- સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં
- અલગ અલગ 213 બેઠકોના ઉમેદવારો બિન હરીફ જાહેર થઇ ચૂકી છે: જુનાગઢ મહાપાલિકાની આઠ બેઠકો બિન હરીફ થતા હવે બાકીની પર બેઠકો માટે 157 ઉમેદવારો વચ્ચે જંગ
રાજ્ય ચૂંટણી આયોગે રાજ્યમાં જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકાઓ, ગાંધીનગર, કઠલાલ, કપડવંજ તાલુકા પંચાયતોની સામાન્ય/ મધ્યસત્ર તથા સ્વરાજ્યના એકમોની પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણીઓ મતદાન આગામી રવિવારે યોજાશે.
સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી માટે કુલ 7036 ઉમેદવારી પત્રો રજૂ થયેલ હતા તે પૈકી 1261 અમાન્ય તેમજ 5775 ઉમેદવારી પત્રો માન્ય રહેલ છે. 478 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો પરત ખેંચેલ છે. કુલ 213 બેઠકો બિનહરીફ થયેલ છે, કુલ 5084 ઉમેદવારો હરિફાઇમાં છે.
જૂનાગઢ મહાનગરપાલિકાના 15 વોર્ડોની કુલ 60 બેઠકો પૈકી વોર્ડ નં.3 તથા 14 (કુલ 8 બેઠકો) સંપૂર્ણ બિનહરીફ થયેલ છે બાકીના વોર્ડોની પર( બાવન) બેઠકો પર ચૂંટણી યોજાનાર છે. આ માટે કુલ 157 ઉમેદવારો મેદાનમાં છે.
અમદાવાદ મહાનગરપાલિકાના વોર્ડ નં.7 (સામાન્ય), ભાવનગર મહાનગરપાલિકાના વોર્ડ નં.3 (સામાન્ય) તથા સુરત મહાનગરપાલિકાના વોર્ડ નં.18( પછાતવર્ગ) ની પેટા ચૂંટણી હેઠળની ત્રણ બેઠકો પર ચૂંટણી યોજાનાર છે. આ બેઠકો માટે કુલ 17 ઉમેદવારો મેદાનમાં છે.
સામાન્ય ચૂંટણી હેઠળની 66 નગરપાલિકાઓના 461 વોર્ડ પૈકી 24 વોર્ડ સંપૂર્ણ બિનહરીફ થયેલ છે. કુલ 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ થયેલ છે જ્યારે 1677 બેઠકો પર ચૂંટણી યોજાનાર છે આ બેઠકો માટે કુલ 4374 ઉમેદવારો મેદાનમાં છે.
મધ્યસત્ર ચૂંટણી હેઠળની બોટાદ અને વાંકાનેર નગરપાલિકાઓના 18 વોર્ડ પૈકી 4 વોર્ડ સંપૂર્ણ બિનહરીફ થયેલ છે. કુલ 72 બેઠકો પૈકી 23 બેઠકો બિનહરીફ થયેલ છે જ્યારે 49 બેઠકો પર ચૂંટણી યોજાનાર છે આ બેઠકો માટે 101 ઉમેદવારો મેદાનમાં છે.
નગરપાલિકાની પેટા ચૂંટણી હેઠળની 21 બેઠકો પૈકી 2 બેઠકો (મોરબી જિલ્લાની માળિયા મિયાણા નગરપાલિકાના વોર્ડ નં.ર તથા 5 ની બેઠક) બિનહરીફ થયેલ છે. 19 બેઠકો પર ચૂંટણી યોજાનાર છે. આ બેઠકો માટે કુલ 45 ઉમેદવારો મેદાનમાં છે.
જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી હેઠળની 9 બેઠકો પૈકી 1 બેઠક (પંચમહાલ જિલ્લાની 29-શિવરાજપુર) બિનહરીફ થયેલ છે. 8 બેઠકો પર ચૂંટણી યોજાનાર છે. આ બેઠકો માટે 2ર ઉમેદવારો મેદાનમાં છે.
ગાંધીનગર, કઠલાલ તથા કપડવંજ તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી હેઠળના 78 મતદાર મંડળો માટે 178 ઉમેદવારો હરિફાઇમાં છે.
તાલુકા પંચાયતની પેટા ચૂંટણી હેઠળની 91 બેઠકો પૈકી 12 બેઠકો બિનહરીફ થયેલ છે. હારીજ તાલુકા પંચાયતની 12-સાંકરા, બગસરા તાલુકા પંચાયતની 16-વાઘણીયાજુના પર ઉમેદવારી પત્રો ભરાયેલ ન હોય તેમજ બાબરા તાલુકા પંચાયતની 10-કરીયાણા બેઠક પર એક ઉમેદવારી પત્ર રજૂ થયેલ જે રદ થયેલ હોય ચૂંટણી યોજવાની થતી નથી. આ સિવાયની પેટા ચૂંટણી હેઠળની 76 બેઠકો પર ચૂંટણી યોજાનાર છે. આ બેઠકો માટે 190 ઉમેદવારો હરિફાઇમાં છે.
રવિવારે સવારે 7.00 કલાકથી 6.00 કલાક સુધી મતદાન યોજાનાર છે.
જે મતદાન મથકો પર મતદાન થવાનું છે, તે પૈકી સંવેદનશીલ/ અતિસંવેદનશીલ મતદાન મથકો છે તેવા મતદાન મથકો પર મતદારો નિર્ભયતાથી મતદાન કરી શકે તે માટે વધારાના પોલીસ ફોર્સ/ પોલીસ પેટ્રોલીંગની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે.
નશાબંધી અને આબકારીની કચેરીના પત્રથી રાજ્યના ચૂંટણી હેઠળના વિસ્તારમાં મતદાનનો સમય પૂરા થવાના કલાક સાથે પૂરા થાય તે રીતે 48 કલાકનો સમય એટલે તારીખ 14- 2-2025ના સાંજના 5.00 કલાકથી તા.16- 2 સાંજના 7.00 કલાક( જો પુન: મતદાન થાય તો તે સાહિત) તેમજ મતગણતરીનો દિવસ એટલે કે તા.18 આખો દિવસ મતદારો નિર્ભય પણે મતદાન કરી શકે તે માટે ડ્રાય ડે જાહેર કરી દારૂ અને નશાકારક ચીજોના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે.
રાજ્ય ચૂંટણી આયોગની સૂચના મુજબ મતદાન બંધ કરવા માટે નિયત કરેલ કલાક સહિત પુરા થતા 48 કલાકના સમયગાળા દરમ્યાન જાહેર સભા બોલાવવા, ભરવા તથા હાજર રહેવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.
શ્રમ આયુક્તની કચેરી, ગુજરાત રાજ્યના તા.29-01-2025ના પરિપત્રથી ચૂંટણી હેઠળના વિસ્તારમાં ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ (રેગ્યુલેશન ઓફ એમ્પલોયમેન્ટ એન્ડ કંડીશન ઓફ સર્વિસ) એક્ટ 2019 હેઠળ મત આપવાનો અધિકાર ધરાવતી દરેક વ્યક્તિ કોઇ પણ દુકાન અથવા સંસ્થામાં નોકરી કરતી હોય અને અઠવાડિક રજા ચૂંટણીના દિવસ તા.16-02-2025ના રોજ ન આવતી હોય તેવા કર્મચારી/ કામદાર માટે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આવા કર્મચારી/ કામદારોને મતદાન માટે વારાફરતી ત્રણ કલાકની ખાસ રજા આપવામાં આવે અથવા જે દિવસે અઠવાડિક રજા હોય તે દિવસે સંસ્થાઓ ચાલુ રાખીને અવેજીમાં/ બદલીમાં મતદાનના દિવસે રજા આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવા સંબંધિતોને જણાવેલ છે.
મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની ચૂંટણીઓ સંપૂર્ણપણે ન્યાયી, મુક્ત રીતે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેવી નેમ વ્યક્ત કરતા રાજ્ય ચૂંટણી આયોગે રાજ્યના મતદારોને અભિયાનમાં સંપૂર્ણ સહયોગ આપવા અપીલ કરે છે. રાજ્ય ચૂંટણી આયોગ તથા જિલ્લાના વહીવટી તંત્રે સામાન્ય/મધ્યસત્ર/ પેટા ચૂંટણીઓ માં મતદારો પોતાની પસંદગી મુજબ મતદાન કરી શકે તે માટે તથા શાંતિપૂર્વક, એખલાસભર્યા વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે વહીવટી તથા પોલીસ તંત્રે પૂરતી વ્યવસ્થા કરી છે ત્યારે આ લોકતાંત્રિક પર્વનાં અભિયાનમાં રાજકીય પક્ષો આગેવાનો, ઉમેદવારો, મતદારો તથા જનતા સહયોગ આપશે તેવી રાજ્ય ચૂંટણી આયોગ શ્રધ્ધા વ્યકત કરે છે.