- પરિવાર બહાર ગયો અને તસ્કરો ત્રાટકયા: 31 તોલા સોના સહિતની મતા ઉઠાવી ફરાર
રાજકોટ શહેરમાં વધુ એક ચોરીનો બનાવ સામે આવ્યો છે. શહેરની સંજય વાટિકા સોસાયટીણાં રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટક્યાં હતા. તસ્કરોએ રહેણાંક મકાનમાંથી 31 તોલા સોના સહીતની કુલ રૂ. 13.25 લાખની ચોરીને અંજામ આપતાં યુનિવર્સીટી પોલીસ દોડતી થઇ છે. હાલ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગત અનુસાર શહેરની નીલસીટી ક્લબ પાસે આવેલી સંજય વાટિકા સોસાયટી શેરી નંબર 7માં આવેલ શીતલબેન મનોજભાઈ સાણથરાના રહેણાંક મકાન ’મહાદેવ હાઉસ’, બ્લોક નંબર 85માં તસ્કરો ત્રાટક્યાં હતા. આ પરિવાર કોઈક કારણોસર બહાર ગયો હતો તે દરમિયાન જ તસ્કરો હાથ ફેરો કરી લીધાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ તસ્કરોએ દીવાલ કૂદી અને બાલકનીનું શટ્ટર ખોલી ઘરમાં પ્રવેશ કર્યો હતો. મુખ્ય રૂમનું તાળું તોડી અંદર પ્રવેશ મેળવી તસ્કરોએ કબાટના તાળા તોડી કબાટમાં રાખેલ સોનાના દાગીના કુલ 31 તોલાની ચોરી કરી હતી. તેમજ રૂ. 85000 ની રોકડ રકમ મળી કુલ રૂ. 13,25,000ની ચોરીને અંજામ આપી તસ્કરો નાસી છૂટ્યા છે. ઘટનાની જાણ થતાં યુનિવર્સીટી પોલીસના પીઆઈ સી એચ જાદવ સહીતના અધિકારી-કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી ગયાં હતા. હાલ પોલીસે આ મામલે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુન્હો દાખલ કરી ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
જાણભેદુની સંડોવણીની આશંકા
જે રીતે પરીવાર બહાર ગયો અને તસ્કરોએ પાછળથી હાથફેરો કરી લેતા અનેક તક-વિતર્ક ઉદભવ્યા છે. પરીવાર બહાર ગયો હતો તે જ દરમિયાન તસ્કરો ત્રાટક્યાં હતા ત્યારે કોઈ જાણભેદુંની જ સંડોવણી હોય તેવી પ્રબળ શક્યતા છે. જેથી પોલીસે અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી સહિતની ચકાસણી હાથ ધરી છે.