મહારાષ્ટ્ર વિધાનસભાની ૨૮૮ અને હરિયાણાની ૯૦ બેઠકો માટે એક જ તબકકામાં મતદાન: ચીફ ઈલેકશન કમિશનર સુનિલ અરોરાએ કરી બંને રાજયો માટે ચૂંટણીની તારીખો જાહેર: દિવાળીનાં દિવસે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ
કેન્દ્રીય ચુંટણીપંચ દ્વારા આજે મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચુંટણી માટે તારીખોની જાહેરાત કરવામાં આવી છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ૨૮૮ બેઠકો અને હરિયાણા વિધાનસભાની ૯૦ બેઠકો માટે એક જ તબકકામાં ૨૧મી ઓકટોબરનાં રોજ મતદાન હાથ ધરવામાં આવશે અને ૨૪મી ઓકટોબરે મતગણતરી હાથ ધરાશે. દિવાળીનાં દિવસે જ સમગ્ર ચુંટણી પ્રક્રિયા આટોપી લેવામાં આવશે. ૨૧મીએ ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી ૭ બેઠકો પૈકી ૪ બેઠકો માટે પણ પેટાચુંટણી યોજવામાં આવશે.
આજે સવારે નવીદિલ્હી ખાતે ચીફ ઈલેકશન કમિશનર સુનિલ અરોરાએ પ્રેસ કોન્ફરન્સમાં મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચુંટણી માટેની તારીખોનું એલાન કર્યું હતું. મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ ૯ નવેમ્બરે પૂર્ણ થઈ રહ્યો છે. હાલ રાજયમાં ભાજપ અને શિવસેનાની ગઠબંધન સરકાર ચાલી રહી છે જયારે ૯૦ સીટોવાળી હરિયાણા વિધાનસભાનો કાર્યકાળ ૨ નવેમ્બરનાં રોજ પૂર્ણ થઇ રહ્યો છે. અહીં ભાજપની સરકાર છે બંને રાજયો માટે આગામી ૨૭ સપ્ટેમ્બરનાં રોજ ચુંટણીનું જાહેરનામું પ્રસિઘ્ધ થતાની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. ૪ ઓકટોબરે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. ૫મી ઓકટોબરનાં રોજ ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને ૭ ઓકટોબર સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે. મહારાષ્ટ્ર વિધાનસભાની ૨૮૮ અને હરિયાણા વિધાનસભાની ૯૦ બેઠકો માટે એક જ તબકકામાં ૨૧ ઓકટોબરનાં રોજ મતદાન હાથ ધરવામાં આવશે. ૨૪ ઓકટોબરનાં રોજ સવારથી મતગણતરી હાથ ધરાશે. સમગ્ર ચુંટણી પ્રક્રિયા ૨૭મી ઓકટોબર એટલે કે દિવાળીનાં દિવસે પૂર્ણ થશે. મહારાષ્ટ્રમાં ૮.૯૪ કરોડ જયારે હરિયાણામાં ૧.૨૮ કરોડ મતદાતાઓ છે.
વર્ષ ૨૦૧૪માં યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભાની ચુંટણીમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો અને હાલ અહીં ભાજપ અને શિવસેનાનાં ગઠબંધનવાળી સરકાર ચાલે છે અને દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે. જયારે ૯૦ બેઠકોવાળી હરીયાણા વિધાનસભામાં ભાજપની બહુમતીવાળી સરકાર છે અને મુખ્યમંત્રી તરીકે મનોહર ખટ્ટર જવાબદારી નિભાવી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ હટાવ્યા બાદ દેશમાં આ પ્રથમ મોટી ચુંટણી છે જેમાં મોદી સરકારનો ફલોર ટેસ્ટ થશે. આજે બંને રાજયો માટે ચુંટણીની તારીખો જાહેર થતાની સાથે જ આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં ગત વિધાનસભાની ચુંટણીમાં ૨૫ વર્ષ પછી ભાજપ અને શિવસેના એકલા હાથે ચુંટણી લડી હતી. આ વખતે બંને વચ્ચે ગઠબંધન થઈ ગયું છે. જોકે સીટોની વહેંચણી હજુ બાકી છે. સામાપક્ષે કોંગ્રેસ અને એનસીપી ગઠબંધન સાથે મહારાષ્ટ્ર ચુંટણીજંગમાં ઝુકાવશે. મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, શિવસેનાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ ઉઘ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે, કોંગ્રેસનાં અશોક ચૌહાણ, એનસીપીનાં શરદ પવાર અને અજીત પવાર મુખ્ય ચહેરા છે. જયારે હરિયાણામાં વર્તમાન મુખ્યમંત્રી મનોહર ખટ્ટર, કોંગ્રેસનાં ભુપેન્દ્રસિંહ હુડા મુખ્ય ચહેરા રહેશે.
ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી ૭ પૈકી ૪ બેઠકો માટે ૨૧મીએ મતદાન
કાનુની પ્રક્રિયા ચાલુ હોવાનાં કારણે રાધનપુર, બાયડ અને મોરવાહડફ બેઠક માટે ચૂંટણી જાહેર ન થઈ: સોમવારે જાહેરનામું પ્રસિઘ્ધ
ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી ૭ બેઠકો પૈકી ૪ બેઠકો માટે પેટાચુંટણીની જાહેરાત આજે કેન્દ્રીય ચુંટણીપંચ દ્વારા કરવામાં આવી છે. મહારાષ્ટ્ર અને હરિયાણા સાથે ગુજરાતની ૪ બેઠકો માટે ૨૧મી ઓકટોબરનાં રોજ મતદાન યોજાશે અને ૨૪મીએ મતગણતરી હાથ ધરાશે. આગામી સોમવારે ચુંટણીનું જાહેરનામું પ્રસિઘ્ધ થતાની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાનું શરૂ થશે.
વર્ષ ૨૦૧૭માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં લુણાવાવ બેઠક પરથી રતનસિંહ રાઠોડ, ખેરાલુ બેઠક પરથી ભરતસિંહ ડાભી, અમરાવાડી બેઠક પરથી હસમુખભાઈ પટેલ અને થરાદ વિધાનસભા બેઠક પરથી પરબતભાઈ પટેલ ચુંટાઈ આવ્યા હતા. આ ચારેયને ભાજપે લોકસભાની ચુંટણીમાં ટીકીટ આપતા તેઓ સંસદ સભ્ય તરીકે ચુંટાય આવતા ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું હતું જેનાં કારણે ૪ બેઠકો ખાલી પડી છે જેનાં માટે આજે પેટાચુંટણીની તારીખનું એલાન કરવામાં આવ્યું છે. રાજયની અન્ય ૩ વિધાનસભા બેઠક રાધનપુર, બાયડ અને મોરવાહડફ સીટ પણ હાલ ખાલી છે. મોરવાહડફનાં ધારાસભ્ય ગેરલાયક ઠર્યા છે જયારે રાધનપુર અને બાયડનાં ધારાસભ્યએ કોંગ્રેસનો સાથ છોડી ભાજપનાં કેશરીયો ખેસ પહેરી ધારાસભ્યપદેથી રાજીનામું આપી દેતા આ બેઠકો ખાલી પડી છે જોકે આ ત્રણ બેઠકો માટે હાલ કાનુની પ્રક્રિયા ચાલી હોવાનાં કારણે કેન્દ્રીય ચુંટણીપંચ દ્વારા ચુંટણીની તારીખ જાહેર કરવામાં આવી હતી. રાજયની ૪ બેઠકો માટે આગામી ૨૧મી ઓકટોબરનાં યોજાનારી પેટાચુંટણી માટે આગામી સોમવારે જાહેરનામું પ્રસિઘ્ધ થશે. ૩૦ સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. મતદાન ૨૧મી ઓકટોબરનાં રોજ અને મતગણતરી ૨૪ ઓકટોબરનાં રોજ હાથ ધરવામાં આવશે.