વાયબ્રન્ટ પેનલના તમામ ૨૩ ઉમેદવારો તોતીંગ લીડ સાથે બન્યાં વિજેતા: મહાજન પેનલમાંથી એકમાત્ર નરેશભાઇ શેઠની જીત: ચેમ્બરના નવા પ્રમુખ બનશે વી.પી.વૈષ્ણવ
શહેરની પ્રતિષ્ઠીત મહાજન સંસ્થા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રતિષ્ઠાભર્યા ચૂંટણી જંગમાં વી.પી.વૈષ્ણવની વાઈબ્રન્ટ પેનલનો વિજય વાવટો શાન સાથે લહેરાયો છે. વાયબ્રન્ટ પેનલના તમામ ૨૩ ઉમેદવારો તોતીંગ લીડ સાથે વિજેતા બન્યા હતા જયારે મહાજન પેનલનો એકમાત્ર ઉમેદવાર નરેશભાઈ શાહની જીત થઈ હતી. વાયબ્રન્ટ પેનલને જીત બાદ ભવ્ય વિજયોત્સવ મનાવ્યો હતો. ચેમ્બરના નવા પ્રમુખનો તાજ હવે વી.પી.વૈષ્ણવના શીરે મુકાશે તે ફાઈનલ મનાઈ રહ્યું છે.
ગઈકાલે યોજાયેલી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝની મધ્યસ્થ ચૂંટણીમાં ૬૭ ટકા જેટલું તોતીંગ મતદાન થયું હતું. ચૂંટણી પૂર્વે જ વી.પી.વૈષ્ણવની શાનદાર જીત નિશ્ચિત માનવામાં આવતી હતી. આજે સવારથી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ખાતે હાથ ધરવામાં આવેલ મત ગણતરીમાં પ્રથમ રાઉન્ડથી જ વી.પી.વૈષ્ણવની વાયબ્રન્ટ પેનલના તમામ ઉમેદવારો તોતીંગ લીડ સાથે આગળ ચાલી રહ્યાં હતા.
ચેમ્બરના ૨૪ કારોબારી સભ્યોની ચૂંટણી માટે વી.પી.વૈષ્ણવ પ્રેરીત વાઈબ્રન્ટ પેનલે ૨૩ ઉમેદવારો જયારે પૂર્વ પ્રમુખ સમીર શાહ પ્રેરીત મહાજન પેનલે ૧૧ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા જયારે અન્ય એક અપક્ષ ઉમેદવાર પણ મેદાનમાં હતો. આજે મત ગણતરીમાં વી.પી.વૈષ્ણવ પ્રેરીત વાયબ્રન્ટ પેનલના ઉમેદવાર વી.પી.વૈષ્ણવ ઉપરાંત અમૃતભાઈ ગઢીયા, અતુલભાઈ કમાણી, ભાષ્કરભાઈ જોષી, બ્રિજેનભાઈ કોટક, ચિરાગભાઈ ગાધેશા, ધિરેનભાઈ શંખારવા, દિપકભાઈ પોબારૂ, ગીરીશભાઈ પરમાર, હિતેશભાઈ જસાણી, જગદીશભાઈ અકબરી, કિશોરભાઈ રૂપાપરા, પુમનલાલ વરસાણી, મનોજભાઈ ઉનડકટ, મયુરભાઈ આદેસરા, નૌતનભાઈ બારસીયા, નિલેશભાઈ ભલાણી, પાર્થિવકુમાર ગણાત્રા, રાજેશભાઈ કોટક, સમીરભાઈ વેકરીયા, શિવલાલભાઈ પટેલ, ઉત્સવભાઈ દાેશી અને વિનોદભાઈ કાછડીયા સહિત વાયબ્રન્ટ પેનલના તમામ ૨૩ ઉમેદવારો તોતીંગ લીડ સાથે વિજેતા બન્યા હતા. જયારે સામાપક્ષે સમીરભાઈ શાહ પ્રેરીત મહાજન પેનલમાંથી એકમાત્ર નરેશભાઈ શેઠ વિજેતા બન્યા હતા.
આગામી દિવસોમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના નવા હોદ્દેદારોની વરણી માટે કારોબારી
બેઠક મળશે જેમાં પ્રમુખ સહિતના હોદ્દેદારોની નિયુક્તિ કરવામાં આવશે. ચેમ્બર ઓફ કોમર્સના
નવા પ્રમુખ તરીકે વી.પી.વૈષ્ણવનું નામ
ફાઈનલ માનવામાં આવી રહ્યું છે. ચેમ્બરની ચૂંટણી
પૂર્વે જ વી.પી.વૈષ્ણવે સ્વબળે ૨૦૦૦ જેટલા સભ્યો નવા ઉમેર્યા હતા.