પ્રદેશ ભાજપ પ્રમુખ પદેથી નિવૃત્ત થયા બાદ સતત હાંસીયામાં ધકેલાતા
પાર્લામેન્ટરી બોર્ડમાંથી ફેંકાયા બાદ મહાપાલિકાની ચૂંટણી માટે જાહેર કરાયેલી સ્ટાર પ્રચારકોની યાદીમાં પણ સ્થાન ન મળતા ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીના લોચા: જાણી જોઈને પાટીલને બદલે ફળદુ બોલ્યા કે, ખરેખર ભુલ થઈ? કાર્યકરોમાં જબરી ચર્ચા
ભાવનગરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ચૂંટણી સભા વેળાએ જીતુભાઈના ભગાથી સીએમ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ એકબીજાની સામે જોઈ હસી પડ્યા
પ્રદેશ ભાજપ અધ્યક્ષ પદેથી નિવૃત થયા બાદ જીતુભાઈ વાઘાણી પાટીલના રાજમાં સતત હાંસીયામાં ધકેલાઈ રહ્યાં છે. અગાઉ પક્ષમાં પૂર્વ અધ્યક્ષોને જે માનપાન મળતું હતું તે વાઘાણીને નશીબ નથી થઈ રહ્યું. પાર્લામેન્ટરી બોર્ડ અર્થાત ચૂંટણી સમીતીમાંથી ફેંકાયા બાદ ગઈકાલે ભાજપ દ્વારા મહાપાલિકાની ચૂંટણી માટે જે ૨૦ સ્ટાર પ્રચારકોની યાદી તૈયાર કરવામાં આવી છે જેમાં પણ વાઘાણીને સ્થાન આપવામાં આવ્યું નથી. સતત હાસીયામાં ધકેલાઈ રહેલા જીતુભાઈ હવે જાણે રાજકીય માનસીક સંતુલન ગુમાવી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે. ગઈકાલે સાંજે ભાવનગરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની બે ચૂંટણી સભાઓ યોજાઈ હતી. જેમાં જીતુભાઈ વાઘાણીએ જબરો ભાંગરો વાટયો હતો. ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે તેઓએ સી.આર.પાટીલના બદલે આર.સી.ફળદુના નામનો ઉલ્લેખ કરતા ખુદ મુખ્યમંત્રી રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ પાટીલ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. વાઘાણીથી ખરેખર ભુલ થઈ ગઈ છે કે તેઓએ જાણી જોઈને પાટીલના બદલે ફળદુના નામનો ઉલ્લેખ કર્યો હશે તે અંગે કાર્યકરમાં નવેસરથી ચર્ચાનો દૌર શરૂ થઈ ચૂક્યો છે.
ભાજપ હાઈકમાન્ડ દ્વારા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકે નવસારીના સાંસદ સી.આર.પાટીલની નિમણૂંક કરાયા બાદ પક્ષમાં બોટમ ટુ ટોપ ફેરફારો આવ્યા છે. સામાન્ય રીતે પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડમાં પૂર્વ પ્રમુખને સ્થાન આપવામાં આવતું હોય છે તેવો પ્રોટોકોલ વર્ષોથી ભાજપમાં જળવાતો હોય છે પરંતુ મહાપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીની તારીખો એલાન થયા બાદ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા પાર્લામેન્ટરી બોર્ડના ૧૩ સભ્યોના નામની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં આશ્ર્ચર્યજનક રીતે પૂર્વ પ્રમુખ જીતુભાઈ વાઘાણીને કદ મુજબ વેતરી નાખવામાં આવ્યા હતા અને તેઓને પાર્લામેન્ટરી બોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું નથી. પાર્લામેન્ટરી બોર્ડ ખુબજ શક્તિશાળી હોય છે. ચૂંટણીના ઉમેદવારો નક્કી કરવાથી માંડી મહાપાલિકાના મેયર, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખના નામ નક્કી કરવા સુધીની સત્તા બોર્ડ પાસે છે. જેમાંથી પૂર્વ પ્રમુખ વાઘાણીની બાદબાકી કરી નાખવામાં આવતા રાજ્યભરમાં કાર્યકરોમાં જબરૂ આશ્ર્ચર્ય ફેલાઈ જવા પામ્યું હતું.
ગઈકાલે ભાજપ દ્વારા રાજ્યની છ મહાનગરપાલિકાઓ માટે ૨૦ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે જેમાં કોંગ્રેસમાંથી ભાજપમાં ભળેલા પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને સ્થાન આપવામાં આવ્યું છે પરંતુ ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની બાદબાકી કરી નાખવામાં આવી છે. આ ઘટનાની નોંધ રાજ્ય લેવલે કાર્યકરો દ્વારા લેવાઈ રહી છે. દરમિયાન ગઈકાલે સાંજે ભાવનગરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે ૨ ચૂંટણી સભા સંબોધી હતી. આ સભામાં ભાવનગરના ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ જબરો ભાંગરો વાટ્યો હતો. તેઓએ સ્ટેજ પરથી કાર્યકરો અને સમર્થકોને સંબોધન કરતી વેળાએ ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે સી.આર.પાટીલનું નામ લેવાના બદલે આર.સી.ફળદુના ઉલ્લેખ કર્યો હતો. પ્રદેશ પ્રમુખ તરીકે ફળદુનું નામ લેવાતા સ્ટેજ પર બેઠેલા મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચોકી ઉઠ્યા હતા. બન્ને એકબીજા સામે જોઈ હસી પડ્યા હતા. જીતુભાઈ વાઘાણી સામાન્ય કાર્યકર નથી કે તેઓથી આવડી મોટી ભુલ થઈ જાય. તેઓ છેલ્લી ત્રણ ટર્મથી ધારાસભ્ય છે અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ તરીકે પણ ચાર વર્ષ સુધી સેવા આપી ચૂક્યા છે. સામાન્ય સભાથી લઈ મોટી ચૂંટણી સભાઓ પણ તેઓ અનેકવાર સંબોધી ચૂક્યા છે અને ક્યારેય તેઓએ શાબ્દીક ભુલ કરી નથી. આવામાં તેઓના ઘર આંગણે અથવા ભાવનગરમાં યોજાયેલી મુખ્યમંત્રીની જાહેરસભામાં વાઘાણીએ પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર.ના બદલે આર.સી.ના નામનો ઉલ્લેખ કર્યો તે થોડુ આશ્ર્ચર્યજનક લાગી રહ્યું છે.
પ્રદેશ અધ્યક્ષ તરીકે નિવૃત થયા બાદ હવે સામાન્ય કાર્યકરની વ્યાખ્યામાં આવી ગયેલા જીતુભાઈ વાઘાણીએ ગઈકાલે જાણી જોઈને લોચો માર્યો કે વાસ્તવમાં તેઓથી ભુલ થઈ તે અંગે કાર્યકરોમાં જબરી ચર્ચા ચાલી રહી છે. પાટીલ અને વાઘાણી વચ્ચે બધુ સમુસુતરુ ન હોવાની વાત જગજાહેર છે. કારણ કે પાટીલના પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ જીતુભાઈ સતત હાંસીયામાં ધકેલાઈ રહ્યાં છે. આવામાં તેઓએ ગઈકાલે પોતાના ગઢમાં જે રીતે સી.આર.પાટીલ બદલે આર.સી.ફળદુને સ્ટેજ પરથી પ્રદેશ અધ્યક્ષ ગણાવ્યા તે વાત પણ ઘણી સુચક છે. હાલ ભલે આ ઘટના ભુલ કે હાસ્યાસ્પદ લાગતી હોય પણ તેના ઘેરા પ્રત્યાઘાતો આગામી દિવસોમાં પડે તેવું લાગી રહ્યું છે. કારણ કે, જે રીતે વાઘાણીને પાર્લામેન્ટરી બોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું નથી અને સ્ટાર પ્રચારકોની યાદીમાંથી તેનો કાંટો કાઢી નાખવામાં આવયો છે તે ઘટનાથી તેઓ ભારોભાર નારાજ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.