ચાર વેદ, સંસ્કૃત વ્યાકરણ સહિત પુષ્ટિમાર્ગના વિદ્વાન એવા પૂ. વ્રજેશકુમારજીએ કાંકરોલી પુષ્ટિમાર્ગ માટે ચારસો જેટલા સ્ત્રોતની રચના કરી હતી, તેઓને 2009માં ભારત સરકારે બ્રહ્મર્ષિ એવોર્ડથી સન્માનીત પણ કર્યા હતા
વૈષ્ણવ સંપ્રદાય તૃતીયા પિઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્ય વ્રજેશ કુમારજીએ આજે અંતિમ શ્વાસ લીધા છે. આ સમાચાર બાદ વૈષ્ણવ સંપ્રદાયમાં ભારે શોક વ્યાપી ગયો છે. વૈષ્ણવાચાર્ય વ્રજેશકુમાર મહારાજનું આજે સવારે 11.45 કલાકે નિધન થયુ છે. તેઓ છેલ્લા થોડા દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા.વૈષ્ણવાચાર્ય વ્રજેશકુમારની નાદુરસ્ત તબિયતને કારણે વૈષ્ણવોને યમુનાષ્ટક પાઠ કરવા માટે પણ અપીલ કરવામાં આવી હતી. પરમ પૂજ્ય ગોસ્વામી તૃતીય પિઠાધીશ્વર કાંકરોલી નરેશ વૃજેશકુમાર મહોદય ચાર વેદ, સંસ્કુત વ્યાકરણ સહિત પુષ્ટિમાર્ગમાં અત્યંત વિદ્વાન તરીકે જાણીતા હતા.
તેમણે કાંકરોલી પુષ્ટિમાર્ગ માટે ચારસો જેટલા સ્ત્રોતની રચના કરી છે. તેઓ રાજસ્થાની મ્યુરલ પેઈન્ટીંગના નિષ્ણાત છે. હાલમાં તેમના તાબા હેઠળ રાજ્સ્થાન સ્થિત કાંકરોલી મંદિર ઉપરાંત મથુરા , ગોકુળ , જતીપુરા , અમદાવાદના રાયપુરનું , આંણદનું તેમજ વડોદરા ખાતે આવેલ બેઠક મંદિર અને સુખધામ હવેલી સહિતના 132 જેટલાં મંદિર તેમના તાબા હેઠળ છે.વ્રજેશકુમાર વૈષ્ણવાચાર્ય પ.પૂ. ડો. વાગીશકુમાર તથા વૈષ્ણવાચાર્ય પ.પૂ. દ્વારકેશલાલજીના પિતા હતા. થોડા દિવસ પહેલા જ વ્રજેશકુમારની તબિયત અંગે પુત્ર ડો.વાગીશકુમારજી દ્વારા માહિતી આપવામાં આવી હતી. જેમા તેમણે જણાવ્યુ હતુ કે, ’, ’છેલ્લા થોડા દિવસથી પૂજ્યની તબિયત નાદુરસ્ત હોવાથી તેમને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પરતું સારવાર મળતા તેમની નાજુક તબિયતમાં સુધારો આવ્યો છે અને હવે તેમની સ્થિતી સ્ટેબલ છે’ પરંતુ આજે તેઓનું નિધન થયું છે.
તેઓ પુષ્ટિમાર્ગીય પરંપરાનું ઊંડાણ પૂર્વક જ્ઞાન ધરાવતા હતા. પૂજ્ય વ્રજેશ કુમાર મહારાજ ચાર વેદ, સંસ્કૃત વ્યાકરણ સહિત પુષ્ટિમાર્ગના વિદ્વાન હતા. તેમણે કાંકરોલી પુષ્ટિમાર્ગ માટે ચારસો જેટલા સ્ત્રોતની પણ રચના કરી હતી. 2009માં ભારત સરકારે બ્રમર્ષિ એવોર્ડથી સન્માનીત કર્યા હતા.
પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે દુ:ખની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી
પૂ. ગોસ્વામી 108 વ્રજેશકુમારજી મહારાજના વૈકુંઠગમનના દુ:ખદ સમાચાર મળતા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે દુ:ખની લાગણી વ્યકત કરી છે. ઇશ્વર એમનાં દિવંગત પુણ્યાત્માને શાંતિ પ્રદાન કરે અને એમનાં પરમભક્તોને આ દુ:ખ સહન કરવાની શક્તિ અર્પે એવી હરિનાં ચરણોમાં પ્રાર્થના. સમગ્ર વૈષ્ણવ સંપ્રદાય પર એમનાં આશીર્વાદ સદાય વરસતા જ રહેશે. તેમ તેઓએ જણાવ્યું છે.