવસના પહેલા સેશનમાં જ એઝાજ પટેલે ભારતને બે ઝટકા આપ્યા હતા. પરંતુ સદીવીર મયંક અગ્રવાલ હજુ પીચ પર ટકી રહ્યો છે. તો બીજી તરફ ઓચિંતાનું રંગ બદલતી વનખેડેની પીચ પણ મેચને વધુ રસપ્રદ બનાવી શકે છે. મયંક અગ્રવાલની જાનદાર ઇનિંગ્સની મદદથી ભારત ૩૫૦નો સ્કોર કરી મેચમાં ડ્રાવિંગ સીટ પર પહોંચી શકશે કે કેમ તે જોવાનું રહ્યું છે.
ભારત ૩૫૦+ રન કરી ડ્રાવિંગ સીટ પર આવી જશે?
ન્યુઝીલેન્ડ સામેના બીજા ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ભારતીય મિડલ ઓર્ડરે નિરાશ કર્યા હતા. ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી અને શ્રેયસ અય્યર વહેલા પેવેલિયન પરત ફર્યા હતા, ત્યારબાદ મયંકે ઇનિંગ સંભાળી હતી. તો બીજી તરફ કિવી ફીરકી બોલર એજાઝ પટેલ ભારતના બેટ્સમેન માટે આફત બન્યો હતો. આ લખાઈ રહ્યું છે ત્યારે ભારતનો સ્કોર ૨૫૧ રન પર ૬ વિકેટ છે. જેમાં હાલ ભારતીય ઓપનર બેટ્સમેન મયંક અગ્રવાલ અને અક્ષર પટેલ ક્રિઝ પર બેટિંગ કરી રહ્યા છે. જ્યારે કિવી બોલર એજાઝ પટેલ સિવાય કોઈ પણ બોલરે હજુ વિકેટનું ખાતું ખોલાવ્યું ન હતું.
બીજા દિવસે પહેલા સેશનમાં જ એઝાજ પટેલનો તરખાટ: શાહા અને અશ્વિન બન્યા શિકાર
બીજા દિવસના પ્રથમ સેશનમાં જ ન્યુઝીલેન્ડ બોલર એજાઝ પટેલ ભારતીય બેટ્સમેન પર ત્રાટક્યો તો. જેમાં એજાઝ પટેલે એક જ ઓવરમાં વરિદ્ધિમાન શાહાને ૨૭ રને અને રવીચંદ્ર અશ્વિનને પ્રથમ બોલ પર જ ખાતું ખોલ્યા વગર પેવેલિયન પરત કર્યો હતો.
વિરાટ ફરી વિવાદિત અમ્પાયરિંગનો શિકાર બન્યો: થર્ડ અમ્પાયરના નિર્ણય સામે અનેક સવાલો ઉઠ્યા
ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં ભારતીય કપ્તાન વિરાટ કોહલી ફરી એકવાર વિવાદિત અમ્પાયરિંગનો શિકાર બનતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. જેમાં વિરાટ કોહલીના બેટની ઈન્સાઈડ એડ્જ લીધા પછી બોલ પેડ પર વાગ્યો હોવા છતાં તેને થર્ડ અમ્પાયર વિરેન્દ્ર શર્માએ આઉટ આપ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ભારતીય ટીમની પ્રથમ ઈનિંગની ૩૦મી ઓવર કરવા માટે કિવી ટીમનો ખેલાડી એજાઝ પટેલ બોલિંગ કરવા આવ્યો હતો. તેણે આ ઓવરના બીજા બોલ પર ચેતેશ્વર પૂજારાને ક્લીન બોલ્ડ કર્યો હતો અને ત્યાર પછી છેલ્લા બોલ પર વિરાટની વિકેટ લેતાં વિવાદ સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે ઓવરના છેલ્લા બોલ પર વિરાટ કોહલી ડિફેન્ડ કરવા ગયો હતો, ત્યારે તેની વિરુદ્ધ કિવી ટીમે એલબીડબ્લ્યુ અપીલ કરી હતી, જેને ફિલ્ડ અમ્પાયર અનિલ ચૌધરીએ આઉટ આપી દેતાં વિરાટે ડીઆરેસની સહાય લીધી હતી. જેમાં પણ બોલ પ્રથમ બેટને છ કર્યો હોવાનું સ્પષ્ટપણે દેખાવ છતાં થર્ડ અમ્પાયરે કોહલીને આઉટ આપતા વિવાદ સર્જાયો હતો. આ વિવાદિત નિર્ણય બાદ ભારતીય કપ્તાન કોહલી અને ફિલ્ડ અમ્પાયર વચ્ચે શાબ્દિક બોલાચાલી પણ થઈ હતી.