ગધેથડથી બાઇક લઈને આવી રહેલા પોલીસ કોન્સ્ટેબલને બાઇક અને સ્કોર્પિયો વચ્ચે જોરદાર ટક્કર
ગધેથડ મુકામે મુખ્યમંત્રીના બંદોબસ્તમાંથી પરત ફરી રહેલા વાંકાનેર સીટી પોલીસ મથકના પોલીસ જવાનને કાલાવડ તાલુકાના ડેરીવડાળા ગામ નજીક અકસ્માત નડતા આ ગંભીર અકસ્માતમાં પોલીસ જવાનનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજતા મોરબી પોલીસબેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ થોરાળા ગામના વતની અને છેલ્લા દોઢ વર્ષથી મોરબી જિલ્લા પોલીસ દળમાં ફરજ બજાવતા અને છ માસથી વાંકાનેર સીટી પોલીસ મથકમાં પોલીસ કોન્સટેબલ તરીકે ફરજ બજાવતા દેવેન્દ્રસિંહ જાડેજા જામનગરના ગધેથડ ગામે મુખ્યમંત્રીનો કાર્યક્રમમાં બંદોબસ્તમાં ફરજ પર ગયા હતા, આ કાર્યક્રમ પૂર્ણ કરીને પરત ફરતા તે સમયે કાલાવાડ તાલુકાના ડેરીવડાળા ગામ પાસે તેમને અકસ્માત નડ્યો હતો જેમાં દેવેન્દ્રસીહનું બાઈક સ્કોર્પિયો કાર નંબર જી.જે ૩ સી.ઈ ૧૧ સાથે અથડતા તેમનું ધટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું.
આ અકસ્માત એટલો ભયાનક હતો કે સ્કોર્પિયો કારનો આગળનો ભાગ વળી ગયો હતો અને બાઈકનો બુકડો બોલી ગયો હતો.
અકસ્માત અંગે જાણ થતા જ કાલાવાડ પોલીસ મથકમાં ફરજ બજાવતા જયરાજસિંહ રાઠોડ સહિતનો કાફલો ધટના સ્થળે પહોચ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી