પાણી સહિતના પ્રશ્ર્ને અનેકવાર રજૂઆત કરવા છતાં પ્રશ્ર્નનો ઉકેલ ન આવતા જાગૃતિબેન ડાંગર કમિશનર ચેમ્બરની બહાર ધરણામાં બેસી ગયા

રાજકોટમહાપાલિકાના ભાજપના શાસકો દ્વારા રાગદ્વેશની નીતિ અપનાવવામાં આવી રહી છે. કોંગી નગરસેવકોના વોર્ડમાં વિકાસ કામોને ગળાટૂંપો દેવામાં આવતો હોવાના આક્ષેપ સાથે આજે વોર્ડ નં.૧૩ના કોંગી નગરસેવિકા જાગૃતિબેન પ્રભાતભાઈ ડાંગર મ્યુનિ.કમિશનરની બહાર ધરણા પર બેસી ગયા હતા. જો કે વિજીલન પોલીસે તેમને ટીંગટોળી કરી ચેમ્બરની બહાર ધકેલી દીધા હતા. જાગૃતિબેન ડાંગરે જણાવ્યું હતું કે, વોર્ડ નં.૧૩માં સમસ્યા અંગે અવાર-નવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર કશુ જ ધ્યાન આપતું નથી જેના કારણે દિન પ્રતિદિન સમસ્યા વકરી રહી છે. નવલનગર, અંબાજી કડવા, કૃષ્ણનગર, પંચશીલ, ગુણાતીત સહિતના વિસ્તારોમાં ડ્રેનેજના પાણી રસ્તા પર વહી રહ્યાં છે. અહીં છાશવારે ડ્રેનેજ લાઈન અને પાણીની લાઈન એક થઈ જાય છે. પાણીના નમુના લેવડાવ્યા છતાં સ્થિતિ સુધરતી નથી. ખોડીયારનગરમાં છેલ્લા દોઢ માસથી મારી ગ્રાન્ટમાંથી ટેન્કર ચાલુ કરવામાં આવ્યા છે. આંબેડકરનગરમાં ધીમા ફોર્સથી પાણી વિતરણ કરવામાં આવે છે. વોર્ડ નં.૧૩ના અનેક વિસ્તારોનાં રસ્તા બિસ્માર હાલતમાં છે છતાં તંત્ર મોરમ નાખવાની કેમેટલીંગ નાખવાની તસ્દી લેતું નથી. ડામરના જે કોન્ટ્રાકટ મંજૂર કરવામાં આવ્યા છે. તેનાથી માત્ર મુખ્ય માર્ગો જ મઢવામાં આવશે. વોર્ડ નં.૧૩ના અનેક પ્રશ્ર્નોનો ઉકેલ ન આવતા આજે કમિશનરની ચેમ્બર પાસે ધરણા પર બેસી ગયા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.