વોર્ડ નં.3ના ભાજપના ઉમેદવાર નરેન્દ્રસિંહ (ટીકુભાઈ) પૃથ્વીસિંહ જાડેજા, બાબુભાઈ અરજણભાઈ ઉધરેજા, અલ્પાબેન દિપકભાઈ દવે અને કુસુમબેન સુનિલભાઈ ટેકવાણીને લોકસંપર્કમાં મતદારોએ ફુલડે વધાવ્યા
પાંચ વર્ષમાં માત્ર પોતાનો વિકાસ કરવામાં જ મશગુલ રહેનાર કોંગ્રેસના કોર્પોરેટરો સામે વોર્ડ નં.3ના મતદારોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. હવે વોર્ડ નં.3માંથી કોંગ્રેસનું નામો નિશાન મિટાવી દેવા મતદારોએ મક્કમ મન બનાવી લીધું છે. ભાજપના ચારેય ઉમેદવારોને તોતીંગ લીડ સાથે વિજેતા બનાવવાનો નિર્ધાર લોકો દ્વારા સ્વયંભુ કરવામાં આવ્યો હોય તેઓ જાજરમાન કેસરીયો માહોલ જોવા મળી રહ્યો છે.
વોર્ડ નં.3ના ભાજપના ઉમેદવાર નરેન્દ્રસિંહ (ટીકુભાઈ) પૃથ્વીસિંહ જાડેજા (ક્રમાંક નં.12), બાબુભાઈ અરજણભાઈ ઉધરેજા (ક્રમાંક નં.13), અલ્પાબેન દિપકભાઈ દવે (ક્રમાંક નં.2) અને કુસુમબેન સુનિલભાઈ ટેકવાણી (ક્રમાંક નં.5)એ ચૂંટણી પ્રચારના પ્રથમ દિવસથી જ વોર્ડવાસીઓનો ઉમળકાભેર આવકાર મળી રહ્યો છે. વોર્ડ નં.3માં ગત ટર્મમાં કોંગ્રેસના ચારેય ઉમેદવારોને વિજેતા બનાવ્યા તે અમારી સૌથી મોટી ભુલ હોવાનો સ્વીકાર ખુદ મતદારો કરી રહ્યાં છે. કારણ કે પાંચ વર્ષના કાર્યકાળમાં કોંગ્રેસના કોર્પોરેટરોએ માત્રને માત્ર દેખાવો કરવા સીવાય બીજુ કશુ જ કામ કર્યું નથી. વોર્ડના વિકાસ માટે રતિભાર પણ તસ્દી લીધી નથી. માત્રને માત્ર સ્વ વિકાસમાં જ મશગુલ રહ્યાં છે. પરિણામે આજે શહેરના અન્ય વોર્ડની સરખામણીએ વોર્ડ નં.3નો વિકાસ રૂંધાયો હોય તેવું લાગી રહ્યું છે. વારંવાર રજૂઆત છતાં કોંગ્રેસના કોર્પોરેટરોએ પ્રજાના પ્રશ્ર્નો હલ કરવા માટે મહેનત કરી નથી. હવે વોર્ડ નં.3ના મતદારોએ સ્વયંભુ કોંગ્રેસને જાકારો આપવાનું મન બનાવી લીધુ છે અને ભાજપના ચારેય ઉમેદવારોને તોતિંગ લીડ સાથે જીતાડવાનો નિર્ધાર કરી લીધો છે.વોર્ડ નં.3માં જે નવા વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યાં અગાઉ ભાજપના અગ્રણી પૃથ્વીસિંહ (ઘોઘુભા) જાડેજાએ વર્ષો પહેલા વિકાસનો પાયો નાખી દીધો છે અને હવે તેમના પુત્ર નરેન્દ્રસિંહ (ટીકુભાઈ) જાડેજા ડેવલોપમેન્ટનું ચણતર કરવા માટે થનગની રહ્યાં છે. ભાજપને મત એટલે વિકાસને આમંત્રણ તેવું વોર્ડના લોકો સારી પેઠે જાણી ચૂક્યા છે. ચૂંટણી પ્રચારમાં જે રીતે ભાજપના ઉમેદવારોને સમર્થન મળી રહ્યું છે તે જોતા કોંગ્રેસના ઉમેદવારો હવે ચૂંટણી પ્રચારમાં નિકળતા પણ રીતસર ફફડી રહ્યાં છે. કોંગ્રેસની વોર્ડ નં.3માં હાર નિશ્ર્ચિત જ થઈ ગઈ છે. હવે ઉમેદવારો પોતાની ડિપોઝીટ જાય તેવી કારમી હારથી બચવા માટે ધમપછાડા કરી રહ્યાં છે. ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના ઉમેદવારોને વોર્ડ નં.3માં દરેક વિસ્તારોના લોકોએ ઉમળકાભેર આવકાર્યા છે અને તેઓ પર પુષ્પ વર્ષા કરી છે. આ વાત પરથી ફલીત થાય છે કે હવે વોર્ડ નં.3માં પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે.