વીવીપેટના ખોટા આક્ષેપ બદલ મતદાર સામે લેવાઇ શકે પગલા
છેલ્લા કેટલાય સમયથી ચૂંટણીઓમાં ઇવીએમની વિશ્વસનીયતા અંગે કેટલાક પક્ષ દ્વારા સવાલ ઉઠાવાઇ રહ્યા છે ત્યારે ગુજરાતના કેન્દ્રીય ચૂંટણી પંચે જાહેરાત કરતા કહ્યું છે કે, વિધાનસભાની આગામી ચૂંટણીઓમાં તમામ ૫૦,૧૨૮ બૂથમાં ઇવીએમ સાથે વીવીપેટ મશીન જોડવામાં આવશે જેથી મતદારે કોને મત આપ્યો છે તે તેની સ્ક્રીન પર તત્કાલ જોઇ શકે. મત ગણતરી વખતે હોલમાં બેલેટ યુનિટમાંથી મતની ગણતરી કરાશે પરંતુ જો કોઇ વિવાદ ઊભો થાય કે પક્ષનો એજન્ટ વાંધો ઉઠાવશે તો મત ગણતરી ચાલતી હશે તે હોલમાં ઈવીએમ અને વીવીપેટ લાવવામાં આવશે અને વીવીપેટના બોક્સમાં જે સ્લીપ હશે તે આખરી ગણાશે તેવી સ્પષ્ટતા પણ કરી છે. ઇવીએમ અને વીવીપેટમાં કોઇ ચેડાં થઇ શકે તેમ નથી.
ચૂંટણી પંચના મુખ્ય અધિકારી બી.બી. સ્વૈને ઇવીએમ સાથે વોટર વેરિફાયેબલ પેપર ઓડિટ ટ્રેઇલ (વીવીપેટ) પધ્ધતિથી મતદાન કરાવનારું ગુજરાત રાજય પહેલું મોટું રાજય હશે. અગાઉ ગોવા જેવા નાના રાજયમાં વીવીપેટનો અમલ કરાયો હતો. વીવીપેટ પધ્ધતિ પંચ માટે પડકારજનક રહેશે પરંતુ મતદાનની પારદર્શકતા સ્થાપિત થાય તે માટે તેને સુચારુ રીતે અમલી બનાવાશે.