ખેતરમાં જવાનો રસ્તો બંધ કરી પજવણી કરતા હોવાના કારણે કર્યો આપઘાતનો પ્રયાસ
અબતક,સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં લેન્ડ ગ્રેબીંગનો કાયદો અમલી હોવા છતાં ગ્રામ્ય પંથકોમાં અસામાજિક તત્વોનો ત્રાસ રહેલો છે. અહીંના વઢવાણ તાલુકાના વસ્તડી ગામે રહેતા પરિવારના ખેતરે જવાના માર્ગ ઉપર અસામાજિક તત્વોએ કબજો જમાવ્યો છે. આ પરિવારને ખેતરે ન જવા દઈ જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી રહી છે. છેલ્લા 10 વર્ષથી અસામાજિક તત્વોના ત્રાસથી કંટાળી જઈ મંગળવારે બપોરે એક જ પરિવારના 4 વ્યકતિઓએ સામુહિક રીતે ઝેરી દવા પી લેતા ચકચાર ફેલાઈ હતી. જે બાદ 108ની ટીમ દ્વારા ચારેયને સુરેન્દ્રનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વસ્તડી ગામે રહેતા અંબારામભાઈ ગાંડાભાઈ મોરીનું ખેતર બોરાણા ગામના મારગે આવેલુ છે. તેમની આસપાસના બન્ને ખેતરો ગામના એક વ્યક્તિની માલિકીના છે. છેલ્લા 10 વર્ષોથી અંબારામભાઈને ખેતરે જવાના રસ્તો અવારનવાર બંધ કરી હેરાન-પરેશાન કરતા હતા. જેમાં છેલ્લા એક માસથી તો ત્રાસ વધતો જતો હતો. જયારે સોમવારના રોજ સાંજના સમયે ઉંઈઇ વડે અંબારામભાઈના ખેતરે જવાનો રસ્તો ખોદી નાંખવા સાથે ધમકી આપી હતી.
આથી મંગળવારે બપોરના સમયે 48 વર્ષીય અંબારામભાઈ મોરી, 23 વર્ષીય બળદેવભાઈ મોરી, સિલાબેન મોરી અને શિલ્પાબેન મોરીએ ઝેરી દવા પી લીધી હતી.આ બનાવની જાણ થતાં 108ની ટીમ દ્વારા તમામને સારવાર માટે સુરેન્દ્રનગરની ડોકટર હાઉસ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જયાં હાલ ચારેયની સારવાર ચાલુ છે. જયારે બનાવની જોરાવરનગર પોલીસને જાણ થતા બીટ જમાદાર રણજીતસિંહ ચૌહાણ સહિતનાઓ દોડી ગયા હતા અને ઈજાગ્રસ્તોને નિવેદનને આધારે કાર્યવાહી હાથ ધરી હતી. વસ્તડીમાં એક જ પરિવારના 4 સભ્યોએ ઝેરી દવા પી લેતા જિલ્લાભરમાં ચકચાર ફેલાઈ છે.
છેલ્લા એક માસથી રસ્તો બંધ કરી નાંખ્યો છે આ અંગે પરિવારજન નંદાબેને જણાવ્યુ કે, અમોને છેલ્લા ઘણા વર્ષોથી અસામાજિક તત્વોનો ત્રાસ છે. અમોને અમારા ખેતરે જવા દેતા નથી. છેલ્લા એક માસથી રસ્તો બંધ કરી દીધો છે અને સોમવારે ખોદી નાંખ્યો છે. અને બીજો રસ્તો છે તે પણ ખોદી નાંખી અમોને ધમકી આપી રહ્યા છે.
કારમાં 4 શખ્સો આવી ધમકી દઈ ગયા આ અંગે પરિવારજન ઘનશ્યામભાઈ મોરીએ જણાવ્યુ કે, અમારા ગામના અસામાજિક તત્વો પિતા-પુત્ર સહિત ચાર શખ્સો કારમાં સોમવારે સાંજે ધસી આવ્યા હતા. અને અમારે ખેતરે જવાનો રસ્તો ખોદી નાંખી અમોને ધમકી આપી હતી. બોરાણાના માર્ગે આવેલ ખેતરે જવાનો બીજો રસ્તો પણ ખોદી નાંખવાની ધમકી આપી ગયા છે.