કોરોનાના કેસમાં ય યોગ્ય નિયમો પળાતા નથી

બે-બે સ્મશાન છતાં અગ્નિદાહ માટે આઠ આઠ કલાક રાહ જોવી પડે છે: ૧૫મી સુધીમાં અંતિમવિધિ માટેની યોગ્ય વ્યવસ્થા નહીં થાય તો ઉપવાસ: કોંગી કોર્પોરેટરની ચીમકી

જામનગરમાં અન્ય મૃત્યુ તથા કોરોનાના કારણે દરરોજ મૃતદેહોના અંતિમસંસ્કાર માટે શહેરના બે સ્મશાનમાં લાઈનો લાગે છે અને આઠ-દસ કલાકે માંડ વારો આવે છે. આ સ્થિતિમાં કોંગ્રેસના કોર્પોરેટર દેવશીભાઈ આહિરે રાજ્યના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી યુદ્ધના ધોરણે મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે વ્યવસ્થા કરવા રજૂઆત કરી છે. ૧પ સપ્ટેમ્બર સુધીમાં સરકાર દ્વારા યોગ્ય વ્યવસ્થા નહીં કરવામાં આવે તો તેમણે તા. ૧૬ સપ્ટેમ્બરથી ત્રણ દિવસ માટે લાલબંગલા સર્કલમાં સવારે ૯ થી સાંજે ૬ વાગ્યા સુધીના પ્રતીક ઉપવાસ આંદોલનની ચિમકી આપી છે.

ભાજપના રાજમાં જીવિત વ્યક્તિઓને તો નોટ બંધી, જીએસટી, રાશનની લાઈનમાં ઊભા રાખી દીધા હતાં. ત્યાં સુધી તો જનતાએ સહન કરી લીધું, પરંતુ હવે તો મર્યા પછી પણ અંતિમવિધિ માટે સ્મશાનમાં લાઈનમાં ઊભું રહેવું પડે છે. હવે મૃત્યુ પામેલા માણસને પણ વેઈટીંગમાં વારો આવે તેવો આક્રોશ રજૂઆતના અંતે વ્યક્ત કર્યો છે. હાલમાં કોરોના મહામારીમાં કોરોના વાઈરસ તથા અન્ય રીતે મૃત્યુનો આંક સતત વધી રહ્યો છે ત્યારે જામનગર શહેરમાં આવેલ બે સ્મશાનમાં અંદાજીત આઠથી દસ કલાક જેટલું વેઈટીંગ ચાલી રહ્યું છે. તે તાત્કાલિક અસરથી બંધ થવું જોઈએ અને મૃતકોના અંતિમ ક્રિયાની તાત્કાલિક વ્યવસ્થા કરવી જોઈએ. કોવિડના નિયમ મુજબ કોરોના વાઈરસથી મૃત્યુ પામેલની અંતિમવિધિ તાત્કાલિક સેનિટાઈઝ કરીને, સોશિયલ ડિસ્ટન્સ અને વાઈરસ ન ફેલાઈ તે રીતે કરવાની હોય છે, પરંતુ હાલમાં તંત્ર દ્વારા કોઈપણ વ્યવસ્થા ન હોવાથી કોરોના તથા અન્ય રીતે મૃત્યુ પામેલા મૃતકોની અંતિમવિધિમાં ખૂબ જ વિલંબ થઈ રહ્યો છે. તેથી સંક્રમણ ફેલાવાનો ભય પણ છે. ગુજરાતમાં છેલ્લા રપ વર્ષથી તેમજ જામનગર મહાનગરપાલિકા છેલ્લા ર૦ થી વધુ વર્ષથી ભાજપનું શાસન છે, પરંતુ તંત્ર દ્વારા મૃતકોની અંતિમવિધિ યોગ્ય રીતે થાય તે જોવાની તંત્રએ દરકાર લીધી નથી. શાસકો દ્વારા કરોડોના તાયફાઓ કરી સભાઓ માટે ભીડ એકઠી કરવામાં આવે છે, પરંતુ જનતાના યોગ્ય પ્રશ્નનો નિકાલ કરવાની વ્યવસ્થા સરકાર કરી શકી નથી, જ્યારે જામનગરના સ્મશાનમાં છેલ્લા ૧૦ થી ૧પ દિવસ ઈલેક્ટ્રીક ફરનેશ બંધ છે. તાત્કાલિક ધોરણે આ ઈલેક્ટ્રીક ફરનેશ ચાલુ કરવા તેમણે માંગણી કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.