ચૂંટણી ફરજમાં રોકાયેલ કર્મચારીઓ તાલીમ લેવાની સાથે મત પણ આપી રહ્યા છે
સૌરાષ્ટ્રભરમાં બેઠકોવાઇઝ કર્મચારીઓનું બેલેટ પેપર વડે મતદાન થઈ રહ્યું છે. ચૂંટણી ફરજમાં રોકાયેલ આ સ્ટાફ તાલીમ લેવાની સાથે મતદાન કરી નાગરિક તરીકેની ફરજ પણ અદા કરી રહ્યા છે.
સૌરાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીમાં મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તમામ જિલ્લાઓમાં ચૂંટણી ફરજમાં જે સ્ટાફ રોકાયેલ છે. તેઓનું સેક્ધડ રેન્ડમાઇઝેશન પણ થઈ ગયું છે. જેમાં તમામ સ્ટાફની ફરજની વિધાનસભા બેઠક નક્કી કરી દેવામાં આવી છે. હવે આ સ્ટાફની અંતિમ તાલીમનો તબક્કો ચલાવવામાં આવી રહ્યો છે.જો કે અમુક જિલ્લાઓ તૈયારીઓમાં વહેલા હોય, તેઓનો આ તબક્કો પૂર્ણ થઈ ગયો છે.
બીજી તરફ ચૂંટણી સ્ટાફ તાલીમની સાથોસાથ પોસ્ટલ બેલેટ વડે મતદાન પણ કરી રહ્યા છે. તમામ જિલ્લાઓમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તાલીમની સાથે કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી.
કર્મચારીઓ પોતાની ચૂંટણી ફરજ દરમિયાન તાલીમની સાથોસાથ મતદાન કરીને પોતાની નાગરિક તરીકેની રાષ્ટ્રીય ફરજ પણ નિભાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કર્મચારીઓ ઉપરાંત જે નાગરિકો 80 વર્ષથી વધુ ઉંમરના અને દિવ્યાંગો છે અને તેઓ મતદાન મથક સુધી જવા અસક્ષમ છે. તેઓ દ્વારા પણ પોસ્ટલ બેલેટ વડે મતદાન કરવામાં આવી રહ્યું છે.