કૂવો ગાળતી વેળાએ ભેખડ ધસી પડતાં એકસાથે ત્રણ શ્રમિકોના જીવનદીપ બુઝાયા: એક ઘાયલ
વાંકાનેર તાલુકાના કોટડાનાયાણી ગામે ગઇ કાલે સાંજે એક ગોઝારી ઘટના ઘટી હતી. જેમાં કૂવા ગાળતી વેળાએ ભેખડ ધસી પડતાં ચાર શ્રમિકો દટાયા હતા. જેમાં ત્રણ શ્રમિકોના મોત નિપજતા અરેરાટી મચી જવા પામી છે. જ્યારે ઘાયલ શ્રમિકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વાંકાનેર તાલુકાના કોટડાનાયાણી ગામે ગઇ કાલે સાંજે કૂવો ગાળવાનું કામ ચાલુ હતું. તે દરમિયાન એકાએક કુવામાં ભેખડ ધસી પડતાં કોટડાનાયાણી ગામના મનસુખભાઈ પોપટભાઈ સોલંકી (ઉ.વ.44), નાગજીભાઈ સોમાભાઈ સિતાપરા (ઉ.વ.45) અને વિનુંભાઈ બચુભાઈ ગોરિયા (ઉ.વ.42) સહિત ચાર શ્રમિકો ભેખડ નીચે દટાઈ ગયા હતા.
જેથી ઘટનાના પગલે ફાયર બ્રિગેડ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. ફાયર વિભાગના જવાનોએ ચારેય શ્રમિકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાયા હતા. જ્યાં મનસુખભાઈ સોલંકી અને નાગજીભાઈ સીતાપરા બંનેને મૃત જાહેર કર્યા હતા. જ્યારે વિનુભાઈ ગોરીયાને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવારમાં જ વિનુભાઈ ગોરીયાએ દમ તોડતા ત્રણ શ્રમિકોના મોતના કારણે નાના એવા ગામમાં કલ્પાંત છવાયો છે. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.
આ ઘટનાના પગલે કૂવો ગાળતી વેળાએ ભેખડ ધસી પડતાં ત્રણ ત્રણ શ્રમિકોના દટાઈ જતા મોત નિપજયા હતા. તો બીજી તરફ જે વાડીમાં કૂવો ગાળવાની કામગીરી ચાલી રહી હતી તે વાડીના માલિક ફિરોઝભાઈ હુસેનભાઇ કાતીયરને ઇજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.