ચોમાસા પહેલા જ માળોદ-વાઘેલા-ખારવા તરફનો લાખોના ખર્ચે પાકો રસ્તો બનાવાયો હતો. પરંતુ આ રસ્તો વરસાદી તેમજ કેનાલોમાં પડતા ગાબડાથી નીકળતાં પાણીથી ધોવાઇ ગયો છે. જેના કારણે આ ત્રણ ગામની અંદાજે 10 હજારની પ્રજાને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
વઢવાણ તાલુકાના બલદાણા, ગોમટા, ખારવા, વાઘેલા અને માળોદ સહિતના ગ્રામજનોએ રસ્તો બનાવવા માંગ કરી હતી. આમ 50 વર્ષ બાદ ખારવા,વાઘેલા અને માળોદનો રસ્તો બનતા ગ્રામજનોમાં આનંદ ફેલાયો હતો. પરંતુ વરસાદી તેમજ કેનાલમાં વાંરવાર પડતા ગાબડાથી વહી જતા પાણીથી રસ્તો ઠેર ઠેર તૂટી ગયો છે. તૂટેલા રસ્તાના પરિણામે વાઘેલા ગામની સરકારી શાળા કે જ્યાં 1 થી 8 ધોરણના 100થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
તેની સામે જ નાળા સહિતનો રસ્તો બિસમાર હાલતમાં હોવાથી ખારવા,વાઘેલા તેમજ માળોદની અંદાજે 10 હજાર લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. જ્યારે અહીં ભણતા બાળકોને પણ નિશાળ બહાર નીકળતા અકસ્માતનો ભય રહે છે. આ અંગે વાઘેલા ગામના સરપંચ નારસંગભાઈ મસાણીએ જણાવ્યું કે, રસ્તાની હાલત બે-ત્રણ માસથી આવી જ છે. અને આ બાબતે તંત્રને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરાઈ છે. પરંતુ હજુ સુધી કોઇ કામગીરી થઇ નથી.