૨૦૧૯ લોકસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ…
છત્તીસગઢમાં ૧૮ ક્ષેત્રોમાં ૧૧ વાગ્યા સુધીમાં ૧૫ ટકા મતદાન: ૪૦ બુથ હાઇપર સેન્સીટીવ : લોકતંત્રના મહાપર્વમાં ઉત્સાહભેર મતદાન કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ
છત્તીસગઢમાં મતદાનના પ્રથમ તબકકાનો પ્રારંભ થઈ ચૂકયો છે. જેમાં ચૂંટણી પહેલા જ નકસલીઓ સક્રિય થઈ ચૂકયા હતા. ત્યારે એક પછી એક સાત વિસ્ફોટને અંજામ આપવામાં આવ્યો હતો. જેમાં એક જવાન શહિદ થયો હતો. આતંકના ઓછાયા તળે શરૂ થયેલી ચૂંટણીમાં ભારે સુરક્ષા તૈનાત કરવામાં આવી છે. ત્યારે આજના મતદાનની ટકાવારી ઉપર સૌ કોઈની નજર રહેશે.
મતદાનના ૪૦ બુથોને હાઈપર સેન્સીટીવ જાહેર કરાયા છે. ચૂંટણી અગાઉ થયેલા વિસ્ફોટમાં એક જવાન શહિદ થયો હતો. વિસ્ફોટને કારણે રાજયમાં નકસલ પ્રભાવિત વિસ્તારોમાં ભયનો માહોલ છે તેમ છતાં લોકો મતદાન કરે તેવી આશા સાથે પ્રથમ તબકકાની શરૂઆત થઈ ચૂકી છે. જે બુથ નકસલી વિસ્તારો પાસે આવેલા છે ત્યાં કડક સુરક્ષાનો પ્રબંધ કરાયો છે. આઠ જિલ્લાની ૧૮ સીટોના મતદાનમાં ભાજપના ૪૯, કોંગ્રેસના ૩૯ અને બીએસપીના ૧૦ તેમજ અન્યના ૧ ઉમેદવાર ચૂંટણી લડી રહ્યાં છે. ત્યારે નકસલી વિસ્ફોટો અને ભયના માહોલ વચ્ચે સજ્જડ સુરક્ષા-વ્યવસ્થા માટે ૬૫,૦૦૦ પોલીસ કર્મીઓ અને રાજય પોલીસના ૨૦૦ સુરક્ષા જવાનો ખડેપગે ફરજ બજાવી રહ્યાં છે.
ચૂંટણી માટે ૩૧ લાખ મતદારો છે જેમાં ૧૬ લાખ મહિલાઓ અને ૮૯ થર્ડ જેન્ડરના લોકો છે. ત્યારે મતદાન માટે ૪૩૩૬ મતદાન કેન્દ્રો રાખવામાં આવ્યા છે. ૧૮ સીટોમાંથી એસટી માટે ૧૨ અને એસસી માટે ૧ સીટનું આરંક્ષણ રાખવામાં આવ્યું છે. મોહલા-મનપુર, અનંતગઢ, ભાનુપ્રતાપપુર, કંકેર, કેશકલ, કોંડાગાવ, નારણપુર, દાંતેવાડા, બિજાપુર અને કોન્ટામાં સવારે ૭ વાગ્યાથી ૩ વાગ્યા સુધી મતદાન ચાલશે.
જયારે ખેરગઢ, ડોંગરાગઢ, રાજનંદગાવ, દોગરાગાવ, ખુજ્જી, બસ્તર, જદલપુર અને ચિત્રકોટમાં મતદાનનો સમય સવારના ૮ થી સાંજના ૫ વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે. કોન્ટાના ૪૦ મતદાન કેન્દ્રોને હાઈપર સેન્સીટીવ ઝોનમાં રખાતા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.
છેલ્લા ૧૫ દિવસમાં નકસલી હુમલામાં ૧૩ લોકોના મોત થયા છે. જેમાં નકસલીઓએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હોવાથી નકસલ પ્રભાવીત વિસ્તારમાં ઓછા મતદાનની શકયતા છે. જેવી રીતે શ્રીનગરમાં ચૂંટણી યોજાતા લોકો મતદાન કરવાને બદલે ઘરમાં પુરાઈ રહેવાનું પસંદ કરી રહ્યાં હતા તેવી સ્થિતિ છત્તીસગઢના મતદાનમાં જોવા મળી શકે છે. ત્યારે કહી શકાય કે આ ચૂંટણીમાં ન્યુટન ફિલ્મ જેવા દ્રશ્યો નજરે પડે. જેમાં લોકો જીવના જોખમે મતદાન કરવા પહોંચે છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજનંદગાવની કમલા કોલેજના મતદાન કેન્દ્રમાં ટેકનીકલ ખામીને કારણે પીંક પોલીંગ બુથ બંધ થયું છે. નકસલીઓના ટોળા પર કાબુ મેળવવા ડ્રોનથી બાજ નજર રાખવામાં આવી રહી છે.
આ ચૂંટણી અંગે વડાપ્રધાન મોદીએ મતદારોને મતદાન કરવાની અપીલ કરી છે. મતદાનમાં સુકામાના દ્રોનાપાલ નામના ૧૦૦ વર્ષીય મહિલા મતદાર પોતાનો મત આપવા પહોંચ્યા છે. છત્તીસગઢના બીજા તબકકાનો પ્રારંભ ૨૦મી નવેમ્બરે થનાર છે અને ૧૧મી ડિસેમ્બરના રોજ મતની ગણતરી થશે. છત્તીસગઢમાં મતદાન પહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતાએ પાર્ટી છોડી
છત્તીસગઢ કોંગ્રેસના ઉપાધ્યક્ષ ઘનારામ શાહુએ રવિવારે પાર્ટીમાંથી રાજીનામુ આપ્યું છે. તેથી કોંગ્રેસને ચૂંટણી પહેલા મોટો ઝટકો મળ્યો છે. શાહુએ જણાવ્યું હતું કે, અંદરો-અંદર મતભેદને લીધે રાજયના અધ્યક્ષ ભુપેશ બઘેલને લીધે તેમનું માનસીક સંતુલન ખોરવાઈ રહ્યું છે.
શાહુએ આરોપ લગાવ્યો હતો કે, પાર્ટી પદાધિકારી હોવા છતાં કોંગ્રેસના કાર્યક્રમોમાં તેમને કોઈપણ ભૂમિકા આપવામાં આવતી ન હતી. તેમણે કોંગ્રેસ માટે પોતાના યોગદાનને ગણાવતા પાર્ટીની સતત ટીકા કરી હતી. માટે તેઓ હવે ઉપાધ્યક્ષ પદેથી રાજીનામુ જાહેર કરી રહ્યાં છે. એક તરફ નકસલી ઓછાયા તળે મતદારોની સંખ્યામાં અછત સર્જાઈ શકે છે ત્યારે કોંગ્રેસના ઉપાધ્યક્ષ ઘનારામ શાહુએ રાજીનામુ જાહેર કરતા કોંગ્રેસને મોટો ઝાટકો લાગ્યો છે.
રાજયની ચૂંટણીમાં કોંગ્રેસ માટે અન્ય ઝટકો એ પણ છે કે, તેઓ બહુજન સમાજ પાર્ટી સાથેના ગઠબંધનમાં નિષ્ફળ રહ્યું છે. આ અંગે બીએસપીના અજીત જોગીએ કહ્યું કે, તેઓ રાજયના આવનાર મુખ્યમંત્રી રહેશે. ત્યારે માયાવતી પીએમ પદ સંભાળશે. જો કે, આ તકે કંઈ પણ કહેવું કોંગ્રેસ તેમજ બીએસપીને જોખમભર્યું સાબીત થઈ શકે છે. પરંતુ કહી શકાય કે ‘ખ્વાબ અચ્છા હૈ !!!’