બે મહિલા સહિત ત્રણ શખ્સો લાકડી વડે તૂટી પડ્યા: યુવતીની સગાઈ તોડવા માટે પણ મંગેતરને દીધી ધમકી
અબતક-રાજકોટ
વાંકાનેર તાલુકાના નવા કણકોટ ગામે રહેતા મહિલા પર તેમના જ ગામમાં રહેતી બે મહિલા સહિત ત્રણ શખ્સોએ તારી પુત્રીને ભગાડી જવાની ધમકી આપી લાકડી વડે હુમલો કર્યો હતો. જ્યારે યુવતીની સગાઈ તોડવા માટે પણ તેના મંગેતરને મેસેજ કરી ધમકી દીધાનું પણ સામે આવ્યું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ નવા કણકોટ ગામે રહેતા હંસાબેન કરશનભાઇ માલકીયા (ઉ.વ.45) નામની મહિલા પર તેમના ગામમાં રહેતા હેતલ મનજી બાવરીયાએ તારી પુત્રીને હજુ ભગાડી જાવી છે તેમ કહી માથાકૂટ કરી હેતલ, લાભુ મનજી અને રાજુ મનજીએ લાકડી વડે હુમલો કરતા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ ફરિયાદી હંસાબેન માલકીયાની પુત્રીને અગાઉ આરોપી હેતલનો પુત્ર નૈમિશ ભગાડી ગયો હતો. ત્યાર બાદ પુત્રી પાછી આવી ગયા બાદ તેણીની સગાઈ બીજા ગામ કરી હતી. ત્યારે ગઈ કાલે આરોપી હેતલે તારી પુત્રીને ફરી ભગાડી જવાની ધમકી આપી તેના પુત્ર નૈમિશે યુવતીના મંગેતરને મેસેજ કરી ધમકી આપ્યાનું સામે આવ્યું છે. ત્યારે ગઈ કાલે ફરી એકવાર મામલો બીચકતા આરોપીઓએ લાકડી વડે હુમલો કર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.