શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડની યાદીમાં જણાવાયું છે કે, રાજકોટ સહિત સમગ્ર રાજયમાં છેલ્લા ઘણા સમયથી મતદાર યાદી સુધારણાની કામગીરી ચાલી રહી છે, જે અંતર્ગત આ કામગીરી તા.૪ જાન્યુઆરી સુધી ચાલનાર હતી તેના બદલે તા.૧૭ જાન્યુઆરી સુધી મતદાર યાદીમાં સુધારા-વધારા, નામ-સરનામા ફેરફાર અને નવા નામ દાખલ કરવાની પ્રક્રિયા ચાલુ રહેશે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, હાલ ફોટાવાળી મતદાર યાદીમાં તા.૧-૧-૧૯ની સ્થિતિએ નવા નામો દાખલ કરાઈ રહ્યાં છે તે કામગીરી તા.૧૭-૧ સુધી ચાલુ રાખવાના કેન્દ્રીય ચૂંટણીપંચના નિર્ણયથી મતદાર યાદીમાં નામ-સરનામા ઉમેરવા કે જરૂરી સુધારા કરાવવાથી વંચિત રહી ગયેલા મતદારો માટે આગામી લોકસભાની ચૂંટણી પહેલા આ અંતિમ તક હોય એક જાગૃત નાગરિક તરીકે શહેરીજનોનો સહયોગ એ લોકશાહી તંત્રની પાયાની જરૂરીયાત હોય શહેરીજનોને આ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ-૨૦૧૯ અંતર્ગત મતદાર યાદીમાં નામ નોંધાવવા, જરૂરી સુધારા-વધારા કરાવવા માટેની અમુલ્ય તકનો લાભ લેવા કમલેશ મિરાણી, દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે જાહેર અનુરોધ કર્યો છે.