શું ભાજપ મધ્યપ્રદેશનો ગઢ સાચવી શકશે?
પૂર્વોત્તરમાંથી કોંગ્રેસના સફાયાના એંધાણ
આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીની સેમીફાઈનલ સમાન ગણાતી મધ્યપ્રદેશ અને મિઝોરમ રાજયોની વિધાનસભાની ચૂંટણીઓ માટે આજે સવારથી મતદાનનો પ્રારંભ થયો છે. છેલ્લા ૧૫ વર્ષોથી મધ્યપ્રદેશમાં શાસન કરી રહેલુ ભાજપને તેનો ગઢ સાચવી રાખવાનો હોય જયારે પૂર્વોતર રાજયોમાં સતત ભાજપના હાથે મહાત ખાઈને એક પછી એક રાજયોની સતા ગુમાવી ચૂકેલા કોંગ્રેસ માટે તેના તેના આખરી ગઢ મિઝોરમને બચાવવાનો છે.
જેથી, આ બંને રાજયોમાં ભારે રસાકસી ભર્યા વાતાવરણમાં મતદાન થઈ રહ્યું છે. મિઝોરમમાં સવારે ૯ વાગ્યા સુધી ૧૫ ટકા મતદાન નોંધાયું હતુ જયારે મધ્યપ્રદેશ વિધાનસભાની ૨૩૦ બેઠકો માટે ૨,૮૯૯ ઉમેદવારો ચૂંટણી જંગમાં છે.જેનું રાજયનાં ૫.૦૪ કરોડ મતદારો ભાવિ નકકી કરવા મતદાન કરી રહ્યા છે.
મધ્યપ્રદેશમાં ચાલી રહેલી વિધાનસભાની ચૂંટણીમાં સવારે ૯ વાગ્યા સુધીમાં ૭ ટકા મતદાનની ટકાવારી સામે આવી હતી. આ રાજયમાં મુખ્ય હરિફાઈ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. બસપા પણ આ રાજયમાં અસરકારક ભૂમિકામાં હોય તે કોને નુકશાન પહોચાડે છે. તેના પર પણ રાજકીય વિશ્ર્લેષકોની નજર છે.
વર્ષ ૨૦૦૫થી મુખ્યમંત્રી પદે રહેલા શિવરાજસિંહ ચૌહાણ તેમની પરંપરાગત બુંધની બેઠક પરથી પોતાનું રાજકીય ભવિષ્ય અજમાવી રહ્યા છે. જયારે તેમની સામે કોંગ્રેસના અરૂણ યાદવ ટકકર આપી રહ્યા છે.
પોતાના ગામ જૈતમાં મતદાન કરતા પહેલા શિવરાજસિંહે બુધનીમાં નર્મદા મૈયાની પૂજા કરીને આર્શીવાદ મેળવ્યા હતા. મતદાન કર્યા બાદ શિવરાજસિંહે રાજયમાં ભાજપ બહુમતિથી સતત ચોથી વખત સરકાર બનાવશશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. જયારે, કોંગ્રેસના મુખ્યમંત્રી પદના દાવેદાર કમલનાથે તેમના મતક્ષેત્ર છીંદવાડામાં હનુમાન મંદિરે દર્શન કરીને મતદાન કર્યું હતુ. કમલનાથે મતદાન કર્યા બાદ ભાજપ સરકારે રાજયની ભોળી પ્રજાને અત્યાર સુધી લૂંટી હોવાનો દાવો કરીને કોંગ્રેસની બહુમતીથી સરકાર રચવાનો દાવો કર્યો હતો.
મધ્યપ્રદેશ વિધાનસભાની ૨૩૦માંથી ૨૨૭ બેઠકો પર સવારે આઠ વાગ્યાથી મતદાનનો પ્રારંભ થયો હતો જે સાંજે પાંચ વાગ્યા સુધી ચાલશે જયારે માઓવાદી પ્રભાવિત ૩ બેઠકો લાજી, પારસવાડી અને બૈહરમાં સવારે સાત વાગ્યાથી મતદાનનો પ્રારંભ થયો છે. જયાં સાંજે ચાર વાગ્યે મતદાન પૂર્ણ થનારૂ છે. આ ચૂંટણી માટે ૭૮,૮૭૦ ઈવીએમ મશીનનો ઉપયોગ થઈ રહ્યો છે.મતદાનમાં ગેરરીતિ અટકાવવા ૬૫૦૦ મતદાન મથકો પર વેબકાસ્ટીંગ જયારે ૪૬૦૦ મતદાન મથકો પર વિડિયોગ્રાફી હાથ ધરવામાં આવી રહી છે.
જયારે, મતદાન દરમ્યાન કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ૧.૮૦ લાખ સુરક્ષા કર્મીઓનો સજજડ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મતદાન પ્રક્રિયા માટે ૪૫,૯૦૪ મહિલા કર્મીઓ સહિત ત્રણ લાખથી વધારે સરકારી કર્મચારીઓને કાર્યરત કરવામાં આવ્યા છે. પોતાનું ભાવિ અજમાવી રહેલા ૨,૮૯૯ ઉમેદવારોમાં ૨૫૦ મહિલાઓ અને પાંચ ટ્રાન્સજેન્ડર મતદારો છે.
જયારે પૂર્વોતરના રાજયોમાં દાયકાઓથી શાસન કરનારા કોંગ્રેસને મહાત આપવા ભાજપ લાંબા સમયથી મહેનત કરી રહ્યું છે. જેમાં કેન્દ્રમાં સરકાર આવ્યા બાદ સફળતા મળી હોય તેમ ધીમેધીમે છ રાજયોમાં ભાજપે પોતાનું કે પોતાના સાથી પક્ષોનું શાસન આવ્યું હતુ એકમાત્ર મિઝોરમ રાજયમાં કોંગ્રેસનું શાસન બચવા પામ્યું હતુ ૨૦૧૩માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસ ૪૦માંથી ૩૪ બેઠકો જીતીને શાસન મેળવ્યું હતુ
આજે રાજય વિધાનસભાની ૪૦ બેઠકો માટે યોજાઈ રહેલા મતદાનનો ધીમો પ્રારંભ થયો હતો અને સવારે નવ વાગ્યા સુધીમાં ૧૫ જ ટકા જેવું મતદાન નોંધાવા પામ્યું હતુ અહી સવારે સાત વાગ્યાથી મતદાનનો પ્રારંભ થયો હતો.
મિઝોરમના ૭.૬૮ લાખ મતદારો ૪૦ બેઠકો માટે ૧,૧૬૪ મતદાન મથકો પર મતદાન કરી રહ્યા છે. આ તમામ મતદાન ઈવીએમ અને વીવીપેટથી કરાવવામાં આવી રહ્યું છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ, મિઝોનેશનલ ફ્રન્ટ (એમ.એન.એફ.) અને ભાજપના ૨૦૯ ઉમેદવારો પોતાનું ભવિષ્ય અજમાવી રહ્યા છે.
આ ચૂંટણીમાં અત્યાર સુધી એકપણ બેઠક ન જીતનારો ભાજપ પક્ષ કોંગ્રેસ માટે મોટો પડકારપ સાબીત થઈ રહ્યું છે. આ સરહદી રાજય એવા મિઝોરમમાં ચૂંટણીમાં ગેરરીતિ ન થાય તે માટે ૧૧,૧૦૦ લશ્કરી અને અર્ધ લશ્કરી દળોના જવાનોને ફરજ પર મૂકી દેવાયા છે. જયારે બાંગ્લાદેશ અને મ્યાનમારની ૫૧૦ કી.મી.લાંબી સરહદને શીલ કરી દેવામાં આવી છે.
‘નબળો કારીગર હથિયારના વાંક કાઢે’ જેવો ઇવીએમના વાંધા વચકા કાઢનારાઓનો ઘાટ: મુખ્ય ચૂંટણી કમિશનર
મુખ્ય ચુંટણી કમિશ્નર કે જે આગામી મહિને નીવૃત થઇ રહ્યાં છે તેઓએ વિરોધ્ધ પક્ષના આરોપોને નકારી કાઢી જણાવ્યું હતું કે ઇલેક્ટ્રોનિક્સ વોટિંગ મશિન અથવા તો ઇવીએમ સાથે ચેડાં કરવા ખૂબ જ જોખમી છે. તેઓએ જણાવ્યું હતું કે રાજકીય પક્ષો ચુંટણી હારી જતાં હોય છે ત્યારે તેઓ ઇવીએમ પર જ પ્રશ્ન ઉભાં કરે છે. વધુમાં તેઓએ ઉમેર્યુ હતું કે ઇલેક્શન કમિશન હમેંશા બિનપક્ષપાતી અને નિષ્પક્ષ રહેતું હોય છે. ઇવીએમના ભંગાણના આક્ષેપો અંગે રાવતે જણાવ્યું હતું કે લોકોને મુદાઓ ઉભા કરવાથી રોકી શકતાં નથી.
જ્યારે વધુમાં તેઓએ કહ્યું હતું કે જ્યારે કોઇપણ પક્ષ જીતી જાય છે ત્યારે તેઓ ઇવીએમને ક્રેડીટ આપતાં નથી અને જો ચુંટણી ગુમાવે તો સીધ્ધા આક્ષેપો ઇવીએમ ઉપર થાય છે અને ઇવીએમને દોશી ઠેરવે છે. તેઓએ ખેદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ૨૦૧૫માં જ્યારે તેઓ જોડાયાં અને તેઓએ જે વિચાર કર્યો હતો તેમાં તેને સંતોષ મળ્યો નથી.
તેમણે જણાવ્યું હતું કે કાયદાઓની સમિક્ષા કરવા માટે પૂરતો સમય મળ્યો નથી. ચુંટણી પંચે લોકોના પ્રતિનિધિત્વ અને સંબંધીત નિયમોની સમિક્ષા કરવા માટે અધિકારીઓની સમિતિની રચના કરી હતી. પરંતુ ચુંટણી પંચને વ્યાપક રીતે અભ્યાસ કરવા માટે સમય મળ્યો ન હતો અને ફેરફાર કરવા માટે કાયદા મંત્રાલયને સુચનો પણ આપ્યાં હતાં.