રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક પર 2007 અને 2012માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ ભાનુબેન બાબરિયા ત્રીજી વખત એમ.એલ.એ. બન્યાં લીડમાં પણ તોતીંગ વધારો

71-રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક પર પાંચ વર્ષના વિરામ બાદ ભાનુબેન બાબરિયા ફરી એક વખત ધારાસભ્ય તરીકે તોતીંગ લીડ સાથે વિજેતા બન્યાં છે. રાજકોટની ચારેય વિધાનસભા બેઠકો જાળવી રાખવામાં ભાજપ સફળ રહ્યું છે. આટલું જ નહિં તમામ બેઠકો પર ભાજપના વિજેતા ઉમેદવારોની લીડમાં ખાસ્સો એવો વધારો થયો છે.

DSC 2275

રાજકોટમાં આ વખતે ભાજપ હાઇકમાન્ડે એક નવો જ અખતરો કર્યો હતો. જેમાં ચારેય સિટીંગ ધારાસભ્યોની ટિકિટ પર કાતર ફેરવી દેવામાં આવી હતી અને તેના સ્થાને નવા ચહેરાઓને તક આપવામાં આવી હતી. આટલું જ નહિં પ્રથમવાર શહેરની ચાર બેઠકો પૈકી બે બેઠકો પર મહિલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી હતી. 2007 થી 2012 અને 2012 થી 2017 સુધી રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠકના ધારાસભ્ય રહેનાર અને હાલ વોર્ડ નં.1ના ભાજપના નગરસેવિકા ભાનુબેન બાબરિયાને ટિકિટ આપવામાં આવી હતી. આ બેઠક પર 2017માં ભાજપના ઉમેદવાર તરીકે લાખાભાઇ સાગઠીયા માત્ર 2,158 મતથી વિજેતા બન્યાં હતાં.

DSC 2279

ગ્રામ્ય બેઠક પર આ વખતે ત્રિ-પાંખીયો જંગ હતો. કારણ કે કોંગ્રેસના ઉમેદવાર સુરેશ બથવાર ઉપરાંત આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે વોર્ડ નં.15ના પૂર્વ કોર્પોરેટર અને વિરોધ પક્ષના પૂર્વ નેતા વશરામભાઇ સાગઠીયા ચૂંટણી લડી રહ્યાં હતાં. આ બેઠક પર હાર-જીતની સરસાઇ ખૂબ જ નજીવી રહેશે તેવું માનવામાં આવતું હતું પરંતુ 2017માં ગ્રામ્ય વિધાનસભા બેઠક પરથી ભાજપ માત્ર 2,158 મતોથી જીત્યું હતું ત્યાં આ વખતે 50 હજારથી પણ વધુ લીડ સાથે વિજેતા બન્યું છે. ભાનુબેન બાબરિયાને પાંચ વર્ષના વિરામ બાદ રાજકોટ ગ્રામ્યની જનતાએ ફરી ધારાસભ્ય તરીકે ચૂંટી કાઢ્યા છે.

DSC 2288

રાજકોટમાં બે મહિલાઓને વિધાનસભાની ચૂંટણીની ટિકિટ આપવામાં આવી હોય એક વાત બહુ ક્લિયર છે કે મંત્રી મંડળમાં રાજકોટના મહિલા ધારાસભ્યનો સમાવેશ કરવામાં આવશે. તેમાં જો સિનિયોરિટીને ધ્યાનમાં રાખવામાં આવશે તો ભાનુબેનના ચાન્સ વધી જાય છે. કારણ કે તેઓ અગાઉ બે વખત ધારાસભ્ય રહી ચૂક્યાં છે. સતત ત્રીજી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાનારા તેઓ પ્રથમ મહિલા બનશે. જીત બાદ તેઓએ રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સતત વિકાસ કામોને વેગ આપવાની બાંહેધરી આપી હતી. તેઓ 49,659 મતથી વિજેતા બન્યાં હતાં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.