સમગ્ર બનાવની પ્રદેશમાં જાણ કરાઈ પ્રદેશની સુચના મુજબ પગલા લેવાશે
વાંકાનેર નગરપાલિકામાં ભાજપની જીત થઈ હોવા છતાં પણ વિવાદ સર્જાયો છે. ડમી તરીકે અયોગ્ય ઉમેદવારનું ફોર્મ ભરાયા બાદ તેનું ફોર્મ માન્ય રહી ગયું હોવાના બનાવને પગલે જિલ્લા ભાજપ પ્રમુખે વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ પાસેથી ખુલાસો માંગ્યો હતો. જેના પગલે જીતુ સોમાણીએ જિલ્લા ભાજપ પ્રમુખને તાકીને પત્ર લખી અને સાંસદ સામે આક્ષેપો કરતા વિવાદ સર્જાયો હતો. આ વિવાદ બાદ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાએ પ્રતિક્રિયા આપી જણાવ્યું હતું કે, સંગઠનમાં એકતા જરૂરી છે. ગેરશિસ્ત જરા પણ જલાવી લેવામાં આવશે નહીં. આ બનાવની પ્રદેશમાં જાણ કરાઈ છે અને હવે પ્રદેશ સુચના મુજબ જ પગલા લેવામાં આવશે.
વાંકાનેર ભાજપ અગ્રણી જીતુભાઈ સોમાણીએ જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાને પત્ર લખી જણાવ્યું છે કે વાંકાનેર શહેર ભાજપ પ્રમુખને આપના દ્વારા નોટીસ આપવામાં આવી છે ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા 60+ અને સતત ત્રણ ટર્મ ચુંટણી જીતેલા વ્યક્તિને 2021ની સામાન્ય ચૂંટણીમાં ઉમેદવાર ના બનાવવા જેનું પાલન વાંકાનેર શહેર સંગઠને કર્યું છે પરંતુ ભાજપ પ્રદેશ દ્વારા ડમી ઉમેદવાર તરીકે કોને ભરવું અને કોને ના ભરવું તેની ગાઈડ લાઈન કે પરિપત્ર આપેલ નથી તેમજ રાતીદેવળી જીલ્લા પંચાયત ઉમેદવાર શેરશીયા ઝાહિરભાઈના ડમી ઉમેદવાર તરીકે તેના પિતા યુસુફ શેરશીયા 60+ ની ઉમર ધરાવે છે તેમજ માળિયા પાલિકામાં ચાર ઉમેદવારો જે 60+ થી વધુ વયના હતા જેને ટીકીટ આપવામાં આવી હતી
વધુમાં જણાવ્યું છે કે 2020ની પેટા ચુંટણીમાં કાંતિલાલ અમૃતિયાએ ભાજપ વિરુદ્ધ કામ કરેલ છે જેને કોઈ નોટીસ આપવામાં આવી નથી તેનું કારણ શું ? તેઓ લોહાણા સમાજમાંથી આવતા હોય જેની વસ્તી ઓછી છે જેથી મોહનભાઈ કુંડારિયા રાગદ્રેષ અને કિન્નાખોરી રાખી રાજકીય કારકિર્દી ખત્મ કરવાના પ્રયાસો કરે છે અને સમાજને ખત્મ કરવાના પ્રયત્નો કરતા હોય તેવું તમારી કામગીરીથી સ્પષ્ટ થાય છે. જીલ્લામાં મોહનભાઈ પોતાનો રાજકીય પ્રભાવ વધારવા યેનકેન પ્રકારે ભાજપના કાર્યકરોને દબાવી ધમકાવી દબાણમાં રાખી કાર્ય કરી રહ્યા છે ભૂતપૂર્વ જીલ્લા ભાજપ મહામંત્રી હિરેન પારેખને જડેશ્વર પણ નહિ પહોંચ તારા ટાંટિયા ભાંગી નાખીશ તેવી ધમકી આપી હતી વાંકાનેર શહેર પ્રમુખ દિનુભાઈ વ્યાસને પણ મારા કહ્યામાં રહો નહીતર તેવું કહેલ આમ મોહનભાઈનો સ્વભાવ ડંખીલો છે તે મને પણ ક્યારે મારી નાખશે કે અકસ્માતમાં ખપાવી દેશે તેવો ભય છે તેમ પણ અંતમાં જણાવ્યું હતું.આ પત્ર બાદ મોટો વિવાદ સર્જાયો છે. જેને લઈને ‘અબતક’ દ્વારા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, જીતુભાઈ સોમાણીના આક્ષેપો પાયાવિહોણા છે. તેઓ દ્વારા વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો હતો. જીતુભાઈ સોમાણી પાસેથી તેઓએ ખુલાસો માગ્યો નથી. મોરબી જિલ્લામાં ભાજપનું સંગઠન સબળ છે અને કાયમ માટે સબળ જ રહેશે. કાર્યકરોનો ઉત્સાહ વધારવો તે સંગઠનના પ્રમુખ તરીકે જવાબદારી બને છે. સામે જો કાર્યકર કોઈ ભુલ કરે તો તેની સામે કાર્યવાહી કરવી પણ ફરજમાં આવે છે. સંગઠનમાં એકતા ખુબ જરૂરી છે. આ એકતાને નુકશાન પહોંચાડવાનો પ્રયાસ જરા પણ ચલાવી લેવામાં આવશે નહીં. કોઈપણ કાર્યકર ગેરશિસ્ત કરશે તો તેની સામે પગલા લેવામાં આવશે. આ બનાવ અંગે પ્રદેશ ભાજપમાં જાણ કરી દેવામાં આવી છે. હવે પ્રદેશ ભાજપની સુચના મુજબ આગળના પગલા લેવામાં આવનાર છે.
ઉલ્લેખનીય છે કે, વાંકાનેરના જીતુ સોમાણીએ કરેલા આક્ષેપ બાદ મોરબી જિલ્લાનું રાજકારણ ગરમાયું છે હાલ તો એવી છબી ઉપસી છે કે મોરબી જિલ્લાના સંગઠનથી વાંકાનેર પંથક જાણે અલગ જ સંગઠન હોય.