- લંડનના લાડુમાં ધામેચા પરિવારે દાતા બની મેળવ્યુ મહાપુણ્ય: દિકરીઓને 65થી વધુ જીવન જરૂરી વસ્તુઓ કરીયાવરરૂપે અપાઇ
- સાંસદ રામભાઇ મોકરીયા, પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા, મેયર ડો.પ્રદિપ ડવ સહિતના મહાનુભાવોએ આપ્યો આશિર્વાદ
રાજકોટ નિ.લી.પૂ.પા.ગો.શ્રી વ્રજભૂષણલાલજી મહારાજની પ્રાગટ્ય ઉત્સવના ઉપલક્ષ્યમાં શ્રીવ્રજભૂષણલાલજી મહારાજશ્રી પુષ્ટીમાર્ગીય ઉત્સવ સમિતિ રાજકોટ તથા લાડુમા ધામેચા પરિવાર લંડનના સહયોગથી વૈષ્ણવ સમૂહ લગ્ન સમારોહનું ‘વ્રજરજ’ પાર્ટી પ્લોટ ખાતે જાજરમાન આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી ગરીબ, જરૂરીયાતમંદ 30 દિકરીઓના સમૂહ લગ્ન યોજાયા હતા.
આ શુભ અવસરે પૂ.પા.ગો.શ્રી વલ્લભરાયજી મહોદયથી ખાસ ઉપસ્થિત રહી તમામ દિકરીઓને આર્શિવાદ પાઠવ્યા હતા. સમિતિ દ્વારા યોજાયેલ શુભ સમૂહ લગ્નોત્સવમાં પૂર્વ કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા, સાંસદ રામભાઇ મોકરીયા, ભાજપ અગ્રણી ભરતભાઇ બોઘરા, મેયર ડો.પ્રદિપ ડવ, હરીશભાઇ લાખાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી દિકરીઓને આર્શિવચન પાઠવ્યા હતા. શ્રીવ્રજભૂષણલાલજી મહારાજશ્રી પુષ્ટીમાર્ગીય ઉત્સવ સમિતિ દ્વારા તમામ મહાનુભાવોને શાલ ઓઢાડી સન્માનીત કરવામાં આવ્યા હતા. દિકરીઓને સોનાના ખડક, સોનાની બુટી, વીંટી, કબાટ, પલંગ સહિતની 60 થી વધુ વસ્તુઓ કરીયાવરરૂપે આપવામાં આવેલ. સમિતિ દ્વારા જાજરમાન ભવ્ય સમૂહ લગ્નમાં કોઇપણ પ્રકારની અગવળતા ન પડે તે પ્રકારની તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
સામાજીક જવાબદારી સ્વરૂપે સમૂહ લગ્નોત્સવનું આયોજન કર્યું: સંજય સાવલીયા
‘અબતક’ સાથેની વાતચીતમાં વ્રજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લી.ના સંજય સાવલીયાએ જણાવ્યું હતું કે અમે આ વખતે ત્રીજી વખત સમૂહ લગ્ન કરી રહ્યા છીએ. વૈષ્ણવ સંપ્રદાયમાં જે નાના માણસો, નાના ઘરના દિકરા-દિકરીઓ માટે સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ. જેમાં અમે સર્વ જ્ઞાતિના દિકરી-દિકરાઓના લગ્ન કરી રહ્યા છીએ. અમે દિકરીઓને જરૂરીયાતની તમામ વસ્તુઓ અંદાજે 65થી વધુ વસ્તુઓ કરિયાવર સ્વરૂપે આપીએ છીએ. અમે 2100 રૂપિયા ફી લીધી હતી. જે અમે લગ્ન પૂર્ણ થતા પરત આપેલ. સૌરાષ્ટ્ર-ગુજરાતમાં પહેલા સમૂહ લગ્ન એવા હશે કે કોઇપણ પ્રકારનું ડોનેશન લેતા નથી. અમે કરિયાવમાં સેટી, કબાટ, કીચન વેરની તમામ આઇટમો સહિતની વસ્તુઓ આપી છે. અમે ફક્ત રાજકોટની જ દીકરીઓ નહીં સૌરાષ્ટ્ર-કચ્છમાંથી દિકરીઓના લગ્ન યોજાઇ રહ્યા છે. મહાનુભાવો ઉપસ્થિત રહી તમામ 30 દિકરીઓને આર્શિવચન પાઠવેલ. સૌરાષ્ટ્ર-કચ્છમાંથી મહાનુભાવો અમારા શુભ પ્રસંગે ઉપસ્થિત રહ્યા. અમને આવો વિચાર એટલે આવેલ કે વ્રજઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લી.ના સૌરાષ્ટ્રના 6 સીટીમાં પ્રેઝશન્સ છીએ. અમારો રીયલ એસ્ટેટનો બિઝનેસ છે તો અમારી સોશ્યલ રિસ્પોન્સબીલીટી હોય તેના ભાગરૂપે સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરેલ.
પ્રભુની કૃપાથી સુંદર રીતે સમૂહ લગ્ન સંપન્ન થયા: શ્રી વલ્લભરાયજી મહોદય
‘અબતક’ સાથેની વાતચીતમાં શ્રીવલ્લભરાયજી મહોદયએ જણાવ્યું હતું કે શ્રીવ્રજભૂષણલાલજી મહારાજ ઉત્સવ સમિતિ દ્વારા ત્રીજી વખત ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું છે. દિકરીઓ આર્શિવાદ આપવા આવેલ. આ સમિતિના અધ્યક્ષ તરીકે મેં સમૂહ લગ્નમાં હાજરી આપી છે. વૈષ્ણવ સમાજ સંપ્રદાય તરફથી આ એક ધાર્મિક કાર્યક્રમ તેમાં પણ સામાજીક એમ બંને મળી વૈષ્ણવ સમૂહ લગ્નનું આયોજન કરાયું છે. વૈષ્ણવ સમૂહ લગ્નમાં તમામ સમાજ જોડાયા છે. ખૂબ જ આનંદ પૂર્વક સમૂહ લગ્ન સંપન્ન થયેલ છે. સમિતિના બધા જ પદાધિકારીઓ સનિષ્ઠ છે. ભવિષ્યમાં આ પ્રકારના શુભ કાર્યો કરી. સાંપ્રદાયિક રીતે અને સામાજીક રીતે લોકોને લાભ મળે તેવા શ્રીવ્રજભૂષણલાલજી મહારાજ ઉત્સવ સમિતિ પ્રયત્નો કરશે. પ્રભુની કૃપાથી ખૂબ જ સુંદર રીતે સમૂહ લગ્ન સંપન્ન થયો છે. ઘણા બધા સમાજ દ્વારા સમૂહ લગ્ન થાય છે. પરંતુ તેમાં ધાર્મિક પણુ હોય કોઇ એક સંપ્રદાયના અનુયાયિ સાથે મળી કરે ત્યારે તેમાં ધાર્મિક સ્વરૂપ આવે તે જ રીતે આજે વિવાહ સંપન્ન થયા.
મારી ઇચ્છા હતી કે મારા દિકરાના લગ્ન પૂર્વે સમૂહ લગ્ન યોજાઈ: પ્રદિપભાઇ ધામેચા
‘અબતક’ સાથેની વાતચીતમાં લંડનથી આવેલ દાતાશ્રી પ્રદિપભાઇ ધામેચાએ જણાવ્યું હતું કે મને ખૂબ જ આનંદ થાય છે કે અમારા પરિવારને આ સમૂહ લગ્નમાં ઉપસ્થિત રહેવાનો લ્હાવો મળ્યો. આજે હું ઉ5સ્થિત રહ્યો તેના બે-ત્રણ કારણો છે. મારા દિકરાના લગ્ન છે. મારી ઇચ્છા હતી કે તેના લગ્ન થાય તે પહેલા સમૂહ લગ્ન કરીએ. અમે જે.જે.શ્રી સાથે વાત કરી ત્યારે તેઓએ કહ્યુ કે રાજકોટમાં સમૂહ લગ્નનું આયોજન કરીએ. તેઓની પ્રેરણાથી સમૂહ લગ્ન યોજાયા છે. અમારા પરિવાર દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. અહિંયા ગૌશાળામાં એજ્યુકેશન ક્ષેત્ર સહિતના અનેકવિધ ક્ષેત્રમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ છીએ. મારા પિતાજી છેલ્લા 30 વર્ષથી છ મહિના ભારતમાં છ મહિના લંડનમાં રહી પ્રવૃત્તિ કરતા ત્યાંથી તેઓએ પાયો નાખેલ અને અમે તે વારસો જાળવી રાખ્યો છે અને આગળ પણ જાળવી રાખીશું.
ઘણા પરિવારો લગ્ન નથી કરી શકતા ત્યારે આવા સમૂહ લગ્ન યોજાય તો તેઓને મદદરૂપ થઇ શકીએ તે ઘણું મહત્વનું કાર્ય કર્યુ ગણાય.
સાવલીયા ગ્રુપને સમૂહ લગ્નના આયોજન બદલ અભિનંદન પાઠવું છું: હરિશભાઇ લાખાણી
‘અબતક’ સાથેની વાતચીતમાં ડીએમએલ ગ્રુપના ચેરમેન હરિશભાઇ લાખાણીએ જણાવ્યું હતું કે મને ખૂબ જ આનંદ થાય છે કે દિકરીઓના જાજરમાન ભવ્ય સમૂહ લગ્ન યોજાઇ રહ્યા છે. 30 દિકરીઓ એક સાથે પ્રભુતામાં પગલાં પાડશે ગૌરવની વાત છે. ઘણા એશોશીએશન, સંસ્થાઓ, સમૂહ લગ્ન કરે જ છે. આજે સાવલીયા ગ્રુપએ ભવ્યાતિભવ્ય સમૂહ લગ્નનું આયોજન કર્યું છે. તેઓને ખૂબ અભિનંદન પાઠવું લંડનના લાડમા ધામેચા પરિવાર દ્વારા દાન આપવામાં આવ્યુ અને તેમાં પ્રદિપભાઇ પણ ઉપસ્થિત રહ્યા હતા. આવી જ રીતે શુભ કાર્યો થવા જોઇએ.
અમારી સ્વયંસેવકોની ટીમ દ્વારા તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી: મનસુખભાઇ સાવલીયા
‘અબતક’ સાથેની વાતચીતમાં સમૂહ લગ્નોત્સવના આયોજક મનસુખભાઇ સાવલીયાએ જણાવ્યું હતું કે અમે ત્રીજી વખત ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરેલ છે. વૈષ્ણવ સમૂહ લગ્ન છે. જેમાં દરેક જ્ઞાતિની દિકરીઓના લગ્ન યોજાઇ રહ્યા છે. અમારા સ્વયંસેવકોની ટીમ દ્વારા તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અમારા આ શુભ પ્રસંગે વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ મહાનુભાવો ઉ5સ્થિત રહ્યા છે. અમે તેઓનું સન્માન કર્યું છે. અમે આ વર્ષે 30 દિકરીઓના લગ્ન યોજાયે. અમે 30 જ દિકરીના લગ્ન કરતા તેવું નક્કી નથી કરેલ જો 50 દિકરી થાય તો 50 ના લગ્ન કરીશું. આ વખતે પણ 42 લગ્ન માટે 27 સ્ટેશન થયેલ. અગાઉ અમે 6 ફેબ્રુઆરીના રોજ સમૂહ લગ્નોત્સવ યોજાવાના હતા. પરંતુ ત્યારે કોરોનાની મહામારીના કારણે યોજી શક્યા ન હતા. તેથી ઘણી દિકરીઓના લગ્ન થઇ ગયા અને 30 દિકરીઓના અમે લગ્ન કરાવ્યાં.
ભવ્ય લગ્નનું સપનુ સાવલીયા ગ્રુપ દ્વારા પુરૂ થયું: રાણપરિયા સગુણા
‘અબતક’ સાથેની વાતચીતમાં દિકરી રાણપરિયા સગુણાએ જણાવ્યું હતું કે મારૂ સપનું હતું કે ભવ્ય લગ્ન થાય. તે પ્રકારે આજે લગ્ન થઇ રહ્યા છે. ઘણા પરિવારો એવા છે જે ઘરે લગ્ન નથી કરી શકતા. દિકરીઓને કરિયાવર નથી આપી શકતા. સમૂહ લગ્નમાં દિકરીના જાજરમાન લગ્ન સાથે કરિયાવર આપવામાં આવે છે. હું આયોજકોનો ખૂબ જ આભાર માનું છું. ખૂબ જ સુંદર આયોજન વ્યવસ્થા અમારા પરિવાર સગા-સંબંધી માટે કરવામાં આવી છે. આવા સમૂહ લગ્ન થવા જ જોઇએ. તેવું હું માનું છું.
જાજરમાન માહોલમાં દિકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા: જયેશ રાદડિયા
‘અબતક’ સાથેની વાતચીતમાં પૂર્વ કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયાએ જણાવ્યું હતું કે હું વૈષ્ણવ સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહ્યો છું. ખૂબ જ જાજરમાન માહોલમાં 30 દિકરીઓના સમૂહ લગ્ન થઇ રહ્યા છે. આવનાર દિવસોમાં આવા શુભ કાર્યો થવા જ જોઇએ. જેથી દરેક સમાજની દિકરીઓને એવું ન લાગે કે આપણે નબળા પરિવારમાંથી આવીએ છીએ. ઘણાં બધા સંસ્થાઓ, એશોશીએશન દ્વારા આવા શુભ સારા કાર્યો કરવામાં આવે છે.
‘અબતક’ ચેનલ અને ડિજીટલ માધ્યમથી વૈષ્ણવ સમૂહ લગ્નોત્સવને હજારો લોકોએ નિહાળ્યો
શ્રીવ્રજભૂષણલાલજી મહારાજશ્રી પુષ્ટીમાર્ગીય ઉત્સવ સમિતિ રાજકોટ તથા લાડુમા ધામેચા પરીવાર લંડનના સહયોગથી વૈષ્ણવ સમૂહ લગ્નોત્સવનું ‘અબતક’ ચેનલ અને ડિજીટલ પ્લેટફોર્મ પર લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ લાઇવ લગ્નોત્સવને હજારો લોકોએ માણ્યો હતો.