ભારત લોકશાહી દેશ છે એ સાબિત કરતું સૌથી અગત્ય અને મહત્વનું લોકશાહી પર્વ એટલે ચૂંટણીપર્વ. પુખ્તવયમાં પ્રવેશ મેળવ્યા પછીની વધતી જવાબદારીમાં આ એક જવાબદારી પણ સામેલ છે. ભારતનો નાગરિક ૧૮ વર્ષનો થાય એટલે એને મળતા અધિકારોમાં દેશ પ્રત્યે જવાબદારી અને ફરજ બજાવવાનો અધિકાર એટલે મતાધિકાર.
આગામી લોકસભાચૂંટણીના વાદળો ગરજી રહ્યા છે ત્યારે દેશનો દરેક નાગરિક ઉત્સુક છે મતદાનના પોતાના અધિકારનો ઉપયોગ કરવા માટે. આપણો એક એક મત દેશની લગામ કોના હાથમાં જશે એ નક્કી કરે છે. જ્યારે એક એક મતનું આટલું મહત્વ હોય ત્યારે આપણાં થકી થતું મતદાન વ્યર્થ ન જાય એ જવાબદારી પણ આપણી જ છે. ઉમેદવારની પસંદગી બાબતે ગંભીરતાથી વિચાર્યા બાદ મતદાન કરવું અતિ આવશ્યક છે.
ઉમેદવારો બાબતે હંમેશ કેટલાક પ્રશ્નો કાયમ રહ્યા છે. બદલાતા સમય સાથે રાજકારણમાં પ્રવેશ મેળવવા માટેની લાયકાત પરિવર્તન માંગે છે એવો એક અવાજ ઠેરઠેર છે. વર્ષોથી મતદાન કરી રહેલા વડીલ નાગરિકો પોતાના મત અને અભિપ્રાય જે-તે પક્ષ માટે બનાવી ચુકી હોય એ માનવા જોગ વાત છે પરંતુ નવી પેઢી ચૂંટણીને બહુ ગંભીરતાથી લે છે. મતદાન એ એમના માટે બહુ મોટી જવાબદારી છે જેને અત્યંત સમજણ પૂર્વક નિભાવવી જોઈએ એવું એ સ્પષ્ટ માને છે.
આ વખતની ચૂંટણીમાં સૌ પ્રથમ વખત મતદાન કરી રહેલા દોઢ કરોડ યુવા મતદાતાઓ પોતાના મત બાબત કેવા મુદ્દાઓ રજૂ કરે છે એ વિશે ’ચિત્રલેખા’ એ લીધેલી એમની મુલાકાતો પરથી કેટલીક બાબતો સ્પષ્ટ થાય છે. યુવા મતદારો એવું માને છે કે મતદાન કોઈ રાજકીય પક્ષની વચનબાજીથી દોરવાયા વગર કરવું જરૂરી છે. ચૂંટણીમાં ઝંપલાવતો ઉમેદવાર યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતો હોવો જોઈએ.
જે દેશમાં સામાન્ય પટાવાળા માટે પણ એક શૈક્ષણિક લાયકાતના નિયમો છે ત્યાં આખો દેશ ચલાવનાર માટે આવા કોઈ જ નિયમ નહિ? વર્ષોથી એક કહેવત સાંભળીએ છીએ કે ’જેના કામ જે કરે’ એ મુજબ કોઈપણ પક્ષ પોતાના પ્રચાર,પ્રસાર અને સીટો વધારવા કોઈને પણ ટીકીટ આપી દે પછી એ સામાન્ય માણસ હોય, ખરડાયેલી છાપ ધરાવતા હોય કે પછી ફિલ્મ કે ટીવીના કલાકારો. આવા લોકોને ટીકીટ આપતાં પહેલાં એકવાર પણ એ વિચાર નહિ કરતા હોય કે આ લોકો સત્તા પર આવ્યા પછી શું કરશે? તો આજની યુવાપેઢી જેમના અભિનયથી અંજાઈ છે એ એમને અભિનયક્ષેત્રમાં જ જોવાનું પસંદ કરશે ,નહિ કે રાજકારણમાં.
યુવા મતદારો એવું પણ કહે છે કે એક આદર્શ સાંસદ કેવો હોવો જોઈએ એ વિશે એમના મગજમાં બહુ ક્લિયર વાત છે. આ મતદારો નવી સરકાર પાસેની પોતાની અપેક્ષા બાબતે પણ ખૂબ જ ક્લિયર છે. પોતપોતાના વિસ્તારની સમસ્યાને સમજે, એને ઉકેલવા માટે પોતાનું ભંડોળ ઉપયોગમાં લઈ લોકલ લોકોની સાથે સતત સંપર્ક બનાવી રાખે એવા સાંસદ પસંદ કરશે એવું એમનું કહેવું છે. સાથોસાથ ઉમેદવારે આપેલા વચનો પ્રત્યે એ કેટલા વફાદાર રહ્યા, કેટલા પ્રશ્નો ઉકેલ્યા અને પ્રજા એમના કામથી કેટલી સંતુષ્ટ છે એ તમામ પાસાનો અભ્યાસ કર્યા બાદ જ એ મતદાન કરશે. યુવાનો ઇચ્છે છે કે નવી સરકાર દેશની પ્રગતિ વધે, બેરોજગારી ઘટે,જીડીપી વધે,અને દેવુ વધાર્યા વગર દેશનો વિકાસ કરે એ જરૂરી છે.
આજની યુવાપેઢી કોઈ પ્રચાર કે ખોટા વચનો તરફ દોરવાયા વગર સ્વસ્થ ચર્ચાઓ કરીને ,વડીલોના પૂર્વગ્રહમાં આવ્યા વિના પોતે જે જોવે છે,સમજે છે એની સાથે જે બતાવાઈ રહ્યું છે એની સત્યતા પણ ચકાસી રહ્યા છે. ખોટી જાહેરાતો,ભ્રામક અફવાઓ કે સોશ્યલમીડિયાની ખોટી હો હા નો હિસ્સો બન્યા વગર શુદ્ધ બુદ્ધિ અને સંપૂર્ણ પાસાઓના અભ્યાસ પછી એ મતદાન કરવા અતિ ઉત્સાહી જણાઈ રહી છે. શિક્ષિત નવયુવાનો સમજણથી ભરપૂર છે સોશ્યલમીડિયા પર થતી ચર્ચાઓ, ફેક ન્યૂઝ, નેતાઓ દ્વારા હલકી ભાષાનો પ્રયોગ, કે પક્ષવાદ માં આવા યુવાનો આવતા નથી. એ કોઈ પક્ષને બદલે ઉમેદવારની લાયકાત અને સરખામણી કરી યોગ્ય ઉમેદવાર પસંદ કરશે પછી એ અપક્ષ પણ કેમ નથી?
ચૂંટણી જીતવા અને પોતાની સરકાર રચવા માટે પ્રજા પર સામ,દામ,દંડ,ભેદની તમામ નીતિઓ અપનાવાઇ રહી હોવાની ઘટનાઓ કઈ નવી નથી. ઉમેદવારો દ્વારા આપતા જૂઠા વચનો, પક્ષ પ્રત્યેની અન્ધભક્તિ ના લીધે થતા પ્રચારોમાં તથ્ય કેટલું? વચનપાલનની શકયતા કેટલી ? આપણો દેશ ધર્મનો દેશ છે. અહીં ધર્મના નામે મરાય પણ છે અને તરાય પણ છે, જીતાય પણ છે અને હરાય પણ છે. કોઈપણ પક્ષ ધર્મના મુદ્દે, પાણીના મુદ્દે,રોજગારીના,શિક્ષણના કે ઊંચા જીવનધોરણના મુદ્દે ત્યાં સુધી જ ટકી શકે જો એ આપેલ વચનો પાળી શકતા હોય. શિક્ષણના વિકાસ સાથે રોજગારીનો વિકાસ થાય, સામાન્ય પ્રજા પરનું ભારણ ઘટે, અને પ્રાથમિક જરૂરિયાતોને અગ્રતાક્રમ આપી એમાં સુધારા લાવી શકાય તો જ સરકાર દેશની પ્રગતિ કરી શકી છે એવું કહેવાય.
સામાન્ય પ્રજાને સરકાર કોઈપણની આવી પરંતુ પ્રાથમિક જરૂરિયાતોમાં ભારણ વધ્યું જ છે. ગેસ સિલિન્ડર હોય કે ટોલટેક્સ, શિક્ષણ હોય કે તબીબી જેવી સેવાઓ બધું જ મોંઘું થયું છે. સામાન્ય જનતાને સરકાર દ્વારા ચાલતા મોટા મોટા પ્રોજેકટમાં રસ નથી, હવે એ ચૂંટણી લડી રહેલા ટીવી કે સિનેમાના કલાકારોથી પણ અંજાતા નથી એમને જોઈએ છે સ્વસ્થ જીવનધોરણ જે સરકાર આપવામાં સફળ થઈ શકે એવા ઉમેદવારોને એ પોતાના પ્રતિનિધિ તરીકે જોવા માંગે છે.
ચૂંટણીપ્રચાર એ દેશનું સૌથી મોટું સરકારી ખર્ચ છે. અલગ અલગ નારાઓથી લઈને રેલીઓ,સભાઓ અને આ રીતે થતા પ્રચાર એ તો હવે જૂનું થયું . ડિજિટલ યુગના આ જમાનામાં જે-તે પક્ષ કે ઉમેદવાર આવા પ્રચાર પાછળ અ ધ ધ નાણું ખર્ચે છે. એક આંકડાકીય માહિતી મુજબ બીજેપી તરફી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજે પોલિટિકલ એડ્સ પાછળ ૪૬ લાખ રૂપિયાથી વધુ ખર્ચ્યા છે.
આવી જાહેરાત પ્રથમ વખત મતદાન કરવા જઈ રહેલી યુવાપેઢીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે કે તમારો મત દેશના વર્તમાન વડાપ્રધાનને આપજો. ફેસબુક અને ટ્વિટર જેવા જુદા જુદા મંચ પર આશરે ૮૦ કરોડ જેટલા ભારતીયો એકાઉન્ટ ધરાવે છે. વિશ્વમાં સૌથી વધુ ફેસબુક યુઝર્સ ભારતીયો છે આશરે ૩૦ કરોડ. આવા માધ્યમની કમાણી જોઈએ તો ફેસબુક વર્ષે પાંચસો કરોડ રૂપિયા કમાઈ લે છે ભારતની વાત કરીએ તો માત્ર માર્ચ મહિનામાં જ વિવિધ રાજકીય પક્ષોએ મળીને આશરે સાડા છ કરોડ રૂપિયા ફેસબુક પર જાહેરાત પાછળ ખર્ચ્યા છે.
કરોડો રૂપિયાનો ખર્ચ જેના પ્રચાર માટે થાય છે એ ખર્ચમાં આપણી મહેનતનો ભાગ પણ ક્યાંક લાગ્યો છે અને આપણી મહેનતનું,પરસેવાનું, અને આશાઓનું રોકાણ કર્યા પછી યોગ્ય ઉમેદવાર પસંદ કરવાની આપણને મળતા અધિકારનો બહુજ સમજદારીપૂર્વક ઉપયોગ કરી દેશના વિકાસ,પ્રગતિ અને સુખાકારી માટે યોગ્ય હોય એવા જ ઉમેદવારને પસંદ કરવા એ આપણી જવબદારી છે. જાતિ, જ્ઞાતિ, પક્ષ, ધર્મ, જરૂરિયાત…જેવા એકપણ ’વાદ’ને વચ્ચે લાવ્યા વગર દેશહિત માટે આપણે મતદાન કરશું એવી આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ.
મિરર ઇફેક્ટ :
જો નવી પેઢી સમયસર પોતાનો ઉમેદવાર ચૂંટવા બાબત સાચો નિર્ણય નહિ લે તો પ્રસિદ્ધ નાટ્યકાર-લેખક-પોલિટિકલ એક્ટિવિસ્ટ જ્યોર્જ બર્નાર્ડ શો ની એક જૂની ને જાણીતી ઉક્તિ , ’રાજકારણ એ દુષ્ટ લોકોનું છેલ્લું આશ્રયસ્થાન છે’ ખરેખર સાર્થક થશે.