119 બેઠકો માટે મતદાન મથકો ઉપર સવારે 7 વાગ્યાથી જ કતારો લાગવાનું શરૂ : સવારે…. વાગ્યા સુધી ….. ટકા મતદાન : સાંજે 5 વાગ્યા સુધીમાં 2290 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં થશે કેદ : 3 ડીસેમ્બરે પરિણામો
તેલંગાણા વિધાનસભાની 119 બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. આ ચૂંટણીમાં લગભગ 2290 જેટલા ઉમેદવારો મેદાનમાં છે. સવારે 7 વાગ્યાથી જ મતદાન શરુ થઈ ગયું છે અને સાંજે 5 વાગ્યા સુધી મતદાન ચાલુ રહેશે. તેલંગાણામાં આજે 35 હજારથી વધુ મતદાન કેન્દ્રો પર 3 કરોડ 26 લાખથી વધુ મતદારો મતદાન કરવાના છે.
તેલંગાણામાં ભારતીય જનતા પાર્ટી તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી અને શાસક ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ)ના વડા કે. ચંદ્રશેખર રાવ જેવા ટોચના નેતાઓ દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર કર્યા પછી આજે હવે જનાદેશ ઇવીએમમાં કેદ થવાનું શરૂ થયું છે.
સવારે 7 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી 106 મતવિસ્તારોમાં અને 13 ડાબેરી ઉગ્રવાદ પ્રભાવિત મતવિસ્તારોમાં સવારે 7 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે. આ ચૂંટણીમાં 2,290 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ, તેમના મંત્રી-પુત્ર કે. ટી. રામારાવ, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ એ. રેવંત રેડ્ડી અને ભાજપના લોકસભા સભ્ય બી. સંજય કુમાર અને ડી અરવિંદનો સમાવેશ થાય છે.
સત્તાધારી બીઆરએસએ તમામ 119 બેઠકો પર તેના ઉમેદવારો ઉભા રાખ્યા છે જ્યારે ભાજપ પોતે સીટ વહેંચણી કરાર મુજબ 111 બેઠકો પર ચૂંટણી લડી રહી છે અને અભિનેતા પવન કલ્યાણની આગેવાની હેઠળની જનસેના બાકીની 8 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. કોંગ્રેસે તેના સહયોગી કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (સીપીઆઈ)ને એક સીટ આપી છે અને બાકીની 118 સીટો પર પોતે ચૂંટણી લડી રહી છે. અસદુદ્દીન ઓવૈસીની આગેવાની હેઠળની ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનએ હૈદરાબાદ શહેરની 9 બેઠકો પર તેના ઉમેદવારો ઉભા રાખ્યા છે.
બીઆરએસ 2014માં શરૂ થયેલી તેની જીતનો સિલસિલો ચાલુ રાખવા આતુર છે, જ્યારે કોંગ્રેસ 2018 અને તેના ચાર વર્ષ પહેલાં હાર્યા બાદ સત્તા જાળવી રાખવા માટે સંઘર્ષ કરી રહી છે. કોંગ્રેસની આગેવાની હેઠળની સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ) સરકાર દરમિયાન જ તેલંગાણાને અવિભાજિત આંધ્ર પ્રદેશમાંથી અલગ કરીને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો. ભાજપ પણ દક્ષિણના આ રાજ્યમાં પહેલીવાર સત્તામાં આવવામાં કોઈ કસર છોડી રહી નથી.
આ ચૂંટણીમાં મુખ્યમંત્રી કેસીઆર બે મતવિસ્તારો ગજવેલ અને કામરેડ્ડી પર પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. તેઓ ગજવેલનું પ્રતિનિધિત્વ કરે છે. કામરેડ્ડી અને ગજવેલમાં રોમાંચક સ્પર્ધા જોવા મળી રહી છે. કોંગ્રેસે તેના પ્રદેશ અધ્યક્ષ રેવન્ત રેડ્ડીને કામરેડ્ડીમાં મુખ્યમંત્રીની ચૂંટણી લડવા મેદાનમાં ઉતાર્યા છે જ્યારે ભાજપના ઉમેદવાર વેંકટ રમણ રેડ્ડીને પણ મજબૂત માનવામાં આવે છે.
ગત ચૂંટણીમાં કોંગ્રેસને 19 અને ભાજપને 1 જ બેઠક મળી હતી
તેલંગાણામાં વર્ષ 2018ની વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી કેસીઆરની તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ)એ 88 બેઠકો જીતી હતી. જોકે હવે ટીઆરએસનું નામ ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ) થઈ ગયું છે. છેલ્લી ચૂંટણીમાં કોંગ્રેસને 19, ટીડીપીને 2, ભાજપને 1, એ આઈએમઆઈએમને 7 અને અપક્ષને 1 બેઠક મળી હતી.
હૈદરાબાદ શહેરમાં ઓછું મતદાન ચિંતાનો વિષય
તેલંગણાની ચૂંટણીમાં તેની રાજધાની – હૈદરાબાદ પર સૌની નજર છે. અગાઉની વિધાનસભા ચૂંટણી દરમિયાન, ગ્રેટર હૈદરાબાદના 24 મતવિસ્તારોમાં સરેરાશ મતદાન 40% થી 50% હતું – તેલંગાણાના અન્ય જિલ્લાઓ કરતાં અહીં 15% થી 20% ઓછું મતદાન નોંધાયું હતું. પણ અધિકારીઓએ અહીં વધુ પ્રમાણમાં મતદાન થાય તેવા પ્રયાસો કર્યા હતા. હવે કેટલું મતદાન અહીં થાય છે તે સાંજે જ સામે આવશે.
અલ્લુ અર્જુન, જુનિયર એનટીઆર અને ચિરંજીવીએ કર્યું મતદાન
તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત કલાકારો જેમ કે અલ્લુ અર્જુન, જુનિયર એનટીઆર અને ચિરંજીવી હૈદરાબાદમાં તેમના પરિવાર સાથે આવ્યા હતા અને તેમના મતદાનના અધિકારનો ઉપયોગ કર્યો હતો.આ ઉપરાંત તેઓએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી દરેક લોકોને મતદાન કરવા માટે પણ વિનંતી કરી હતી.