સી.સી.ટીવી તોડી નાખ્યા: પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ
સુરેન્દ્રનગર વઢવાણમાં આવેલી સી.યુ.શાહ યુનિવર્સિટીને નિશાન બનાવીને તસ્કરો ત્રાટકયા હતા. એકાઉન્ટમાં પીએચડી અને ટેબલેટની ફિના રૂ. ૨.૭૫ લાખ ભરેલી આખી તીજોરી ઉપાડીને બહાર લઇ જતાં પોલીસ દોડતી થઇ હતી. વઢવાણ-કોઠારીયા રોડ પર વિશાળ મેદાનમાં સી.યુ.શાહ યુનિવર્સિટીનું બિલ્ડીંગ આવેલુ છે. જેના ટેકનિકલ ઇન્સ્ટીટયુટ ઓફ ડિપ્લોમાં સ્ટડીઝમાં બિલ્ડીંગના બારણા તોડી ચોરે અંદર પ્રવેશ કર્યો હતો.
જ્યાં એકાઉન્ટ વિભાગમાં રાખેલી આખી તીજોરી ઉપાડીને બાજુનાં ખેતરમાં લઇ જઇને તોડી રૂ. ૨.૭૫ લાખ રોકડાની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. યુનિવર્સિટીમાં વર્તમાન સમયે ખાસ કરીને પીએચ.ડીનાં નવા એડિમિશન અને સરકાર દ્વારા ફાળવવામાં આવતા ટેબલેટ મેળવવા માટેની ફી વસૂલ કરવામાં આવી રહી છે.
આ તમામ ફિની રકમ સાંજ સુધી સ્વીકારાતી હોય છે. સાંજે બેંક બંધ થઇ જતી હોવાથી ફિના રૂપીયા તીજોરીમાં રાખી સવારે બેંકમાં ભરી દેવાના હતા. તે પહેલા તસ્કરો ચોરી કરી ગયા હતા. કોલેજમાં રાખવામાં આવેલા સીસીટીવીમાં પોતે કેદ થઇ ન જાય એ માટે ભેજાબાજ ચોરે સીસીટીવી તોડી નાંખ્યા હતા.
આ બનાવની જાણ થતા પીએસઆઈ એચ.આર.જેઠ્ઠી, શક્તિસિંહ વાઘેલા, મહેન્દ્રસિંહ ગોહિલ, રાજભા, વિજયભાઈ રથવીસહિતની ટીમ યુનિવર્સિટી દોડી પહોંચી હતી. ચોરીના આ બનાવની મનીષકુમાર જયંતિલાલ શાહે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ ઘટનામાં અમુક ખાનગી કેમેરામાં બુકાનીધારીઓ કેદ થઇ ગયા હતા. કોલેજમાંથી રોકડ રકમ સાથે ચોરાયેલી તિજોરી કેમ્પસથી ૩૦૦ મીટર દૂર ખેતરમાંથી મળી આવતા પોલીસ પણ ચોકી ઉઠી હતી. પરિણામે આ સ્થળે ધસી જઇને તપાસ હાથ ધરી હતી.