ફ્લિપકાર્ટ અને વોલમાર્ટ વચ્ચે થયેલી ડીલના વિરોધમાં કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સે(સીએઆઇટી) 28મી સપ્ટેમ્બરે દેશવ્યાપી વેપાર બંધનું એલાન કર્યું છે. આ ડીલના વિરોધમાં15 સપ્ટેમ્બરથી દિલ્હીથી રથયાત્રા શરૂ કરાશે.વોલમાર્ટ અને ફ્લિપકાર્ટની ડીલની સાથે રિટેઇલ ક્ષેત્રમાં એફડીઆઇને અપાયેલી મંજુરીના વિરોધમાં હાલમાં નાગપુરમાં મળેલી સીએઆઇટીની મિટીંગમાં28 સપ્ટેમ્બરે દેશવ્યાપી વેપાર બંધનું એલાન કર્યું છે.
સીએઆઇટીના ગુજરાત ચેપ્ટરના પ્રેસિડેન્ટ પ્રમોદ ભગતે કહ્યું કે, આ અભિયાન અસંગઠિત ક્ષેત્ર જેવા કે ટ્રાન્સપોર્ટ,ખેડુત, હોકર્સ, લઘુ ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ લોકો માટે છે. આ ડીલથી તમામ સેક્ટરને મોટી અસર થશે. જેથી 15 સપ્ટેમ્બરથી દિલ્હીથી રાષ્ટ્રીય રથયાત્રા શરૂ કરાશે. 20 હજાર કિ.મી આ રથને ફેરવવાનું આયોજન કરાયું છે જેમાં ગુજરાતમાં 7 દિવસ આ રથને ફેરવાશે. આ મુદ્દે વિવિધ શહેરોમાં મિટીંગ પણ શરૂ કરાશે. સરકાર વચ્ચે હસ્તક્ષેપ કરી ડીલ રદ્દ કરાવે તે ઉદ્દેશથી આ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે.