જિલ્લામાં કુલ ૨૦,૫૬,૮૫૬ મતદારો, ૨૧૪૨ મતદાન મથકો: ચુંટણીલક્ષી તૈયારીઓ પૂર્ણતાના આરે: ૧૫ દિવસમાં આચારસંહિતા લાગુ પડવાની સંભાવના
રાજકોટ શહેર જિલ્લાની ૮ વિધાનસભા બેઠકોની સુધારણા બાદની મતદાર યાદી તૈયાર કરવામાં આવી છે. નવી મતદાર યાદીમાં જિલ્લામાં નવા ૬૦૭૧૩ મતદારોનો ઉમેરો તેમજ ૨૭૯૨૩ મતદારોના નામ કમી કરવામાં આવ્યા છે. જેથી રાજકોટ જિલ્લામાં કુલ ૩૨૭૯૦ મતદારોનો ઉમેરો થયો છે. આ અંગેની વિગત આપવા કલેકટર અને જિલ્લા ચુંટણી અધિકારી ડો.વિક્રાંત પાંડેના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.કલેકટર ડો.વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું કે, જિલ્લામાં તબકકાવાર જાહેરાત કરીને તેમજ બુથ કેમ્પેઈન કરીને નવા ઉમેદવારનો મતદાર યાદીમાં ઉમેરો તેમજ મૃત્યુ પામેલા અથવા અન્ય જગ્યાએ સ્થળાંતર પામેલા મતદારોનું મતદાર યાદીમાંથી નામ કમી કરવાની પ્રક્રિયા ૧ જુલાઈથી શરૂ કરવામાં આવી હતી. જિલ્લામાં કુલ ૨૧૪૨ મતદાન મથકો નકકી કરવામાં આવ્યા છે. વધુમાં સાંજના સમયે ઘસારો થવાની સંભાવના હોવાથી મથકોમાં લાઈટની વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવી છે. હાલ ચુંટણીલક્ષી કામગીરી પૂર્ણતાના આરે છે. ૧૫ દિવસમાં આચાર સંહિતા લાગુ પાડવામાં આવશે. પોલીસ કમિશનર અને કલેકટર તંત્ર દ્વારા લો એન્ડ ઓર્ડર વિષય પર ચર્ચા વિચારણા થઈ હતી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે વીવીપેટ મશીનથી લોકો અજાણ છે.જેથી તંત્ર દ્વારા આ અંગે જાગૃતતા ફેલાવવાનું અભિયાન પણ ચાલુ છે. રાજકોટ જિલ્લા માટે ૩૫૦૦ વીવીપેટ મશીનની માંગણી થઈ હતી. જેની સામે ૩૫૦૦ વીવીપેટ મળ્યા છે. વધુમાં શહેરમાં વોર્ડ વાઈઝ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં બુથ વાઈઝ મોબાઈલ વાનથી વીવીપેટ મશીનનો ડેમો પણ આપવામાં આવશે. જેથી લોકોને મત આપતા સમયે મુંઝવણ ન થાય.