ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે બેઠકના ઉમેદવાર છે ત્યાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે મતદાર: મતદાન મથકે અમિત શાહે કર્યું વડાપ્રધાનનું સ્વાગત: પીએમએ જનતાનું અભિવાદન ઝીલ્યું: રાણીપમાં લાગ્યા મોદી-મોદીના નારા
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ લોકસભાની ગાંધીનગર બેઠકના ઉમેદવાર છે તે મત વિસ્તારના ખુદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મતદાર છે. આજે સવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાણીપ ખાતે આવેલી નિશાન હાઈસ્કૂલમાં મતદાન કર્યું હતું. આ પૂર્વે તેઓએ રાયસણ ખાતે જઈ તેઓના માતા હિરાબાના આશિર્વાદ લીધા હતા. ફરી તેઓ વડાપ્રધાન બને તેવા આશિર્વાદ આપી હિરાબાએ નરેન્દ્રભાઈને લાપસી ખવડાવી શ્રીફળ અને માતાજીના ચૂંદડી અર્પણ કરી હતી. ચુસ્ત બંદોબસ્તને છોડી માત્ર ચાર કમાન્ડો સાથે વડાપ્રધાન પોતાના માતાના આશિર્વાદ લેવા પહોંચ્યા હતા. તેઓએ સોસાયટીના સ્થાનિક લોકો સાથે પણ સંવાદ કર્યો હતો.
આજે સવારે ૮ કલાકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાણીપમાં અંબીકા ચાર રસ્તા પાસે આવેલી નિશાન હાઈસ્કૂલના રૂમ નં.૩ ખાતે મતદાન કર્યું હતું. અહીં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીતભાઈ શાહે વડાપ્રધાનને આવકાર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમિતભાઈ શાહ જયાંથી ચૂંટણી લડી રહ્યાં છે તે મત વિસ્તારના મતદાર ખુદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે. માતા હિરાબાના આશિર્વાદ લીધા બાદ વડાપ્રધાન સીધા રાણીપ ખાતે પહોચ્યા હતા. તેઓની એક ઝલક પ્રાપ્ત કરવા માટે રોડની બન્ને સાઈડ સમર્થકોનો કાફલો ગોઠવાઈ ગયો હતો. ખુલ્લી જીપમાં વડાપ્રધાને બન્ને સાઈડ હાથ હલાવતા લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.
રાણીપ વિસ્તારમાં મોદી-મોદીના નારા લાગ્યા હતા. મતદાન બાદ મીડિયા સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, પહેલા બે તબકકામાં પણ જંગી મતદાન થયું આ વખતે પણ સવારથી જે રીતે મતદાન મથકો પર લોકોની લાઈનો લાગી છે તે સુચવે છે કે, ગુજરાતમાં મતદાનની ટકાવારી ઉંચી રહેશે. મતદાન પૂર્વે વડાપ્રધાન રાયસણ ખાતે પોતાના માતા હિરાબાને મળવા પહોંચ્યા હતા. જયાં તેઓએ માતા સાથે ૨૦ મિનિટ સુધી વાત કરી હતી. નરેન્દ્રભાઈ મોદી ફરી વડાપ્રધાન પદે સત્તારૂઢ થાય તેવા હિરાબાએ આશિર્વાદ આપ્યા હતા અને લાપસી ખવડાવી હતી અને ચૂંદડી તથા શ્રીફળ પણ અર્પણ કર્યા હતા. કોન્વોયને છોડી માત્ર ચાર કમાન્ડો સાથે વડાપ્રધાન માતા હિરાબાને મળવા પહોંચ્યા હતા.