કલેક્ટર, અધિક કલેક્ટર, ડીએસઓ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં પ્લાન્ટનું લોકાર્પણ
વીવાયઓ દ્વારા રાજકોટની સૌરાષ્ટ્ર કેન્સર કેર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ હોસ્પિટલ અને પીડીયુ સિવિલ હોસ્પિટલ એનઆઈસીયુ ચિલ્ડ્રન વોર્ડ ખાતે ૬૦ લાખના ખર્ચે ત્રણ ઓક્સિજન પ્લાન્ટ મુકવામાં આવ્યા છે.
કોરોનાની મહામારીની પરિસ્થિતિમાં વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીની પ્રેરણાથી કાર્યરત કોવિડ કેર ડ્રાઈવ અંતર્ગત દર્દીઓની વહારે આવતા વલ્લભ યૂથ ઓર્ગેનાઈઝેશન (વીવાયઓ) દ્વારા ત્રણ ઓક્સિજન પ્લાન્ટ રાજકોટના નાગરિકોની સુવિધા માટે અર્પિત થશે એવી જાહેરાત કરવામાં આવી હતી. આજરોજ રાજકોટ ખાતે કોરોનાની સારવાર લેતા દર્દીઓને રાહત પહોંચાડવાના આશયથી સૌરાષ્ટ્ર કેર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટનું જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન, અધિક કલેક્ટર પરીમલ પંડ્યા અને ડીએસઓ પૂજા બાવડા સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
સરકારી પ્રશાસન જ્યારે આ અછતને પહોંચી વળવા સંપૂર્ણ રીતે કાર્યરત બની હોય એવા સમયે પ્રશાસનને સહયોગ રૂપ થવાના આશયથી વ્રજરાજકુમારજીની પ્રેરણાથી વીવાયઓ દ્વારા ૧૮ ઓક્સિજન પ્લાન્ટ તબક્કાવાર કાર્યરત કરવાની જાહેરાત થઈ હતી. ગત તા.૯ મે ને રવિવારના રોજ વડોદરામાં ૧૦ ટન ઓક્સિજન ઉત્પાદનની ક્ષમતા ધરાવતા ચાર ઓક્સિજન પ્લાન્ટ મુખ્યમંત્રી રૂપાણીએ લોકાર્પિત કર્યા હતા.