મંગેતરના પ્રેમ પ્રકરણની વાગ્દતાને જાણ થતા ઝેરી દવા પી લેતા પરિવારજનો હોસ્પિટલના બદલે માતાજીના ભૂવા પાસે લઇ ગયા
૨૧મી સદીના કમ્પ્યુટર અને વિજ્ઞાન યુગમાં પણ અંધશ્રધ્ધા કેડો ન મુકતી હોય તેમ વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયાની યુવતીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા પરિવારજનો સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાના બદલે માતાજીના ભૂવા પાસે લઇ જતાં મૃત્યુ નીપજતા મૃતક યુવતીની બારોબાર અંતિમ વિધી કરવામાં આવે તે પહેલાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ માટે રાજકોટ મેડિકલ કોલેજમાં મોકલી તપાસ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામે રહેતી કનુબેન ભારશીભાઇ જખાણીયા નામની ૧૮ વર્ષની યુવતીએ પોતાના ઘેર ઝેરી દવા પી લેતા મોત નીપજ્યાનું પોલીસમાં નોંધાયું છે.
મૃતક કનુબેન જખાણીયાની વાંકાનેર તાલુકાના અરણીટીંબાના સંજય રાયધન નામના યુવક સાથે છ માસ પહેલાં સગાઇ થતા વાગ્દત્તા કનુબેન અને ભાવી પતિ સંજય સાથે દાહોદ તરફ ભાગી ગયા હતા. દસેક દિવસ બાદ બંને પરત આવ્યા ત્યારે ભાવી પતિ સંજય રાયધનને અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાની જાણ થતાં કનુબેન જખાણીયાએ વિરોધ કરતા તેણીને માર મારી અગાભી પીપળીયા સંજય રાયધન મુકી ગયો હતો.
કનુબેન જખાણીયાએ પોતાના પરિવારને ભાવી પતિ સંજય રાયધનને અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાની અને માર માર્યાની વાત કર્યા બાદ ઝેરી દવા પી લેતા તેણીને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાના બદલે માતાજીના ભૂવા પાસે લઇ જવામાં આવતા ભૂવાએ થોડા સમયમાં ઝેર ઉતરી જશે તેમ જણાવતા ભૂવાની વાતમાં આવેલા પરિવારજનોએ અંધ શ્રધ્ધાના કારણે સારવાર ન કરાવતા કનુબેનની હાલત અતિશય ગંભીર બનતા સારવાર માટે વાંકાનેર હોસ્પિટલ લઇ જવામાં આવી હતી ત્યાં ફરજ પરના તબીબે તેણીનું મોત નીપજ્યાનું જાહેર કર્યુ હતું.
કનુબેનનું મૃત્યુ નીપજતા પોલીસને જાણ કર્યા વિના જ મૃતદેહ લઇ પરિવારજનો બારોબાર અંતિમ વિધી કરવા લઇ જતા હતા ત્યારે પોલીસને જાણ થતા પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડી છે.