તમામ ઉમેદવારો અને નેતાઓએ વહેલી સવારે મતદાન મથકે જઈ મતાધિકારનો ઉપયોગ કરી પોત પોતાની જીતનો દાવો કર્યો
રાજ્યની ૮ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં આજે મતદાન પ્રક્રિયા દરમિયાન વહેલી સવારે ૭ વાગ્યાથી મતદાન મથકો ઉપર મતદારો મતાધીકારનો ઉપયોગ કરવા ઉમટી પડ્યા હતા. આ સાથે તમામ ઉમેદવારોએ પણ મતદાન મથકે જઈને મતાધીકારનો ઉપયોગ કરી પોત પોતાની જીતના દાવા કર્યા અને પોતાની આસ્થાના સ્થળે જઈ દેવી-દેવતા સમક્ષ શિશ ઝુંકાવ્યા બાદ મતદાન કર્યું હતું.
વિધાનસભાની ૮ બેઠકો ખાલી થયા બાદ તેની પેટા ચૂંટણી જાહેર થઈ હતી. જેમાં આજે મતદાન પ્રક્રિયા યોજાઈ રહી છે. સવારે ૭ વાગ્યાથી શરૂ થયેલી મતદાનની પ્રક્રિયા સાંજે ૬ વાગ્યા સુધી ચાલવાની છે. વહેલી સવારથી જ મતદારો મતાધિકારનો ઉપયોગ કરવા મતદાન મથકોએ પહોંચ્યા હતા. હાલ કોરોનાની મહામારી ચાલી રહી હોય તમામ મતદાન મથકો ઉપર સેનીટાઈઝર અને થર્મલગનની વ્યવસ્થા ગોઠવીને તેને સુરક્ષીત કરવામાં આવ્યા હતા.
આજે મતદાન પ્રક્રિયામાં ધારી, મોરબી, અબડાસા, લીંબડી, કરજણ, ગઢડા, ડાંગ અને કપરાડા બેઠકના ઉમેદવારોએ વહેલી સવારે જ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ ઉપરાંત મતદાન બાદ તમામ ઉમેદવારોએ પોત પોતાની જીતના દાવા કર્યા હતા. આ પેટા ચૂંટણીનું પરિણામ આગામી ૧૦મીએ જાહેર થનાર છે. હાલ તમામ ઉમેદવારો પોતાની જીતના દાવા કરી રહ્યાં છે જેથી ભરેલા નાળીયેર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. ગઈકાલે રાજ્યના ચીફ ઈલેકશન કમિશનર ડો.એસ.મુરલીકૃષ્ણને પત્રકાર સમક્ષ પેટા ચૂંટણીની વિગતો જાહેર કરી અને જણાવ્યું હતું કે, પેટા ચૂંટણીમાં ૧૮.૭૫ લાખ મતદારો નોંધાયા છે. તમામ મતદાન મથક પર ૧૫૦૦ને બદલે ૧૦૦૦ મતદારો મતદાન કરવા આવી શકશે. ગઢડા શહેરમા ઢોલ સાથે વાજતે ગાજતે લોકોએ મતદાન કર્યું હતું.
મહિલાઓ અને પુરુષો સાથે મળી ઢોલ વગાડતા લોકશાહી પર્વની ઉજવણી કરી હતી. ધારી ભાજપના ઉમેદવાર જે.વી કાકડિયાએ પત્ની સાથે મતદાન કર્યું હતું. જે.વી કાકડીયાએ ભગવાનના દર્શન કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો અને પોતાના વતન ચલાલામાં મતદાન કર્યું હતું. મોરબીમાં સાસંદ મોહન કુંડારીયાએ મતદાન કર્યુ હતું. તેઓએ નીલકંઠ હાઇસ્કુલ ખાતેના બુથમાં મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેઓએ મતદાન બાદ ભાજપ ૧૦ હજાર મતની લીડથી જીતશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. કપરાડા પેટા ચૂંટણીમાં કાકડકોપર પ્રાથમિક શાળા ખાતે ભાજપના ઉમેદવાર જીતુ ચૌધરીએ પરિવાર સાથે મતદાન કર્યું હતું. તેઓએ નિવેદન આપ્યું હતું કે અમારી જીત નક્કી છે. કોંગ્રેસે મારી પર ખોટા આક્ષેપો કર્યા હતા. હું કોઈ વેચાયો નથી. મોરબીમાં કોંગ્રેસના ઉમેદવાર જયંતિ જેરાજે અને ભાજપના ઉમેદવારે મતદાન કર્યું હતું. ડાંગ કોંગ્રેસના ઉમેદવાર સૂર્યકાંત ગાવીતે મતદાન કર્યુ હતું. કરજણ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાએ ભરથાણામાં પોતાનું મતદાન કર્યું મતદાન પછી એબીપી અસ્મિતા સાથે વાત કરી, જેમાં તેઓએ કહ્યું કે આજે પક્ષ પલ્ટો કરનારને પાઠ ભણાવવાનો સમય છે, અને આ વખતે તેમની ૩૪ હજાર મતથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
મોરબીમાં ભાજપના ઉમેદવાર મેરજાએ પોલીંગ એજન્ટો, બુથ ઇન્ચાર્જ સાથે બેઠક યોજી
મોરબી માળીયા વિધાનસભા પેટા ચૂંટણી ૨૦૨૦ના ઉમેદવાર બ્રિજેશભાઈ મેરજાના સમર્થનમા ઘાટીલા સીટના પોલીંગ એજન્ટ, બુ ઇન્ચાર્જ, પેઇઝ પ્રમુખો સાથે અહે સવારે મતદાન પહેલા બેઠક લેતા રાજકોટ જીલ્લા ભાજપ ઉપપ્રમુખ મનસુખભાઈ રામાણી, રાજકોટ જીલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ અરુણભાઈ નિર્મળ, ડીસ્ટ્રીક્ટ બેંકના ડીરેક્ટર અને એજ્યુ. ટ્રસ્ટના અમૃતભાઈ વિડજા, ઘાટીલા માજી સરપંચ કાન્તિલાલભાઈ વિડજા, નરભેરામભાઈ ગઢિયા, હરીપર પાળ ઇન્ડ.એસો.ના પ્રમુખ ડેનીશભાઈ પટેલ, સોમનાભાઈ દેત્રોજા, જગદીષભાઈ વીડજા, રાજુભાઈ રામાણીએ ઘાટીલા ગામમા વધુમાં વધુ મતદાન ાય તે માટે ગામોના આગેવાનો સો વન બાય વન મીટીંગો યોજવામાં આવી હતી.
દરેક મતદારોને ઈવીએમનું બટન દબાવવા હેન્ડગ્લોઝ પહેરાવ્યા
ગુજરાતની ૮ બેઠકોની પેટાચૂંટણીમાં આજે કોરોના માહોલમાં જાહેર આરોગ્યની જાળવણી માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. દરેક મતદાન બુથ ઉપર સેનેટાઈઝર, થર્મલગનની વ્યવસ્થાની સાથે સાથે દરેક મતદારો માટે ઈવીએમનું મશીનનું બટન દબાવવા અને રજિસ્ટરમાં સહી કરાવવા માટે હેન્ડગ્લોઝની વ્યવસ્થા રાખવામાં આવી હતી. સાથે સાથે મતદાન મથકમાં નિશ્ર્ચિત વ્યક્તિની સંખ્યા અને સોશિયલ ડિસ્ટન્સની ખાસ વ્યવસ્થા રાખવામાં આવી હતી. ગુજરાતની આ પેટા ચૂંટણીમાં તંત્રને કોરોના સંક્રમણ સામેની વ્યવસ્થા માટે સવિશેષ જવાબદારી નિભાવી હતી. આ વખતની ચૂંટણી વહીવટી તંત્ર માટે કોરોનાની સાવચેતીની સવિશેષ જવાબદારી સાથેની બની રહી હતી.
ગઢડામાં સ્વામિનારાયણ મંદિરના સંતોએ કર્યો મતાધિકારનો ઉપયોગ
ગઢડામાં આજે પેટાચૂંટણીમાં સ્વામિનારાયણ મંદિરના સંતોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તમામ સ્વામીએ મતદાન કરીને લોકોને અવશ્યપણે મતદાન કરવાનો સંદેશ પાઠવ્યો હતો. આ વેળાએ તેઓએ તસવીરો ખેંચાવી સોશિયલ મીડિયા મારફતે લોકો સુધી પહોંચાડી હતી.