અત્યારે સરકારી લાભ મેળવવા ગરીબ બનવાની હોડ જામી છે. ખોટા માણસોના લીધે જ સાચા જરૂરિયાતમંદો વંચિત રહી જાય છે. ત્યારે સવાલ એ થાય છે કે સરકારી લાભ મેળવવામાં પ્રામાણિકતા ક્યારે આવશે ?
કેન્દ્ર સરકારે જ સ્વિકાર્યુ છે કે, ગુજરાતમાં સાડા છ કરોડોની વસ્તી પૈકી એક કરોડ લોકો તો ગરીબ અવસ્થામાં જીવન વ્યતિત કરી રહ્યા છે. વિકાસની હરણફાળ ભરતાં ગુજરાતમાં જાણે ગરીબીએ ડેરાતંબુ તાણ્યા છે. રાજ્યમાં શહેરો કરતાં ગામડાઓમાં ચાર ગણાં ગરીબો છે. મહત્વની વાત એ છે કે, ગરીબોના કલ્યાણ-ઉત્કર્ષની અનેક યોજના અમલમાં છે તેમ છતાંય ગુજરાતમાં ગરીબીનુ બિહામણુ ચિત્ર યથાવત રહ્યું છે. જો કે આ ચિત્ર સરકારી ચોપડે છે.
ખોટા માણસોના લીધે જ સાચા જરૂરિયાતમંદો વંચિત રહી જાય છે, સરકારી લાભ મેળવવામાં પ્રામાણિકતા ક્યાંરે આવશે ?
ગરીબીમાં ગુજરાત દેશમાં 14મા ક્રમે રહ્યું છે. ગામડામાં રોજ 26 રૂપિયા અને શહેરમાં રોજ 32 રૂપિયા પણ ખર્ચી શકે નહી તેને ગરીબી રેખા હેઠળની વ્યક્તિ ગણવામાં આવે છે. આ સામાન્ય ખર્ચ કરવા ય સક્ષમ નથી તેવી વ્યક્તિઓની ગુજરાતમાં ઘણી મોટી સંખ્યા છે. લોકસભામાં ખુદ કેન્દ્ર સરકારે જણાવ્યું કે, ગુજરાતમાં કુલ મળીને 1.02 કરોડ લોકો ગરીબી રેખા હેઠળ જીવી રહ્યા છે. ટૂંકમાં, ગુજરાતમાં 16.63 ટકા લોકો ગરીબ છે.
કેન્દ્ર સરકારના રિપોર્ટ મુજબ, ગુજરાતમાં શહેરોમાં 10.14 ટકા ગરીબી છે એટલે કે, 26.88 લોકો ગરીબી અવસ્થામાં છે જયારે ગામડાઓમાં તો શહેરોની સરખામણીમાં ચાર ગણી વધુ ગરીબી છે. ગામડાઓમાં ગરીબોની સંખ્યા 75.35 લાખ સુધી પહોંચી છે. એટલે કે, 21.54 ટકા ગ્રામ્ય વસ્તી ગરીબ છે. નીતિ આયોગના બહુઆયામી સૂચકાંક-2023ના મતે, ગરીબીમાં ગુજરાત દેશમાં 14માં ક્રમે છે. આ ઉપરાંત દાહોદ સૌથી ગરીબ જીલ્લો છે જયાં 38.27 ટકા લોકો ગરીબી અવસ્થામાં જીવન ગાળી રહ્યા છે. આ ઉપરાંત ડાંગ, છોટાઉદેપુર, નર્મદા અને બનાસકાંઠા પણ ગરીબ જિલ્લા છે.
હવે ગરીબીમાં રહેવુ નથી તેવા સૂત્ર સાથે દર વર્ષે ગુજરાત સરકાર ગરીબ કલ્યાણ મેળા યોજે છે. એટલુ જ નહી, કરોડોનું આંધણ કરે છે આમ છતાંય ગરીબો યથાવત છે. આજે પણ ગુજરાતમાં 1 કરોડ વસ્તી મફત અનાજ મેળવીને પેટનો ખાડો પૂરો કરે છે. મજૂરી કરીને જીવનનિર્વાહ પુરુ કરે છે.
જો કે સમગ્ર અહેવાલના ઊંડાણમાં જઇએ તો મોટાભાગના આંકડાઓ સરકારી ચોપડે ખોટા છે. અનેક વાહનો અને રોજના અઢળક ખર્ચા થતા હોય તેવા પરિવારો પણ સરકારી ચોપડે ગરીબ થઈને બેઠા છે. લોકો સરકારી લાભ મેળવવા ગરીબ થઈને બેઠા છે. ખાસ કરીને રેશનકાર્ડમાં અનાજ વિતરણનો લાભ લેતા પરિવારોનો આંકડો ચોંકાવનારો છે. પૂરતા પ્રમાણમાં આવક હોવા છતાં લાખો લોકો ખોટી રીતે ગરીબ બની મફત અનાજનો લાભ લ્યે છે. વાસ્તવિકતા એ છે કે જે લોકો ખોટી રીતે સરકારી લાભ લઇ રહ્યા છે તે જે હકીકતમાં ગરીબ છે તેનો હક્ક લઈ રહ્યા છે. ખોટા લાભાર્થીઓના કારણે જ સાચા ગરીબોની પરિસ્થિતિ હજુ પણ દયનિય છે.