વાંકાનેર રેલવે કોલોનીમાં રહેતા રેલવે સ્ટેશન માસ્તરની પત્નીએ કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરિણીતાને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવી હતી. તો અન્ય બનાવમાં ચોટીલા તાલુકાના પિયાવા ગામે રહેતી મહિલાએ માનસિક બિમારીથી કંટાળી એસિડ પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વાંકાનેર રેલવે કોલોનીમાં રહેતા અને સ્ટેશન માસ્તર તરીકે ફરજ બજાવતા દીપકભાઈ પાંડેની પત્ની ગુડિયાબેન દીપકભાઈ પાંડે (ઉ.વ.25)એ કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરિણીતાને ઝેરી અસર થતા બેશુદ્ધ હાલતમાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાની નોંધ કરી પરિણીતાનું નિવેદન નોંધવા માટે તજવીજ હાથધરી છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં ચોટીલા તાલુકાના પિયાવા ગામે રહેતા મીનાબેન રાજેશભાઈ સોઢાતર નામની 40 વર્ષની પરિણીતાએ માનસિક બીમારીથી કંટાળી એસિડ પી લીધું હતું. પરિણીતાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં મીનાબેન સોઢાતર પોરબંદર માવતર ધરાવે છે અને 21 વર્ષ પૂર્વે તેણીના પિયાવા ગામે રહેતા રાજેશ સોઢાતર સાથે લગ્ન થયા હતા અને તેણીને સંતાનમાં બે પુત્ર છે 17 વર્ષ પૂર્વે ડીલેવરી બાદ માનસિક સંતુલન ગુમાવી દેતા તેણી મગજની બીમારીમાં સપડાઈ હતી. તેણીએ મગજની બીમારીથી કંટાળી એસિડ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથધરી છે.