ગળા પર તિક્ષ્ણ હથિયાથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા બાદ રસોડાના પ્લેટ ફોર્મ સાથે માથા ભટકાડયા

વાંકાનેર નેશનલ હાઇ-વે પર ટોલનાકા પાસે આવેલા સુર્યા ઓઇલ મીલમાં કામ કરતી મહિલા કર્મચારની હત્યા થયાની સિટી પોલીસને જાણ થતા પોલીસે એક શખ્સની અટકાયત કરી હત્યા શા માટે કરી તે અંગે પૂછપરછ હાથધરી છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ વાંકાનેર વીશીપરામાં રહેતી અને સુર્યા ઓઇલ મીલમાં બીલીંગનું કામ કરતી કવિતાબેન કેતનભાઇ ચૌહાણ નામની ૧૯ વર્ષની યુવતીની લોહીલુહાણ હાલતમાં કારખાનાના રસોડામાંથી લાશ મળી આવતા સનસનાટી મચી ગઇ છે.

કવિતાબેન ચૌહાણના ગળાના ભાગે તિક્ષ્ણ ઇજાના નિશાન જણાતા અને તેણીનું માથુ રસોડાના પ્લેટ ફોર્મ સાથે ભટકાડવામાં આવ્યું હોવાથી રસોડાનું પ્લેટ ફોર્મ પણ લોહીથી ખરડાયેલું જણાતા કારખાનાના અન્ય કર્મચારીઓએ વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પી.આઇ. એમ.વી.ઝાલા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.

મૃતકના પરિવાર દ્વારા કવિતાબેન ચૌહાણની હત્યા કરાયાના આક્ષેપ કરતા પોલીસે મૃતદેહને ફોરેન્સિક નિષ્ણાંત પાસે રાજકોટની મેડિકલ કોલેજમાં પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.કારખાનામાં જે સ્થળે હત્યા થઇ ત્યાં ત્રણ વ્યક્તિઓ રહેતી હોવાથી પોલીસે મુળ જુનાગઢના વતની અને સુર્યા ઓઇલ મીલમાં કામ કરતા ધીરજ જીવા આહિર નામના શખ્સની અટકાયત કરી પૂછપરછ હાથધરવામાં આવી છે.ધીરજ આહિરની પૂછપરછ બાદ કવિતા ચૌહાણની હત્યા શા માટે કરી અન તેની સાથે અન્ય કોણ સંડોવાયું છે તે અંગેની વિગતો બહાર આવે તેમ હોવાનું પોલીસસુત્રો જણાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.