વિવિધ શાખાઓમાં પણ લાયક કર્મચારીઓનો અભાવ : લોક કાર્યોને સીધી અસર
રાજકોટની ધોરાજી નગરપાલિકામાં છેલ્લા ઘણાં સમયથી કર્મચારીઓની અછત અને જેતે વિભાગના ક્વોલીફાઈડ કર્મચારીઓ ન હોવાથી શહેરીજનોની હાલત જાય તો જાય ક્યાં જાય તેવી થવા પામી છે. ધોરાજી નગરપાલિકામાં હાલમાં ચિફઓફિસર ચાર્જમાં ફર્જ બજાવી રહ્યા છે.તો બીજી તરફ પાલિકાની સેનેટરી,આરોગ્ય,ટાઉન પ્લાનીંગ,બાંધકામ સહિતની અનેક કચેરીઓમાં પણ સરકાર દ્વારા ક્વોલીફાઈડ કર્મચારીઓની નીમણૂંક કરવામાં આવી નથી.જેમને લઈને પાલિકા સતાધીશો એ જાણે મામકાવાદ ચલાવીને આવી જગ્યોઓ ઉપર લાયકાત વગરના કર્મચારીઓની નિમણૂકો કરી નાખવામાં આવી છે.બીન અનુભવી કર્મચારીઓના કારણે વિકાસના કામો અને શહેરજનોના કામો ટલ્લે ચડતાં જોવા મળી રહ્યાં છે.લોકોને સામાન્ય કામો માટે પણ ધરમના ધક્કા ખાવાની ફર્જ પડી રહી છે.આપણા બંધારણમાં પંચાયત અને પાલિકા રાજમાં નગરપાલિકાઓને વિશાળ સતાઓ આપવામાં આવી છે છતાં પણ શહેરની મુખ્ય નગરપાલિકા કચેરીમાં જ અણ આવડત વાળો સ્ટાફ અને કર્મચારીઓની ખાલી જગ્યાઓ હોય તો લોકોના કેવાં કામ થતાં હોય એ પણ એક પ્રશ્ન છે.જ્યારે ધોરાજી નગરપાલિકામાં ભાજપ હોય કે કોંગ્રેસ પરંતુ લોકોને જોઈએ તેવી પ્રાથમિક સુવિધાઓ મળતી નથી.તેમ છતાં સ્થાનિક ભાજપ કોંગ્રેસના આગેવાનો ખાડે ગયેલા પાલિકાના વહીવટી અંગે દોષનો ટોપલો એક બીજા ઉપર ઢોળી રહ્યાં છે. ખૂદ સરકાર એક બાજું પાલિકામાં વિવિધ શાખાઓમાં લાયકાત વાળા કર્મચારીઓની નિમણૂકો કરવાની ગૂલ બાંગો ફૂકી રહી છે.તેમ છતાં ધોરાજી નગરપાલિકામાં ચિફઓફિસરની ખાલી જગ્યા અને લાયકાત વિનાના કર્મચારીઓ વચ્ચે શહેરીજનોની હાલત કફોડી થઈ જવાં પામી છે.તેમ છતાં ધોરાજી નગરપાલિકાના ચાર્જમાં રહેલ ચિફઓફિસર જાણે સરકારનો બચાવ કરતાં હોય તેમ પોતાનો લૂલો બચાવ કરી રહ્યાં છે.ત્યારે ખાટલે જ મોટી ખોટ હોય ત્યાં સરકારના વિકાસના દાવાઓ ધોરાજી નગરપાલિકામાં કેવાં સાકાર થતાં હશે એ જ જોવાનું રહ્યું.