વિસામો કરતા વૃદ્ધ દંપતિને ચામાં કેફી પ્રવાહી પીવડાવી બેલડી રૂ.1 લાખના દાગીના સેરવી ગઇ
રાજકોટના વૃદ્ધ દંપતિ માટેલ માનતા પૂરી કરવા જતાં હતાં ત્યારે વાંકાનેર નજીક બે શખ્સોએ સેવાના બહાને બેભાન કરી લૂંટ ચલાવી હોવાનો બનાવ સામે આવ્યો છે. વિસામો કરવા બેઠેલા વૃદ્ધ દંપતિને ચા ના બહાને કેફી પ્રવાહી પીવડાવી બેલડી રૂ.1 લાખના દાગીના સેરવી ગયાનું જાણવા મળ્યું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં ગુલાબનગર માલધારી ફાટક પાસે રહેતા નવઘણભાઈ ગંગાદાસ સેટીયા (ઉ.વ.55) અને તેમના પત્ની કાળીબેન સેટીયા (ઉ.વ.52) માટેલ માનતા પૂરી કરવા માટે શનિવારના રોજ ચાલીને નીકળ્યા હતા. તે દરમિયાન ગઇ કાલે વહેલી સવારે વૃદ્ધ દંપતિ કણકોટ પાટિયા પાસે બેભાન હાલતમાં મળી આવ્યા હતા.
આ અંગે દંપતીને પૂછતાછ કરતાં તેઓએ જણાવ્યું હતું કે પોતે માટેલ મંદિરે માનતા પૂરી કરવા જતાં હતાં. ત્યારે વાંકાનેર પાસે આવેલા જ્યોતિ સિરામિક નજીક નર્સરી પાસે વિસામો લેવા બેઠા હતા. તે દરમિયાન બાઈક આવેલા બે શખ્સોએ સેવાના બહાને ચા પિવડાવી તેમાં કેફી પ્રવાહી નાખી તેઓને બેભાન કરી નાખ્યાં હતાં. ત્યાર બાદ બેલડીએ વૃદ્ધ દંપતિએ પહેરેલા અંદાજિત રૂ.1 લાખથી વધુના દાગીના લૂંટી નાસી ગયા હતા.
ત્યાર બાદ ત્યાંથી પસાર થતા રાહદારીએ નવઘણભાઈના ખિસ્સામાં રણકતા મોબાઈલના આધારે તેમણે ઉઠાડ્યા હતા. ત્યાર બાદ વૃદ્ધે પોતાની આપવીતી વર્ણવતા બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની તપાસ હાથઘરી છે.