રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી ક્ફર્યુની મુદત પૂર્ણ, ઓફિસીયલી જ્યાં સુધી નવુ જાહેરનામું ન આવે ત્યાં સુધી જુના નિયમ પ્રમાણે ક્ફર્યુ યથાવત
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ બનાવવા કાગળ ઉપર રહેલો રાત્રી કફર્યુ તદ્દન હળવો બનાવવાની હિલચાલ
કોરોનાને પગલે હાલ રાજ્યના ચાર મહાનગરોમાં પેપર ઉપર રાત્રી કરફ્યુ અમલમાં છે. જેની મુદત પૂર્ણ થઈ હોય ઓફિસીયલી જ્યા સુધી નવુ જાહેરનામું ન આવે ત્યાં સુધી જુના નિયમ પ્રમાણે કરફ્યુ યથાવત રહેશે. જો કે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ બનાવવા કાગળ ઉપર રહેલો રાત્રી કરફ્યુ તદ્દન હળવો બનાવવાની હિલચાલ ચાલી રહી છે. રાજ્યના ચાર મહાનગર અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતમાં રાત્રી કફર્યૂ અમલમાં છે. જો કે તેની અમલવારી ઉપર અનેક પ્રશ્નાર્થ થઈ રહ્યા છે. રાત્રીના સમયે બધી જ છૂટછાટ હોવાનું ધ્યાને આવ્યું છે. જો કે આ વાતથી અજાણ લોકો જ ઘરમાં રહે છે. જે જે લોકોને ખબર છે કે આ કરફ્યુ માત્ર કાગળ ઉપર જ રહ્યો છે. તેઓ બિન્દાસ્ત રીતે રાત્રીના સમયે હરી ફરી રહ્યા છે. ચારેય મહાનગરોમાં રાત્રી કફર્યૂની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે. હવે જ્યા સુધી નવુ જાહેરનામું ન આવે ત્યાં સુધી જુના જાહેરનામા મુજબ આ રાત્રી કરફ્યુ અમલમાં રહેવાનું છે.
દિવાળીના તહેવારો બાદ કોરોનાના કેસ વધતા અમદાવાદ સહિત રાજકોટ, વડોદરા, સુરતમાં રાત્રી કર્ફ્યુ લાદવાનો સરકારે નિર્ણય લીધો હતો. રાતના દસ વાગ્યા બાદ રાત્રિ કર્ફ્યુનો અમલ થતો હતો. હવે રાજ્ય સરકાર રાતના ૧૧ વાગ્યા સુધી બજારો ખુલ્લા રહી શકે તેવી છુટછાટ આપી શકે છે. રાત્રી કર્ફ્યુમાં છુટછાટ આપવા માટે હોટેલ, રેસ્ટોરંટ એસોસિએશને પણ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી છે. અગાઉ રાજ્ય સરકારે રાત્રિ કર્ફ્યુમાં એક કલાકનો ઘટાડો કરીને રાતના દસ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ રાખવાનો નિર્ણય કરાયો હતો.ત્યારે હવે ફરી સ્થાનિક ચૂંટણીનો માહોલ બનાવવા સરકાર રાત્રી કરફ્યુમાં વધુ રાહત આપશે તે નક્કી છે.
ગુજરાતમાં ફરી બજારો ધમધમતાં થાય તે માટે સરકાર પણ પ્રયત્નશીલ છે ત્યારે રાત્રી કરફ્યૂમાં છુટછાટ મળતા જ મહાનગરોમાં રાત્રી બજારો પણ લાબા સમયગાળા બાદ ધમધમતી થશે. વધુમાં મળતી માહિતી મુજબ લગ્ન સમારોહમાં પણ અત્યાર સુધી ૧૦૦ મહેમાનોની જ છુટ હતી તે વધીને હવે ૨૦૦ મહેમાનોની મંજૂરી મળી શકે છે. ઉલ્લેખનીય છેકે, લગ્નમાં મર્યાદિત લોકોની મંજૂરીને લીધે કેટલાંય લોકોએ લગ્ન રદ કરવા પડયાં હતાં.અત્યારે રાજકીય પક્ષોની રેલથી માંડીને ચૂંટણી લક્ષી બેઠકોમાં કાર્યકરોની ભીડ જામી રહી છે ત્યારે સરકારના નિયમો-નિયંત્રણને લઇને લોકોમાં રોષ ભભૂક્યો છે હવે જ્યારે ચૂંટણી આવી રહી છે. ત્યારે લોકોને રીઝવવા રાત્રી કરફ્યુમાં ઘણી છૂટછાટ આપવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે. ખાસ કરીને નેતાઓના મેળાવડા થતા હતા તેની સામે ભારે વિરોધ ઉઠતો હતો. તેમાં પણ નેતાઓના મેળાવડા અને લગ્ન પ્રસંગ બન્નેની તુલના થતી હતી. એટલે હવે સરકાર રાત્રી કરફયૂમાં લગ્ન પ્રસંગમાં છુટ આપશે તેવી પુરેપેરી શક્યતા જોવાઇ રહી છે. આ ઉપરાંત રાત્રી બજારના નાના વેપારીઓનો ધંધો પણ છેલ્લા ઘણા સમયથી મંદીમાં સમેટાયો હતો. તેમને રીઝવવા માટે રાત્રી બજારના ધંધાર્થીઓને પણ સારી એવી છૂટછાટ મળે તેવી સંભાવના છે.