ધો.૧૨ પાસ આરોપીને વિદેશ ભણવા જવાનું હોવાથી ચોરીના રવાડે ચડ્યો હોવાની કબૂલાત
વાંકાનેર પોલીસે ચોટીલાથી વાંકાનેર તરફ આવતા ત્રણ શખ્સોને બે ચોરાઉ બાઈક સાથે ઝડપી પાડ્યા હતા. ત્રણેય શખ્સોએ કુલ ૯ બાઈક અને ૨ કોમ્પ્યુટરની ચોરી કરી હોવાની કબૂલાત આપી છે. હાલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેર પોલીસે બાતમીના આધારે ચોટીલાથી વાંકાનેર તરફ બે ચોરાઉ બાઈક લઈને આવતા જીગ્નેશ ઉર્ફે જુગો વિહાભાઈ બાવળિયા ઉ.વ.૧૯ થ૩ શેખરડી તા.વાંકાનેર, જયસુખ સામત ગોહિલ ઉ.વ.૨૧ રહેવા જાલસીકા, ગોપાલ લાલજી ધોરીયા ઉ.વ.૨૧ રહે . શેખરડી તા.વાંકાનેર વાળાઓને પકડી પાડ્યા હતા.
પોલીસે ત્રણેય આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા તેઓએ બન્ને ચોરાઉ બાઇકની વાંકાનેરના મોમાઈ શો રૂમમાંથી ઉઠાંતરી કરી હોવાની કબૂલાત આપી હતી. આ સાથે તેઓએ અત્યાર સુધીમાં કુલ ૯ બાઈક અને ૨ કમ્પ્યુટરની ચોરી કરી છે. ઉપરાંત જીગ્નેશ નામનો આરોપી ધો.૧૨ પાસ છે. તેને વિદેશ ભણવા જવું હોવાથી પૈસા ભેગા કરવા માટે ચોરીના રવાડે ચડ્યો હોવાનું બહાર આવ્યું છે. વાંકાનેર પોલીસે આરોપીઓની અટક કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.