- બપોરે ભરતડકે પણ મતદાન મથકો ધમધમતા રહે તો લોકશાહીનું પર્વ દિપી ઉઠશે
- સૌરાષ્ટ્ર- કચ્છની 8 બેઠકો ઉપર શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન, સવારે 7 વાગ્યા પૂર્વે જ મતદાન મથકો ઉપર મતદારોની કતારો લાગી: પ્રથમ બે કલાકમાં 8.97 ટકા મતદાન
લોકશાહીના મહાપર્વના દિવસે આજે સવારે જ મતદાન મથકો મતદારોથી છલકાઈ ઉઠ્યા હતા. પ્રથમ બે કલાકમાં સૌરાષ્ટ્ર- કચ્છની 8 લોકસભા બેઠકમાં સરેરાશ 8.97 ટકા મતદાન નોંધાયું છે. આજે સવારે 7 વાગ્યાથી મતદાન મથકો બહાર મતદારોની કતારો લાગી હતી. હવે બપોરે પણ આ ટ્રેન્ડ જળવાઈ રહે તો લોકશાહીનું પર્વ દીપી ઉઠે.
અંતે જેની રાહ જોવાતી હતી તે દિવસ આવી ગયો છે. આજે સૌરાષ્ટ્ર કચ્છની 8 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. સૌરાષ્ટ્ર કચ્છમાં 92 ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉભા છે જેમાંથી 8 ઉમેદવારોને ચૂંટી કાઢવા દોઢ કરોડ નાગરિકો મતાધિકારોનો ઉપયોગ કરવાના છે. સૌરાષ્ટ્રમાં 11 જિલ્લાઓ છે જેમાં સંસદીય બેઠકો રાજકોટ, જામનગર, અમરેલી, જુનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગર અને ભાવનગર એમ 7 બેઠક તથા કચ્છની એક બેઠક આવેલ છે. આ વખતે આઠ બેઠકો પૈકી માત્ર ભાવનગર બેઠક ઉપર ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે અને બાકીની તમામ બેઠકો ઉપર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે. ધારાસભા- 2022 ચૂંટણીની જેમ આ વખતે ત્રિપાંખિયો જંગ નથી ત્યારે ચૂંટણી વધુ રસપ્રદ બની રહી છે.
આજે મતદાનના દિવસે એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. પ્રથમ બે કલાકમાં મતદાન મથકો મતદાતાઓથી છલકાઈ ઉઠ્યા હતા. સવારે 7થી 9 વાગ્યા દરમિયાન અમરેલીમાં 9.13 ટકા મતદાન, ભાવનગરમાં 9.20 ટકા મતદાન, જામનગરમાં 8.55 ટકા મતદાન, જૂનાગઢમાં 9.05 ટકા મતદાન, કચ્છમાં 8.79 ટકા મતદાન, પોરબંદરમાં 7.84 ટકા મતદાન, રાજકોટમાં 9.77 ટકા મતદાન અને સુરેન્દ્રનગરમાં 9.43 ટકા મતદાન નોંધાયું છે.
મતદાન મથકો પર પ્રત્યેક બૂથ દીઠ સરેરાશ 6 કર્મચારીઓ ફાળવાયા છે જેમાં રાજકોટમાં કૂલ 8842 તથા અન્ય સ્ટાફ મળી આશરે 13.000 જામનગરમાં 11.286, અમરેલીમાં 12,780 એમ દરેક બેઠક દીઠ સરેરાશ 12,000 લેખે આશરે એક લાખ કર્મચારીઓ ફરજ પર છે. આ કર્મચારીઓ સવારે 6 વાગ્યે ઉચ્ચ અધિકારીઓના સુપરવિઝનમાં મોકપોલ કર્યું હતું. ત્યારબાદ સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ કર્યું હતું.
આ વખતે સંવેદનશીલ બુથોની સંખ્યા વધી છે જેના પગલે વિશેષ પોલીસ અને અર્ધલશ્કરી દળોનો ચુસ્ત બંદોબસ્ત રખાયો છે.
શહેરી વિસ્તાર કરતા ગ્રામ્યમાં મતદાન વધુ
સૌરાષ્ટ્ર- કચ્છની 8 બેઠકોમાં શહેરી વિસ્તાર કરતા ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન વધુ થઈ રહ્યું છે. ગામડાઓમાં વહેલી સવારથી જ લોકોએ બુથ બહાર કતારો લગાવી હતી. રાજકોટમાં ટંકારા અને વાકાનેર, અમરેલીમાં રાજુલા, ભાવનગરમાં તળાજા, જામનગરમાં કાલાવડ,જૂનાગઢમાં ઉના, કચ્છમાં માંડવી, ભુજ અને અંજાર, સુરેન્દ્રનગરમાં વિરમગામ અને દસાડામાં ઉચુ મતદાન જોવા મળી રહ્યું છે.
બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડમાં ઊંચું મતદાન: પોરબંદરમાં નિરસતા
રાજ્યની 25 બેઠકો ઉપર મતદાન ચાલુ છે. સવારના બે કલાકના ટ્રેન્ડ પ્રમાણે રાજ્યમાં બનાસકાંઠા બેઠક મતદાનમાં અવ્વલ રહી છે. અહીં 12.28 ટકા જેટલું સૌથી વધુ મતદાન થયું છે. ત્યારબાદ સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર 11.43 ટકા જેવું મતદાન થયું છે. જ્યારે વલસાડ બેઠક ઉપર 11.65 ટકા મતદાન થયું છે. જ્યારે રાજ્યમાં સૌથી ઓછું મતદાન પોરબંદર બેઠક ઉપર માત્ર 7.84 ટકા જેટલું થયું છે. આ ઉપરાંત જામનગર બેઠક ઉપર પણ માત્ર 8.55 ટકા જેવું મતદાન થયું છે. જ્યારે કચ્છ બેઠક ઉપર 8.79 જેવું ધીમું મતદાન થયું છે. રાજ્યની 25 બેઠક ઉપર સરેરાશ 9.87 ટકા મતદાન નોંધાયું છે.
સો મણનો સવાલ: શું આજનું મતદાન 2014 અને 2019ને ટક્કર મારશે?
લોકસભાની ચૂંટણીમાં આ વખતે પ્રથમ બે તબક્કામાં નીચું મતદાન રહ્યા બાદ ચૂંટણી પંચે એલર્ટ થઈને મતદાન વધારવા માટે એડીચોટીનું જોર લગાવ્યું છે. સ્વીપ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજી મતદારોને જાગૃત કરવાના ખૂબ પ્રયત્નો કરવામાં આવ્યા છે. તો બીજી તરફ ગરમી અને જ્ઞાતિ- જાતિ મુદ્દે વિવાદ ઉપરાંત કોઇ ઠોસ મુદ્દો ન હોવો સહિતના કારણોસર મતદાન વધારવા સામે અનેક પડકારો ઉભા થયા છે. જો કે બીજી તરફ સવારથી જ મતદાન મથકો બહાર કતારો લાગી છે. ત્યારે સો મણનો એક સવાલ ઉભો થાય છે કે શું 2024નું મતદાન 2014 અને 2019ના મતદાનને ટક્કર આપી શકશે? ઉલ્લેખનીય છે કે વર્ષ 2014માં સૌરાષ્ટ્ર- કચ્છની 8 બેઠકોમાં સરેરાશ 58.60 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે રાજ્યની 26 બેઠકો ઉપર સરેરાષ્ય 63.31 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે વર્ષ 2019માં સૌરાષ્ટ્ર- કચ્છની 8 બેઠકોમાં સરેરાશ 58.95 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે રાજ્યની 26 બેઠકો ઉપર સરેરાષ્ય 64.11 ટકા મતદાન નોંધાયું હતું
લોકશાહીમાં મતદાન સામાન્ય દાન નથી: વડાપ્રધાન મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોટાભાઈ સોમભાઈના આશિર્વાદ લઈને રાણીપની નિશાન સ્કૂલમાં કર્યું મતદાન
ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. આ તબક્કામાં 11 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 93 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.પોતાનો કિંમતી મત આપવા માટે વડાપ્રધાન મોદી મોડી રાત્રો ગુજરાત આવી પહોંચ્યા હતા. રાત્રી દરમ્યાન તેઓએ રાજભવન ખાતે રોકાયા હતા. તેમજ સવારે મતદાન કરવા માટે રાજભવનથી નીકળ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાણીપનાં નિશાન સ્કૂલનાં મતદાન કેન્દ્રમાં મતદાન કર્યું હતું.એનએસજી દ્વારા મતદાન મથકે ચુસ્તબંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વડાપ્રધાન મોદીએ રાણીપમાં મતદાન કર્યું હતું. પીએમ મોદીએ ટ્વિટ કરીને તમામ લોકોને વોટ કરવાની અપીલ કરી છે. પીએમ મોદીએ કહ્યું, હું ત્રીજા તબક્કાના તમામ મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અને મતદાનનો નવો રેકોર્ડ બનાવવા વિનંતી કરું છું. આપ સૌની સક્રિય ભાગીદારી લોકશાહીના આ પર્વની સુંદરતામાં
વધુ વધારો કરશે. વડાપ્રધાને કહ્યુ- ગરમીમાં પણ લોકો દિવસ રાત દોડ્યા. તમારા સ્વાસ્થ્યની પણ ચિંતા કરો. તેમણે કહ્યુ લોકતંત્રમાં મતદાન સામાન્ય દાન નથી. આપણા દેશમાં દાનનું મહત્વ છે. એ જ ભાવથી દેશવાસી વધુમાં વધુ મતદાન કરે. હજુ ચાર તબક્કાનું મતદાન બાકી છે. તેમણે ગુજરાત અને દેશભરમાં મતદાન કરનારાઓનો આભાર માન્યો. તેમણે કહ્યુ હતુ કે મતદાનમાં પહેલા હિંસા થતી હતી. જો કે હજુ સુધી બે તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ થયુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાનો મુલ્યવાન વોટ આપવા માટે અમદાવાદ રાણીપની નિશાન સ્કુલ પહોંચ્યા હતા.તેમની સાથે ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત હતા. અહીં નિશાન સ્કૂલમાં સવારથી વોટિંગને લઇને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહિલાઓએ ગરબે ઘૂમીને લોકતંત્રના પર્વની આવકાર્યું હતું. પીએમ મોદીએ અમદાવાદ રાણીપ વિસ્તારની નિશાન સ્કૂલના મતદાન મથકની મતદાન કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કર્યુ. તેમની સાથે તેમના મોટાભાઇ સોમાભાઇએ પણ મતદાન કર્યુ. મતદાન કર્યા બાદ તેમણે બુથ બહાર આવીને લોકશાહીના નિશાનને જનતા સમક્ષ દર્શાવ્યુ હતુ.જે પછી તેઓ પરત ફર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાણીપની નિશાન સ્કૂલ મતદાન કરવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે મતદાન કરતા પહેલા જનતામાં તેમની તસવીર લઇને ઊભેલા લોકોને ઓટોગ્રાફ આપ્યો હતો.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શીલજમાં કર્યું મતદાન
ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે શિલજની પ્રાથમિક શાળામાં આજે મતદાન કર્યુ હતુ. ભુપેન્દ્ર પટેલની સાથે અનેક ધારાસભ્યો તેમજ કાર્યકર્તાઓ પણ જોડાયા હતા. તેઓએ જણાવ્યું કે વિકસીત ભારત માટે મતદાન કરવા માટે અપીલ છે. તમામ લોકો અવશ્ય મતદાન કરે અને લોકશાહીના પર્વની ઉજવણીમાં સહભાગી બને. ભુપેન્દ્ર પટેલ અને સાથે તેમના દીકરા અનુજ પટેલે પણ મતદાન કર્યુ હતુ.
ગૃહમંત્રી અમિત શાહે નારણપુરામાં પરિવાર સાથે આપ્યો મત
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે અમદાવાદના નારણપુરામાં પરિવાર સાથે મતદાન કર્યુ હતું. મતદાન કર્યા પછી તેમણે કામેશ્વર મંદિરમાં આરતી કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહે જણાવ્યું હતું કે, હું દેશ અને ગુજરાતન તમામ મતદારોને લોકશાહીના આ તહેવારમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા વિનંતી કરવા માંગુ છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ અમિત શાહે તેમના પરિવારના સભ્યો સાથે ગાંધીનગરના મતદાન મથક પર મતદાન કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી પાર્ટીના ઉમેદવાર છે તો કોંગ્રેસે ગાંધીનગરથી પાર્ટી સેક્રેટરી સોનલ પટેલને મેદાનમાં ઉતાર્યા છે.