- અપહરણકર્તાઓએ યુવકના પરિવારજનોને ફોન કરી ખંડણી માંગી હતી આઠ શખ્સો સામે નોંધાતો ગુનો
વાંકાનેર તાલુકાના સરતાનપર નજીક આવેલ ટાઇલ્સ ફેક્ટરીમાં કામ કરતા યુવકના સાળાએ આરોપીની દીકરીનું અપહરણ કર્યું છે. તેવી આશંકાએ યુવક તથા તેની સાથે ટાઇલ્સ ફેક્ટરીમાં કામ કરી રહેલા અન્ય યુવક સહીત બે પરપ્રાંતીય યુવકોનું ઇકો ગાડીમાં આઠ શખ્સો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારે બંને યુવકોને અપહરણકર્તા મધ્યપ્રદેશ રાજ્યમાં સ્થિત ગામ લઇ જઈ બંધક બનાવી લાકડી, સળીયા તથા ઢીકાપાટુનો બેફામ માર મારી ભોગ બનનારના પરિવાર પાસે ફોનમાં રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. ત્યારે બંધક યુવકે સમયસૂચકતાથી પોતાના મોબાઇલમાંથી મધ્યપ્રદેશ પોલીસને ફોન કરતા પોલીસ દ્વારા બંને યુવકોને અપહરણકારોની ચુંગાલમાંથી છોડાવી લીધા હતા. ત્યારે સમગ્ર બનાવ મામલે પ્રથમ મધ્યપ્રદેશ રાજ્ય પોલીસમાં ત્યાર બાદ બનાવ અંગે ગુજરાત રાજ્યના વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ત્યારે યુવકની ફરિયાદના આધારે કુલ આઠ આરોપીઓ સામે મારપીટ, અપહરણ, ખંડણીના ગુનાની કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
સમગ્ર બનાવની માલ માહિતી અનુસાર મૂળ મધ્યપ્રદેશના બડવાની જીલ્લાના નવલપુરા ગામનો વતની હાલ વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમાં આવેલ લેંડગ્રીસ ટાઇલ્સ ફેક્ટરીમાં કામ કરતા વિકાસ ગુડ્ડા બારેલા ઉવ.22 એ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આરોપી (1)રણજીત દોલા વસુનીયા (ર)સંગ્રામ છગન કટારા રે.આનંદખેડી (3)લવકુશ રામા મેડા રે.હનુમન્તિયાકાગા (4) રામકિશન નામાલુમ તથા અન્ય ચાર અજાણ્યા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગત તા.25/03 ના રાત્રીના 1.00 વાગ્યાના અરસામાં વાંકાને તાલુકાના સરતાનપર ગામ નજીક આવેલ લેંડગ્રીસ સીરામીકના ગેટ પાસે આવી આરોપી રણજીતે ફરિયાદી વિકાસને મોબાઇલમાં ફોન કરી કહ્યું હતું કે તેની દિકરી આશાનું અપહરણ તારા સાળાએ કર્યું હતું અને તે બંને મળી ગયેલ છે તેમ કહી ફરીયાદી વિકાસને ફોન ફેક્ટરીના ગેઇટ પર બોલાવી વિકાસ તથા તેની સાથે કામ કરતા સોનુ નામના યુવક એમ બંનેને બળજબરીથી એક ઇકો ગાડીમાં બેસાડી આરોપી રણજીત, સંગ્રામ અને લવકુશએ ત્યાંથી અપહરણ કરી લઇ જઇ આગળ જતા આરોપી રામકિશન તથા અન્ય ચાર અજાણ્યા ઈસમો ઇકો ગાડીમાં બેસી એકબીજાને મદદગારી કરી ફરિયાદી વિકાસ તથા સોનુને આરોપી રણજીતના ગામ ધાર જીલ્લાના દોલતપર(એમપી) લઇ જઇ ત્યાં બંને યુવકોને દોરડાથી બાંધી બંધક બનાવી ગેરકાયદેસર અટકાયત કરી રાખી લાકડી, સળીયા તથા ઢીકાપાટુનો બેફામ માર મારી ઇજાઓ કરી હતી. ત્યારે અપહરણકર્તાએ વિકાસના ફોનમાંથી ફોન કરી પરીવાર પાસે પૈસાની માંગણી કરી પૈસા નહી આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, તે દરમિયાન ફરિયાદી વિકાસે અપહરકારોનું ધ્યાન ચૂકવી મધ્યપ્રદેશ પોલીસને ફોન કરી જાણ કરતા મધ્યપ્રદેશ પોલીસ ઘટના સ્થળે પહોંચી બંને યુવકોને મુક્ત કરાવ્યા હતા. ત્યારે બનાવ અંગે મધ્યપ્રદેશ પોલીસે ઝીરો નંબરથી ફરિયાદ નોંધી વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં કેસ ટ્રાન્સફર કર્યો હતો ત્યારે વાંકાનેર તાલુકા પોલીસે કુલ આઠ આરોપીઓ સામે આઇપીસી કલમ 365, 343, 327, 323, 506, 34 મુજબ ગુન્હો નોંધી તમામ આરોપીઓની અટક કરવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.