અત્યાધુનિક મશીનમાં ઓટોમેશન પ્રવૃતિ: માલ-સામાન સેનેટાઈઝ કરવા ઉપયોગી
અલ્ટ્રાવાયોલેટ કિરણોનો ઈલેકટ્રોનિકસ સર્કિટ સાથે ઉપયોગ કરીને વીવીપીના ઈલેકટ્રોનિકસ અને કોમ્યુનિકેશન વિભાગનાં છઠ્ઠા સેમેસ્ટરમાં ભણતા વિદ્યાર્થીઓ મિત પરેશભાઈ કામદાર, આદિત્ય પ્રતુલભાઈ ઠાકર અને ભાર્ગવ શાંતિલાલ વસાણી દ્વારા એક અલ્ટ્રાવાયોલેટ લાઈટ સેનેટાઈઝિંગ ટનલ-માર્જનો આવિષ્કાર કરવામાં આવ્યો છે. માર્જ એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે જે શુદ્ધિકરણ કરે છે. આ મશીનનું નામ જ તેના કાર્યનું સૂચક છે. આ ટનલ એટલે કે મશીનની અંદર પ્રવેશ કરવામાં આવતી વસ્તુઓને બીમારી ફેલાવતા જીવાણુ તથા વિષાણુઓથી શુદ્ધ કરે છે. હાલમાં કોરોના મહામારીને અનુલક્ષીને માર્જનું નિર્માણ કરવામાં આવેલ છે. હાલમાં ઘણા સાર્વજનિક સ્થાનો ઉપર સેનેટાઈઝિંગ ટનલ મુકવામાં આવેલ છે. જેમાં કેમિકલના ઉપયોગથી ટનલમાં પ્રવેશ કરનાર વ્યકિત વિષાણુ મુકત (સેનીટાઈઝ) કરવામાં આવે છે પરંતુ લોકો પોતાની સાથે ખાસ કરીને ખિસ્સામાં કે મોબાઈલ, પેન, પાકિટ, ઘડિયાળ રાખે છે તે આ ટેકનિક દ્વારા સેનીટાઈઝ થઈ શકતું નથી અને તે વિષાણુ યુકત રહી જવાથી વાયરસનો ચેપ ફેલાવાની શકયતા રહી જાય છે.
માર્જની ડીઝાઈનમાં એક સિસ્ટમ/ ચેમ્બર બનાવવામાં આવેલી છે જેમાં એક ક્ધવેયર બેલ્ટ પર જે વસ્તુઓ સેનીટાઈઝ કરવાના હોય તેને મુકવામાં આવે છે. મશીન ઈનપુટમાં આ વસ્તુઓ મુકતા ઓટોમેટિક મશીન વસ્તુને ડીટેકટ કરી લે છે. આ વસ્તુઓ બેલ્ટમાં ફરીને અંદર ટનલ/ ચેમ્બરમાં પહોંચે છે. જેમાં ૪૫ સેક્ધડ સુધી સાધન ઉપર અલ્ટ્રાવાયોલેટ કિરણોનો મારો ચલાવવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન ચેમ્બર સંપુર્ણપણે બંધ હોય છે. જેથી યુવી કિરણોનો ખતરો કોઈને રહેતો નથી. યુવી (અલ્ટ્રાવાયોલેટ) કિરણોના સંસર્ગમાં જે સાધન સેનીટાઈઝ માટે મુકવામાં આવે છે તેના ઉપરથી વિષાણુ, જીવાણુ ૯૬ ટકા સુધી નાશ પામે છે. અહીંયા પ્રક્રિયા પૂર્ણ થતાં મશીન ઓટોમેટિક બંધ થઈ જાય છે. આથી કોઈપણ વ્યકિતને સતત ધ્યાન રાખવાની જરૂર રહેતી નથી. સમગ્ર પ્રક્રિયા ઈલેકટ્રોનિકસ ઓટોમેશન સિસ્ટમથી કરવામાં આવેલ છે. જેથી ઓપરેટરની જરૂર રહેતી નથી. મશીનમાં વસ્તુઓ સેનેટાઈઝ થઈ ઓટોમેટીક બહાર આવી જાય અને મશીન બંધ થઈ જાય છે. ફરીથી વસ્તુઓ સેનેટાઈઝ માટે આવતા ફરી ઓટોમેટિક મશીન પ્રોસેસ શરૂ થાય છે અને પુરી થાય છે. આ સાધન ફકત વસ્તુઓ, માલ સામાનને સેનેટાઈઝ કરવા માટે ઉપયોગી છે.
માત્ર ૧૧,૦૦૦માં સેનેટાઈઝીંગ ટનલ
આ મશીનના આવિષ્કારથી હોસ્પિટલમાં ડોકટર પોતાનો સાધનો સ્ટેથોસ્કોપ, મોબાઈલ, પેન, થરમોમીટર, સર્જિકલ સાધનો સેનેટાઈઝ કરી શકે છે. આજ રીતે જાહેર સ્થળો એરપોર્ટ, રેલવે, સરકારી કચેરી, બેંક, શાળા-કોલેજ જેવી વિવિધ અગત્યની જગ્યાઓ પર આ સાધન મુકવાથી લોકો પોતાની વસ્તુઓને યુવી કિરણોથી વાયરસ, બેકટેરીયા મુકત કરી શકે છે. એક કરતાં વધારે વસ્તુનાં જથ્થાને પણ સેનેટાઈઝ કરી શકાશે. આ કોવીડ-૧૯નાં સંજોગોમાં ઈસીનાં વિદ્યાર્થી દ્વારા બનાવેલ આ સેનેટાઈઝીંગ ટનલ-માર્જ ખુબ જ ઉપયોગી સાબિત થઈ શકશે. આ મશીનની પડતર કિંમત અંદાજે રૂા.૧૧,૦૦૦/- જેવી થાય છે. માસ પ્રોડકશન કરવાથી હજી પણ સસ્તુ થઈ શકશે. આ ત્રણેય વિદ્યાર્થીનાં તેમના આ આવિષ્કાર માટે ઈલેકટ્રોનિકસ એન્ડ કોમ્યુનિકેશન વિભાગનાં પ્રાઘ્યાપક ડો.દિપેશ કામદારએ માર્ગદર્શન પુરુ પાડેલ છે.
કોઈપણ વસ્તુ ૩૦ સેક્ધડમાં થઈ શકે છે સેનેટાઈઝ: છાત્ર મીત કામદાર
વિદ્યાર્થી મીત કામદારે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વીવીપી એન્જીનીયરીંગ કોલેજમાં ઈલેકટ્રીકસ એન્ડ કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટનાં છઠ્ઠા સેમેસ્ટરનાં વિદ્યાર્થીઓ છીએ. અમારા પ્રોફેસર અને ગાઈડ દિપેશ કામદારની અંડરમાં તૈયાર કરેલ છે. આ મશીનની મદદથી આપણે કોઈપણ વસ્તુ સેનીટાઈઝ કરી શકાય છે. ખાસ તો જે સેનેટાઈઝર મશીન નથી કરી
શકતી તે મશીન આ કાર્ય કરે છે. કાગળ, પાકિટ, મોબાઈલ જેવા ઉપકરણો પણ સેનેટાઈઝ થાય છે. આખો પ્રોજેકટ તૈયાર કરતા ૬ દિવસ લાગ્યા છે. આ મશીન કોઈપણ વસ્તુને ૩૦ સેક્ધડમાં સેનેટાઈઝ કરી આપે છે. ઓટોમેટીક મશીન છે અને હાલ અમે આ મશીન જરૂરીયાતવાળી જગ્યાઓએ આપીએ છીએ. અમારો આ પ્રોજેકટ વીવીપી કોલેજનાં સહયોગથી બન્યો છે. આજે અમે આ મશીન પોલીસ કમિશનરને બતાવવા તથા તેમને આપવા આવ્યા છીએ.