પરાઈ સ્ત્રી સાથે પતિ ફોનમાં વાત કરતો હોવાથી માથાકૂટ થઈ હતી: સ્વ બચાવમાં પત્નીએ પતાવી દીધો
વાંકાનેર તાલુકાના ઢુવા ગામે પાચ દિવસ પહેલા જ પેટિયું રડવા આવેલા શ્રમિક દંપતી વચ્ચે માથાકૂટ થઈ હતી જેમાં પત્નીએ પતિને કુહાડો મારી દેતા તેનું સારવારમાં મોત નિપજ્યું હતું. પોલીસે હત્યાનો ગુનો નોંધી પત્નીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથધરી છે. પતિ પરાઈ સ્ત્રી સાથે ફોનમાં વાત કરતો હોવાથી દંપતી વચ્ચે માથાકૂટ થઈ હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મૂળ મધ્યપ્રદેશનો વતની અને હાલ વાંકાનેર તાલુકાના ઢુંવામાં આવેલા શિવ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા અર્જુનસિંગ સુમસિંગ ડામોર નામના 18 વર્ષના યુવાન ઉપર તેની પત્ની કાળીબેને કુહાડા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા અર્જુનસિંગ ડામોરને ગંભીર હાલતમાં તાત્કાલિક સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની તબિયત નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ અર્જુનસિંગ ડામોરે હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો હતો. અર્જુનસિંગ ડામોરના મોતથી પરિવારમાં આક્રંદ છવાયો છે. આ બનાવ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે વાંકાનેર પોલીસને જાણ કરતા વાંકાનેર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. વાંકાનેર પોલીસે જરૂરી કાર્યવાહી કરી અર્જુનસિંગ ડામોરના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં અર્જુનસિંગ ડામોર મૂળ મધ્યપ્રદેશનો વતની હતો. અર્જુનસિંગ ડામોર બે ભાઈ એક બહેનમાં નાનો હતો અને ચાર માસ પહેલા જ કાળીબેન સાથે તેના બીજા લગ્ન થયા હતા. બંને સુતા હતા ત્યારે ત્યારે પત્ની કાળીબેને અન્ય યુવતી સાથે ફોનમાં વાત કેમ કરે છે. તેવી શંકા કરતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. જે માથાકૂટમાં પતિ મારવા જતા ઉશ્કેરાયેલી કાળીબેને અર્જુનસિંગને કુહાડાનો એક ઘા ઝીંકી માથું ફાડી નાખ્યું હતું. વાંકાનેર પોલીસે ઝનૂની મગજની હત્યારી પત્ની કાળીબેનની ધરપકડ કરી હતી. આ અંગે વાંકાનેર તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધી કાનૂની તપાસનો દોર લંબાવ્યો છે.
શાપર: પત્નીને મોતને ઘાટ ઉતારી પતિ ફરાર
શાપર વેરાવળની બાજુમાં આવેલા પડવલા જીઆઇડીસી પાસે ગૌરવ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં કેસર પોલીમર્સ કારખાનામાં કામ કરતી પરપ્રાંતીય મહિલાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા એસપી, ડીવાયએસપી અને પીએસઆઈ સહિત તાલુકા મામલતદાર અને એલસીબીનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને
તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ પરપ્રાંતીય દંપતી હજુ 25 દિવસ પહેલા જ પેટિયું રળવા શાપર આવ્યા હતા. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસ કરતા તેનો પતિ ઘરમાંથી ભાગતો હોવાનું નજરે ચડતા પોલીસે તેની શોધખોળ હાથધરી છે.