ઢોર માલિકને ચરાવવાની ના પાડતા અજાણ્યો શખ્સ ધારિયા વડે તૂટી પડ્યો: બે ઘાયલ
વાંકાનેર તાલુકાના દલડી ગામે ઢોર ચરાવવા બાબતે એક શખ્સે માતા – પુત્ર પર ધારિયાથી હુમલો કર્યો હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. મહિલાએ પોતાના વાડામાં ઢોર ચરાવવાની ના પાડતા અજાણ્યો શખ્સ ધારિયા વડે તૂટી પડ્યો હતો. જેમાં માતાને બચાવવા વચ્ચે પડેલા પુત્રને પણ ધારિયાનો ઘા ઝીંકતા બંનેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વાંકાનેરના દલડી ગામે રહેતા જ્યોત્સનાબેન મનસુખભાઈ મકવાણા (ઉ.વ.45) તેના પુત્ર પંકજ મકવાણા (ઉ.વ.26) પર તેના જ ગામના એક અજાણ્યા શખ્સે ધારિયા વડે હુમલો કરતા બંનેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ ગઇ કાલે સાંજના સમયે કોઈ અજાણ્યો શખ્સ પોતાના ઢોર લઈ જ્યોત્સનાબેનના વાડામાં ઘુસી ગયો હતો. જ્યાં મહિલાએ ઢોરને ચરાવવાની ના પાડતા ઉશ્કેરાયેલા ઢોર માલિકે જ્યોત્સનાબેનને ધારિયું મારી દીધું હતું. જે અંગે જાણ થતાં મહિલાનો પુત્ર પંકજ વચ્ચે પડતા તેના પર પણ ધારિયાથી હુમલો કર્યો હતો. જેમાં ઘવાયેલા માતા અને પુત્રને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.