ઉપપ્રમુખ પદે પાર્થ ગણાત્રા, સેક્રેટરી પદે નૌતમ બારસીયા, જોઇન્ટ સેક્રેટરી તરીકે ઉત્કર્ષ દોશી અને ખજાનચી તરીકે વિનોદભાઇ કાછડીયાની નિમણુંક
અબતક, રાજકોટ
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની ચૂંટણી સમરસ બની છે. વી.પી.વૈષ્ણવની 24 સભ્યોની કારોબારી સમિતિ બિનહરીફ જાહેર થયા બાદ આજે વર્ષ-2022થી 2025 સુધીની ત્રણ વર્ષની ટર્મ માટે આજે પાંચ હોદ્ેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં ફરી એક વખત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખનો તાજ વી.પી.વૈષ્ણવના શીરે મુકવામાં આવ્યો છે. ઉપપ્રમુખ પદે પાર્થ ગણાત્રા, સેક્રેટરી પદે નૌતમ બારસીયા, જોઇન્ટ સેક્રેટરી તરીકે ઉત્કર્ષ દોશી અને ખજાનચી તરીકે વિનોદભાઇ કાછડીયાની નિમણુંક કરવામાં આવી છે.
આજે બપોરે યોજાયેલી હોદ્ેદારોની વરણી સમારોહમાં સૌપ્રથમ ચેમ્બર ઓફ કોમર્સના તમામ ડિરેક્ટરોએ શપથ ગ્રહણ કર્યા હતા. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પદે વધુ એકવાર વી.પી.વૈષ્ણવની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે પાર્થ ગણાત્રાની સર્વનામતે નિમણૂંક કરવામાં આવી છે. સેક્રેટરીની પસંદગીનો કળશ નૌતમભાઇ બારસીયા પર ઢોળવામાં આવ્યો છે. જ્યારે જોઇન્ટ સેક્રેટરી તરીકે ઉત્કર્ષ દોશી અને ખજાનચી તરીકે વિનોદભાઇ કાછડીયાની વરણી કરવામાં આવી હતી.
હોદ્ેદારો અને ડિરેક્ટરોની શપથવિધી સમારોહમાં આર્ષ વિદ્યામંદિર મુંજકાના પરમાત્માનંદજી સ્વામી, મેયર ડો.પ્રદિપ ડવ, જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઇ બોદર, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, માર્કેટીંગ યાર્ડના ચેરમેન જયેશ બોઘરા, રાજકોટ બિલ્ડર એસોસિએશનના પ્રમુખ પરેશ ગજેરા ઉપરાંત રમણીકભાઇ જસાણી, હિતેષભાઇ બગડાઇ, આર.એમ.વારોતરીયા, સુનિલભાઇ શાહ, રામભાઇ બરછા, પરસોત્તમભાઇ પીપળીયા, મુકેશભાઇ દોશી, જીતુભાઇ ચા વાળા, જયેશ ઉપાધ્યાય સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. નવ નિયુક્ત હોદ્ેદારોએ વેપારીના પ્રશ્ર્ને સતત સક્રિય રીતે ઉકેલવાની ખાતરી આપી હતી. હોદ્ેદારોને શુભેચ્છા પાઠવવા માટે જનશૈલાબ ઉમટી પડ્યો હતો.
વેપારી અને ઉદ્યોગકારોના પ્રશ્ર્નોની ‘કડી’ તરીકે કામ કરશે ચેમ્બર ઓફ કોમર્સ: વી.પી વૈષ્ણવ
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના નવનિયુક્ત પ્રેસિડન્ટ વી.પી વૈષ્ણવે માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યની વિધાનસભા ચૂંટણીને આડે હવે માત્ર આઠ માસનો સમય બાકી રહ્યો છે, ત્યારે ચેમ્બર ઓફ કોમર્સ વેપારી અને ઉદ્યોગકારો ના પ્રશ્નો ની કઢી તરીકે કામ કરશે અને જરૂર લાગ્યે તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં પણ પ્રશ્નોની રજૂઆત કરશે. રાજકોટ ચેમ્બર ઓફ એસોસિએશન નું માળખું મજબૂત બને તે માટે ફેડરેશનની રચના કરવા માટે પણ વ્યાપારીઓને માંગ કરી. હવે ઉમેર્યું હતું કે હાલ રાજ્યમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જે માંગણીઓ કરવામાં આવે છે તે પૈકી પાંચથી દસ ટકા માગણીઓ સ્વીકારાઈ છે જેથી આગામી સમયમાં આ આંકડો વધે તે દિશામાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ કાર્ય કરશે.