ઓઢી નવરંગ ચુંદડી… પાયે ઝાંઝરનો ઝણકાર… માયરામાં આવે મલકતા.
‘દીકરાનું ઘર’ બન્યુ વહાલુડીનું માવતર
‘દીકરાનું ઘર’વૃધ્ધાશ્રમ દ્વારા શનિ–રવિના રોજ રાજકોટના આંગણે ૨૨ દિકરીઓનો
અવિસ્મરણીય લગ્નોત્સવ : ૨૯મીએ અશ્વિન જોષીનો કાળજુ ધોવાનો અવસર’ લાગણી સભર કાર્યક્રમ: પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓને શહેરીજનો આપશે આર્શિવાદ
ભાગ્યશાળી વહાલુડીઓ
‘વ્હાલુડીના વિવાદ’નો પ્રસંગ ‘દિકરાના ઘર’ આંગણે આવ્યો છે ‘દીકરાનું ઘર’ વૃધ્ધાશ્રમની ટીમ છેલ્લા ત્રણ મહિનાથી શુભ અવસરને અવિસ્મરણીય બનાવવા ઉમંગભેર જોડાઈ છે.
‘દીકરાનું ઘર’ વૃધ્ધાશ્રમ દ્વારા માતા અને પિતા હયાત ન હોય અથવા પિતા ન હોય તેવી જરૂરીયાતમંદ પરિવારની ૨૨ દીકરીઓનો જાજરમાન લગ્નોત્સવ આગામી તા.૨૯ અને ૩૦ ડિસેમ્બરના રોજ વહાલુડીના વિવાહ અંતર્ગત રાજકોટનાં આંગણે યોજાશે. આમ તો સમુહ લગ્નોત્સવની લોકોની કલ્પનાઓ અને વિચારથી કાંઈક નવું અને વિશેષ એવા આ લગ્નોત્સવમાં તા.૩૦ ડિસેમ્બરને રવિવારના રોજ જામનગર રોડ ખાતે આવેલ ગ્રીન લીફ પાર્ટી પ્લોટમાં ભવ્ય લગ્નોત્સવ યોજાશે જેમાં ૨૨ દીકરીઓ નેહમાંવિદાયની વેદનાના આંસુના બદલે હરખની હેલી સાથે સાજન-મહાજન,સંતો-મહંતો અને નગર શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં આશીર્વાદ સાથે સ્નેહનું પાનેતર ઓઢી પ્રભુતામાં પગલા માંડશે.
વહાલુડીના વિવાહ સંદર્ભે વિશેષ માહિતી આપતા સંસ્થાના પ્રતાપભાઈ પટેલ, ભાવેશભાઈ પટેલ, હરેશભાઈ પરસાણા, ઉપેન મોદી તેમજ હેમલભાઈ મોદીએ વધુમાં જણાવ્યું હતુ કે તા.૨૮ના રોજ રાજકોટના રાધે કેટરર્સના સંચાલક ચેતનભાઈ પારેખ દ્વારા તેમજ શહેરના જાણીતા બિલ્ડર સાહિત્યકાર સ્વ. રસીકભાઈ મહેતા પરિવારના હરેનભાઈ મહેતા પરિવાર તરફથી દરેક દીકરીનું ફૂલેકુ લેવામાં આવ્યું છે. તેમજ રાસ ગરબા તેમજ ભોજનની વ્યવસ્થા કરવામા આવી છે તા.૨૯ના રોજ સવારે ૭.૩૦ કલાકે સમુહ મંડપ મુહુર્ત યોજાશે અને ૨૨ દીકરીઓનો ભવ્ય મહેંદી રસમનો પ્રસંગ ઉજવાશે. જેમાં એક શ્રીમંત પરિવારમાં યોજાતા લગ્ન જેવો જાકમજાળ અને રોનક જોવા અને માણવા મળતી હોય તેવી તમામ પ્રકારની સુવિધા સાથે ‘દીકરાનું ઘર’ ટીમ દ્વારા આ લગ્નોત્સવનું અદકે‚ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તેના માટે છેલ્લા ૪ માસથી ૧૫૦થી વધુ કાર્યકર્તાઓની ટીમ રાત દિવસ મહેનત કરી રહી છે.
વહાલુડીનો કરિયાવર
અત્રે એ ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરના જાણીતા ચાર્ટડ એકાઉન્ટન્ટ હેમલભાઈ મોદી તેમજ જયશ્રીબેન મોદી બંને ભાઈ બહેન દ્વારા તેમની વ્હાલસોયી બહેન કલ્પનાબેન મોદીની પ્રથમ પૂણ્યતિથિએ સમાજને અનુકરણ ઉદાહરણ પૂ‚ પાડી સમાજને એક નવો રાહ ચિંધતો લગ્ન પત્રિકા લખવાનો જાજરમાન કાર્યક્રમ ભવ્ય રીતે તેમના આંગણે યોજેલ જેમાં મોદી પરિવાર દ્વારા પ્રત્યેક દીકરીને સોનાનો ચૂડલો તેમજ શ્રૃંગારની કીટ આપવામાં આવેલ.
તા.૨૯ ડિસેમ્બર શનિવારના રોજ રાત્રીનાં આઠ વાગ્યાથી કાલાવડ રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિર બી.એ.પી.એસ.ના હોલમાં દીકરી વિશે અને કન્યા વિદાય વિશે સંગીતમય શૈલીમાં સાહિત્ય પીરસતા ગુજરાતનાં મોટા ગજાના સુપ્રસિધ્ધ ગાયક અને સાહિત્યકાર અશ્વિનભાઈ જોશીનો દીકરીની લાગણીઓને વાચા આપતો વિશેષ કાર્યક્રમ ‘કાળજુ ધોવાનો અવસર’નું આયોજન કરવામાં આવ્યું છે.
વહાલુડીના વિવાહના મુખ્ય લગ્નોત્સવની માહિતી આપતા સંસ્થાના કિરીટભાઈ આદ્રોજા, કિરીટભાઈ પટેલ અને સુનીલભાઈ મહેતાએ જણાવ્યું છે કે તા.૩૦ ડિસેમ્બર રવિવાર સાંજે ૪ વાગ્યે ગ્રીન લીફ પાર્ટી પ્લોટમાં જાનનું આગમન થશે. કાલાવડરોડ ઉપર આવેલ સૌરાષ્ટ્ર હાઈસ્કુલ ખાતેથી એકી સાથે ૪૦થી વધુ બસ તેમજ ગાડીના કાફલાને પાયલોટીંગ કરી લગ્ન સ્થળે લઈ જવામાં આવશે. સંસ્થા દ્વારા દિકરીઓનાં પરિવારજનો માટે બસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
ગ્રીન લીફ પાર્ટી પ્લોટમાં સુંદર અને નયનરમ્ય વાતાવરણમાં દરેક દીકરીઓનાં કલાત્મક અને શરગારેલા વિશિષ્ટ લગ્ન મંડપ બનાવવામાં આવ્યા છે. સાથે સાથે સેલ્ફી પોઈન્ટ, ચા-કોફી અને કાવાની મહેમાનો લિજજત માણી શકે તે માટે ગામઠી ઢબનો પોઈન્ટ પણ બનાવવામાં આવ્યો છે. સાધુ સંતો અને કાર્યક્રમને માણવા પધારેલા સમાજ જીવનના વિવિધ શ્રેષ્ઠીઓનાં સ્વાગત અને અભિવાદન માટે મુખ્ય લગ્ન સ્થળે ૬૦ બાય ૧૫નું આકર્ષક સ્ટેજ બનાવવામા આવ્યું છે તેમાં વિશિષ્ટ શ્રેષ્ઠીઓ અને મહાનુભાવોને સ્મૃતિ ચિન્હ આપી સન્માનીત કરાશે. સમગ્ર લગ્નોત્સવ દરમિયાન લગ્ન ગીતોની રમઝટ માટે જાણીતા કલાકાર નિલેશ પંડયા અને એની ટીમ વિધિ અને પ્રસંગને અનુ‚પ લગ્ન ગીતો ગાઈ સોનામાં સુગંધ ભેળવશે.
સમગ્ર આયોજનમાં શહેરનુું યુવાધન પણ જોડાયું છે. જેમાં કણસાગરા મહિલા કોલેજની ૬૦ બહેનો તેમજ હરીપર સ્થિત આર.ડી. કોલેજ ઓફ એજયુકેશન એન્ડ લોના ૧૫૦થી વધુ છાત્રો સેવામાં જોડાયા છે. સમગ્ર આયોજનમાં ૫૦૦૦થી વધુ લોકોને આમંત્રીત કરાયા છે. તમામ આમંત્રીતો માટે ભાવતા ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર કાર્યક્રમનું વિવિધ ચેનલોમાં લાઈવ પ્રસારણ થાય તે માટેની વ્યવસ્થા પણ કરવામાં આવશે. આવા ઉમદા કાર્યની લોકો સુધી વાત પહોચે તે માટે શહેરના રાજમાર્ગો ઉપર હોર્ડિંગ્સ પણ મૂકવામાં આવ્યા છે.
સમગ્ર આયોજનને એક કરોડના વિમાથી સુરક્ષીત કરાયો છે. ગ્રીન લીફ પાર્ટી પ્લોટના લગ્ન સ્થળની તમામ વ્યવસ્થા ખોડુભા જાડેજા દ્વારા કરવામાં આવી છે. સમગ્ર આયોજનને યશસ્વી બનાવવા ૨૦ થી વધુ કમિટીઓની રચના કરવામાં આવી છે. રાજકોટના સેવા પ્રેમી અને માનવતા પ્રેમી લોકોને આ પ્રસંગે દીકરીઓને આશીર્વાદ આપવા પધારવા સંસ્થા દ્વારા આમંત્રણ છે. મહોત્સવને અવિસ્મરણીય બનાવવા આગેવાનો કિરીટભાઈ આદ્રોજા, મુકેશ દોશી, સુનીલ વોરા, નલીન તન્ના, કિરીટભાઈ પટેલ, ઉપેનભાઈ મોદી, સુનીલ મહેતા, હેમલ મોદી, પ્રવિણભાઈ હાપલીયા, રાકેશભાઈ ભાલાળાએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેઈમ બાઘાલાલ, સુંદર અને બાવરી ખાસ ઉપસ્થિત રહેશે
લોકપ્રિય ટીવી સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકાર તન્મય વેકરીયા (બાઘાલાલ) અને મોનીકા ભાદોરીયા (બાવરી) લગ્નોત્સવમાં ખાસ ઉપસ્થિત રહી લોકોના આકર્ષણનું કેન્દ્ર બનશે. તા.૨૯ના રોજ અશ્વિન જોષીના ‘કાળજુ ધોવાનો અવસર’ કાર્યક્રમમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકાર મયુર વાંકાણી (સુંદર) ઉપસ્થિત રહેશે.
૧૯ જાન્યુઆરીના રોજ દીકરીઓને ગોવા હનીમુન ટુર માટે મોકલાશે
‘દીકરાનું ઘર’ વૃદ્ધાશ્રમ દ્વારા યોજાનાર વહાલુડીના વિવાહમાં ભાગ લેનાર ૨૨ દીકરીઓને તા.૧૯ જાન્યુઆરીના રોજ કપલમાં ગોવાનો પ્રવાસ કરાવવામાં આવશે. જેમાં દીકરીઓને આવવા જવાની ટીકીટ ઉપરાંત તમામ સાઈટ સીન અને સુંદર મજાના હોટલ-રીસોર્ટમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
પી.પી.સવાણી ટ્રસ્ટના મહેશભાઈ સવાણી પરિવાર સાથે પ્રસંગમાં હાજર રહેશે
સમાજ જીવનનું મુંઠી ઉચેરું નામ અને જેમને મા-બાપ વગરની ૧૦૦૦થી વધુ દીકરીઓના સ્વખર્ચે લગ્ન કરી પિતા બનવાનું સદભાગ્ય મેળવ્યું છે એવા ઉધોગ જગતના ભિષ્મ પિતામહ સુરત સ્થિત મહેશભાઈ સવાણી, રાજુભાઈ સવાણી અને રમેશભાઈ સવાણી તેમજ તેમના પિતા વલ્લભભાઈ સવાણી સહિતનો પરીવાર આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહી ૨૨ દીકરીઓને આશીર્વાદ આપશે.
પ્રત્યેક દીકરીને ૩ લાખ જેટલી રકમનો કરિયાવર
પ્રત્યેક દીકરીઓને ૧૭૦ જેટલી કરીયાવરની વસ્તુઓ લગભગ ૩ લાખ જેટલી રકમની આપવામાં આવશે. જેમાં બે તોલા સોનાનો સેટ, ચાંદીની દરેક વસ્તુઓ, ઈમીટેશન જવેલરી, સોનાનો ચુડલો, ૨૮ જોડી કપડા સહિતની ઘર વખરીઓ તેમજ પ્રત્યેક દીકરીને ૩૦,૦૦૦ રૂની ફિકસ ડિપોઝીટની રકમ તેમજ મળવાપાત્ર સરકારી સહાય પણ આપવામાં આવશે.
વિન્ટેજ કાર અને ૬ બગીઓ–મોટરકારના કાફલા દ્વારા જાનૈયાઓનું સ્વાગત
જાનૈયાઓનું ‘દીકરાનું ઘર’ દ્વારા વિશિષ્ટ રીતે અદકેરું સ્વાગત કરવામાં આવશે. જેમાં એક વિન્ટેજ કાર-૬ શણગારેલી બગીઓ- મોટર કારનો કાફલો તેમજ રાસ મંડળી ઢોલ નગારા, બેન્ડવાજા સાથે પરંપરાગત રીતે વિશિષ્ટ રીતે આવકાર અપાશે. જેમાં શહેર શ્રેષ્ઠીઓ અને નગરજનો પણ જોડાશે.